લઠ્ઠાકાંડને લઈને ગૃહવિભાગની મોટી કાર્યવાહી:સરકારની સ્વચ્છ છબી ઊભી કરવાના પ્રયાસ?, બે આઈપીએસની રાજકીય બદલી? , અન્ય એજન્સીને તપાસ સોંપાઈ શકે છે

12 દિવસ પહેલા
 • DySP, ઇન્સ્પેક્ટર સહિત 8 ઓફિસરો સસ્પેન્ડ
 • એક તરફ વડાપ્રધાન ગુજરાત આવ્યા બીજી તરફ બદલીના હુકમ કરાયા
 • હર્ષ સંઘવી સાહેબ, વિભાગ ચલાવવા સોશિયલ મીડિયાની સક્રિયતા નહિ , ત્વરિત નિર્ણય શક્તિ જરૂરી છે
 • તત્કાલીન બરવાળા પીએસઆઈએ દારૂબંધી માટે કડક પગલાં ભર્યા હોવાના વખાણ ગૃહ મંત્રીએ જ કર્યા હતા તો પણ સસ્પેન્ડ
 • દારૂની હેરફેર, વેચાણ રોકવામાં નિષ્ફળ રહેવા બદલ અધિકારીઓને સસ્પેન્ડ કરાયા: ગૃહ મંત્રાલય

લઠ્ઠાકાંડમાં અત્યાર સુધીમાં 57 લોકોના મોત થયા છે. જે બાદ હવે સરકાર એક્શનમાં આવી છે. ગૃહ મંત્રી હર્ષ સંઘવીએ આ મામલે કડક કાર્યવાહી હાથ ધરી છે, જેમા બોટાદના એસપી કરણરાજ વાઘેલા અને અમદાવાદ ગ્રામ્યના SP વિરેન્દ્રસિંહ યાદવની પણ બદલી કરવામાં આવી છે. જ્યારે બોટાદ અને ધોળકાના dysp સસ્પેન્ડ કરાયા છે. સાથે જ ધંધુકાના PI કે.પી.જાડેજાને પણ સસ્પેન્ડ કરાયા છે. DySP, ઇન્સ્પેક્ટર સહિત 8 ઓફિસરો સસ્પેન્ડ કરાયા છે. આજે વધુ 7 આરોપીઓને કોર્ટમાં રજૂ કરવામાં આવશે. પોલીસ દ્વારા 10 દિવસના રિમાન્ડની માંગણી કરવામાં આવશે.

લઠ્ઠાકાંડને કેમિકલ કાંડમાં ખપાવવાના સુનિયોજીત આયોજન બાદ હવે ગુજરાતની ભાજપ સરકારે પોતાની સ્વચ્છ છબી ઊભી કરવા નવો કીમિયો અજમાવ્યો છે. જે અમદાવાદ અને બોટાદ જીલ્લા પોલીસ વડાની કામગીરીની પ્રશંસા ખુદ રાજ્યના ગૃહ મંત્રી હર્ષ સંઘવી ટ્વીટના માધ્યમથી કરતાં હતા તે અધિકારીઓની જ એકાએક બદલી કરી દેવામાં આવી છે.

અમદાવાદ જીલ્લા પોલીસ વડા વિરેન્દ્રસિંહ યાદવ અને બોટાદ જીલ્લા પોલીસ વડા કરણરાજ વાઘેલાની સરકારે બદલી કરી દીધી છે. અમદાવાદ જીલ્લા પોલીસ વડા વિરેન્દ્રસિંહ યાદવની બદલી મેટ્રો સિક્યુરિટીના એસ.પી. જ્યારે કરણરાજસિંહ વાઘેલાની બદલી પ્રોટેક્શન ઓફ ગવર્મેન્ટ પ્રોપર્ટીના વડા તરીકે બદલી કરવામાં આવી છે.

પ્રધાનમંત્રી ગુજરાત પહોંચ્યા કે તાત્કાલિક બદલીના હુકમ થયા
પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી ગુજરાતના પ્રવાસે છે ત્યારે એક તરફ જેવા તેઓ અમદાવાદ એરપોર્ટ પર ઊતર્યા કે તાત્કાલિક ધોરણે જ બીજી તરફ બોટાદ અને અમદાવાદ જીલ્લા પોલીસ વડાની બદલીના હુકમ થયા.

સુરત લઠ્ઠાકાંડની ઘટનામાં અન્ય એજન્સીને તપાસ સોંપાઈ હતી
વર્ષ ૨૦૧૬માં જ્યારે સુરત ખાતે લઠ્ઠાકાંડ થયો ત્યારે ૨૨ લોકોના મોત થયા હતા. સુરતનો એ કેસ સ્થાનિક પોલીસ ઝડપથી ઉકેલી શકી ના હોવાથી સ્થાનિક ઉપરી અધિકારીઓની બદલી કરવામાં આવી હતી તો બીજી તરફ એટીએસને સ્વતંત્ર તપાસ સોંપાઈ હતી. એટીએસે જે તે સમયે ૧૫ કરતાં વધુ આરોપીઓની ધરપકડ કરી હતી.

