બોટાદના પાળીયાદ રોડ પર સ્વામિનારાયણ ગુરૂકુલની બસ તેમજ કાર વચ્ચે સર્જાયેલા ગમખ્વાર અકસ્માતમાં કારમાં સવાર 3 લોકોને ગંભીર ઇજા થઈ હતી. તો એક વ્યક્તિનું ઘટનાસ્થળ પર મોત થયું હતું.
કારમાં સવાર ત્રણ લોકોને ગંભીર ઈજાઓ પહોંચી
બોટાદ શહેરના પાળીયાદ રોડ પર રિલાયન્સ મોલ પાસે ગઢડા રોડ પર આવેલી ખાનગી શાળા સ્વામિનારાયણ ગુરૂકુલની સ્કૂલ બસ અને કાર વચ્ચે બપોરના સમયે ગમખ્વાર અકસ્માત સર્જાયો હતો. અકસ્માત એટલો ભયાનક હતો કે કારના આગળના ભાગનો કચ્ચરઘાણ વળી ગયો હતો. તો કારમાં સવાર લોકોને સ્થાનિક પાસે મળેલી માહિતી મુજબ મહામહેનતે બહાર કાઢવામાં આવ્યા હતા. તાત્કાલિક ધોરણે 108ને જાણ કરતાં 108ની ટીમ દ્વારા ત્રણ લોકો જે કારમાં હતા, તેમને ગંભીર ઇજા પહોંચતાં સારવાર અર્થે હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા, તો એક વ્યક્તિનું ઘટનાસ્થળ પર મોત નીપજ્યું હતું.
બસમાં કોઈ વિદ્યાર્થીઓ ન હોવાથી મોટી દુર્ઘટના ટળી
દિવસ-રાત ટ્રાફિકથી ધમધમતા પાળીયાદ રોડ પર અકસ્માત સર્જાતાં ટ્રાફિકની સમસ્યા સર્જાઈ હતી. તો લોકોના ટોળા પણ મોટી સંખ્યામાં એકત્રિત થઈ ગયા હતા. પોલીસને જાણ થતાં પોલીસ પણ ઘટના સ્થળે પહોંચી ગઈ હતી. ગઢડા રોડ પર આવેલા સ્વામિનારાયણ ગુરૂકુલની બસનો ડ્રાઈવર અકસ્માત બાદ બસ રેઢી મૂકી ત્યાંથી ફરાર થઈ ગયો હતો. તો સ્થાનિક પાસેથી મળેલી માહિતી મુજબ વિદ્યાર્થીઓને શાળાએથી ઘરે મૂકી બસ પરત આવતી હોવાથી બસમાં કોઈ વિદ્યાર્થીઓ ન હોવાથી મોટી દુર્ઘટના ટળી હતી.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.