યુવકનો આબાદ બચાવ:બોટાદમાં જૂની અદાવતમાં યુવક ઉપર 4 રાઉન્ડ ફાયરિંગ કરાતાં ચકચાર

બોટાદ22 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • બોટાદમાં મુસ્લિમ યુવક ઉપર ફાયરિંગની ઘટના હજી ભુલાઈ નથી ત્યાં
  • યુવકનો આબાદ બચાવ, કાર લઈને આવેલા 5 ઈસમો ફાયરિંગ કરી ફરાર

બોટાદમાં તા.25/7/22 ના રોજ રાત્રે પાંચપડા વિસ્તારમાં દૂકાને બેઠેલ ભરવાડ સમાજના 22 વર્ષના યુવક ઉપર કારમાં આવેલાં 5 શખસે જૂની અદાવતને લઇ 4 રાઉન્ડ ફાયરિંગ કર્યું હતું.

પોલીસ સુત્રો દ્રારા મળતી માહીતી મુજબ બોટાદ શહેરના પાંચપડા વિસ્તારમાં રહેતા નારણભાઈ જોગરાણાનો પુત્ર વિશાલ ઉ.વ.22 તા.25/7/22 ના રોજ મોડી રાત્રિના સુમારે પોતાના ઘરની સામે આવેલી ખોડીયાર કિરાણા સ્ટોર ખાતે માવો ખાવા ગયો હતો ત્યારે કાર લઈને આવેલા જયરાજ વાળા, ઉદય ગોવાળીયા રહે. બ્રાહ્મણ સોસાયટી, બોટાદ અને બીજા 3 અજાણ્યા હુમલાખોરોએ યુવક ઉપર 4 રાઉન્ડ ફાયરિંગ કર્યું હતું, જેમા યુવાનનો આબાદ બચાવ થયો હતો જયારે પોતાના પર ફાયરિંગ થતાં યુવક જીવ બચાવવા માટે નાસી જતા હુમલાખોરો ઘરના દરવાજા ઉપર 4 રાઉન્ડ ફાયરિંગ કરી નાસી ગયા હતા.

આ ઘટનાને લઇ લોકોના ટોળે ટોળા ઘટના સ્થળે ઉમટી પડ્યા હતા જયારે બનાવની જાણ થતાં બોટાદ પોલીસનો કાફલો ઘટના સ્થળે દોડી ગયો હતો. આ બનાવ અંગે વિશાલ નારણભાઈ જોગરાણાએ બોટાદ પોલીસ સ્ટેશનમાં ઉદય પ્રદીપભાઈ ગોવાળીયા રહે. બ્રાહ્મણ સોસાયટી, જયરાજ વાળા અને અન્ય 3 અજાણ્યા ઈસમો વિરૂદ્ધ ફરિયાદ નોંધાવતા વધુ તપાસ પી.એસ.આઈ.મનોજકુમાર બારૈયા ચલાવી રહ્યા છે.

જૂની અદાવતને લઇ ફાયરીંગ કરી મારી નાખવાની કોશિશ કરવામાં આવી
બનાવનું કારણ એવું છે કે આશરે 4 વર્ષ પહેલા વિશાલ અને ઉદય ગોવાળીયા ને એકબીજા સાથે 2 વાર ઝગડા થયા હતા અને અને આ બાબતે જે તે સમયે ફરીયાદ કરી હતી અને ઉદયએ પણ વિશાલ સામે પોલીસ ફરીયાદ કરેલ હતી. અને આ બાબતની દાઝ રાખી આ ઉદય ગોવાળીયા, જયરાજ વાળા અને તેમની સાથેના બીજા 3 શખસે કારમાં આવી ફાયરીંગ કરી વિશાલને અપશબ્દો બોલી જાનથી મારી નાખવાની ધમકી આપી નાસી છુટ્યા હતા.

અન્ય સમાચારો પણ છે...