બરવાળાની ઘટનામાં ગુનો ઉકેલાઈ જવા છતાં પણ બદલી કેમ ? પોલીસબેડામાં ચર્ચા
સુરતની ઘટનામાં ગુનો ઉકેલાયો ન્હોતો એટલે સ્થાનિક અધિકારીઓની બદલી કરાઈ હતી પરંતુ બરવાળાની ઘટનામાં તો આખોયે ગુનો ઉકેલાયો છે જેમાં સ્થાનિક પોલીસે પણ સક્રિયતાથી ભાગ ભજવ્યો છે તેમ છતાં પણ બંને જીલ્લા પોલીસ વડાની બદલી કેમ કરવામાં આવી ? તે સવાલ હાલ પોલીસબેડામાં ચર્ચાઈ રહ્યો છે.

બરવાળાની ઘટનામાં અન્ય એજન્સીને તપાસ સોંપાઈ શકે છે
બરવાળા ખાતે બનેલા કેમિકલ કાંડમાં મોડે મોડે નિર્ણય લેનારી સરકાર હવે અન્ય એજન્સીને તપાસ સોંપી સ્વચ્છ છબી ઊભી કરવાનો પ્રયાસ કરી શકે છે. શક્યત: આ ઘટનાની તપાસ સીઆઈડી ક્રાઈમને સોંપાઈ શકે છે તેવી જાણકારી ગૃહ વિભાગ તરફથી પ્રાપ્ત થઈ રહી છે

​​​​​​​લઠ્ઠાકાંડમાં અત્યારસુધીમાં 57 લોકોના મોત
25 જુલાઈને સોમવારે બરવાળાના રોજિદ ગામમાં લઠ્ઠાકાંડથી પહેલું મોત નોંધાયું હતું. ત્યારબાદ ધીરે-ધીરે મોતના આંકડામાં વધારો થયો હતો ને 26 તારીખ ને મંગળવારે મૃત્યુઆંક 55 હતો. જ્યારે ગઈકાલે વધુ બે વ્યક્તિના મોત નિપજ્યા હતા, એમ અત્યાર સુધીમાં કુલ 57 લોકોના મોત થયા છે. બરવાળા તાલુકાના રોજિદ ગામમાં જ 12 જણાં મૃત્યુ પામ્યા હતા. જ્યારે રાણપુર તાલુકાના 8 લોકો નશો કરવા જતાં મૃત્યુના મુખમાં ધકેલાયા હતા. લઠ્ઠાકાંડના મૃતકોમાં 2 મહિલાનો પણ સમાવેશ થાય છે.

આ પોલીસ અધિકારીઓ પર કાર્યવાહી કરવામાં આવી

 • કરણરાજ વાઘેલા બોટાદ SP- બદલી
 • વીરેન્દ્રસિંહ યાદવ અમદાવાદ ગ્રામ્ય SP- બદલી
 • એસ.કે.ત્રિવેદી DYSP- સસ્પેન્ડ
 • એન.વી.પટેલ DYSP ધોળકા- સસ્પેન્ડ
 • એસ.ડી.રાણા PSI રાણપુર- સસ્પેન્ડ
 • ભગીરથસિંહ વાળા PSI બરવાળા- સસ્પેન્ડ
 • કે.પી.જાડેજા PI ધંધુકા - સસ્પેન્ડ
 • સુરેશ ચૌધરી CPI-સસ્પેન્ડ
અત્યાર સુધીમાં 57ને ભરખી ગયો લઠ્ઠાકાંડ
અત્યાર સુધીમાં 57ને ભરખી ગયો લઠ્ઠાકાંડ

હજુ 97 લોકો સારવાર હેઠળ: હર્ષ સંઘવી
બનાવની જાણ થતાં જ પોલીસ વિભાગના ઉચ્ચ અધિકારીઓ ઘટનાસ્થળે દોડી આવ્યા હતા જ્યારે આ બનાવ અંગે સુભાષકુમાર ત્રિવેદી આઇપીએસ SIT ની રચના કરી તપાસ હાથ ધરી ધમધમાટ કરી દેવામાં આવ્યો હતો. ઝેરી દારુના કારણે 48 કલાકમાં 57 લોકોએ પોતાનો જીવ ગુમાવ્યો હતો. બીજીતરફ ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવી જણાવ્યું કે, હજુ 97 લોકો સારવાર હેઠળ છે. બરવાળા કેમિકલ કાંડના મુખ્ય આરોપી ગજુબેન વડોદરિયા અને પિન્ટુ ગોરહવાને બરવાળા કોર્ટમાં રજૂ કરાયા હતા. પોલીસે બંને આરોપીના 10 દિવસના રિમાંડની માગણી કરી હતી જેકે કોર્ટે 6 દિવસના રિમાંડ મંજૂર થયા છે.

ઘટનાના પગલે રેન્જ આઈ.જી. બોટાદ પહોંચ્યા હતા
ઘટનાના પગલે રેન્જ આઈ.જી. બોટાદ પહોંચ્યા હતા

DYSPની અધ્યક્ષતામાં SITની રચના કરવામાં આવી હતી
ઝેરી દારૂ પી જવાથી બરવાળામાં મોતનો સિલસિલો શરૂ થતા જ પોલીસ પણ એક્શનમાં આવી હતી. બીજીતરફ કેટલાક દર્દીઓને ગંભીર હાલતમાં સારવાર અર્થે ભાવનગરની સર ટી હોસ્પિટલમાં તો કેટલાકને બોટાદ ખાતે અને કેટલાકને અમદાવાદમાં દાખલ કરાયા હતા. આ સમગ્ર ઘટનામાંને પગલે DYSPની અધ્યક્ષતામાં SIT (Special Investigation Team)ની રચના કરવામાં આવી હતી, જે તપાસ કરી સરકારને રીપોર્ટ સોંપયો હતો.

સેટિંગની ઑડિયો ક્લિપ વાઇરલ થતાં મહિલા ASI સસ્પેન્ડ થઈ હતી
દારૂના વેચાણનું સેટિંગ કરાવવા મહિલા એએસઆઇ યાસ્મિન જગરેલાની કથિત ઑડિયો ક્લિપ વાઇરલ થતાં બોટાદ જિલ્લા પોલીસ અધિક્ષકે એએસઆઇ યાસ્મિન જગરેલાને તાત્કાલિક અસરથી બરવાળા પોલીસ મથકથી સસ્પેન્ડ કરી દઈ બોટાદ હેડ ક્વાર્ટરમાં બદલી કરી છે.

કમકમાટી ભરી આ તસવીર રોજિદા ગામની છે જ્યાં 5-5 મૃતદેહોને ટ્રેક્ટરમાં મૂકીને સ્મશાન લઈ જઈ રહ્યા છે
કમકમાટી ભરી આ તસવીર રોજિદા ગામની છે જ્યાં 5-5 મૃતદેહોને ટ્રેક્ટરમાં મૂકીને સ્મશાન લઈ જઈ રહ્યા છે

કેવો હતો રોજિદ માહોલ?
લઠ્ઠાકાંડમાં અત્યાર સુધીમાં રોજિદ ગામમાં સૌથી વધુ 12 લોકોના મોત થયા છે. મંગળવારે વહેલી સવારથી રોજિદ ગામમાં મૃતકોના અંતિમ સંસ્કારની તૈયારીઓ ચાલી રહી હતી. એ દિવસે ગામમાં એકસાથે 5 લોકોની અંતિમ યાત્રા નીકળી હતી. ગામના સ્મશાનમાં માત્ર બે જ ચિતા હોવાથી કેટલાકની અંતિમ વિધિ જમીન પર કરવામાં આવી હતી. બીજીતરફ અંતિમયાત્રા સમયે ચુસ્ત પોલીસ બંદોબસ્ત ગોઠવાઈ ગયું હતું. ગામમાં માત્ર મૃતકોના પરિવાર જ નહિ પણ ગામ લોકોમાં પણ દુઃખની લાગણી અનુભવી રહ્યા હતા.

કેમિકલકાંડના ત્રણેય ફરિયાદી પોલીસ અધિકારી સસ્પેન્ડ
​​​​​​​ત્રણ અલગ અલગ પોલીસ સ્ટેશનમાં જાતે ફરિયાદી બનેલા ત્રણેય પોલીસ અધિકારીને રાજ્ય સરકારે સસ્પેન્ડ કર્યા છે. આમ ફરિયાદી જાતે જ સસ્પેન્શનના સકંજામાં આવી ગયા છે. ધંધૂકા પોલીસ સ્ટેશનમાં પોલીસ ઇન્સપેક્ટર તરીકે હજુ 2.6.2022ના રોજ ફરજ પર મુકાયેલા કે. પી. જાડેજાને લઠ્ઠાકાંડ બાદ ફરજમાં બેદરકારી સહિતના કારણસર સસ્પેન્ડ કરવામાં આવ્યા છે. તેવી જ રીતે પોલીસ સબ ઇન્સપેક્ટર એસ. ડી. રાણાને ગત 18 એપ્રિલના રોજ રાણપુર પોલીસ સ્ટેશનમાં મૂકવામાં આવ્યા હતા તેઓ પણ લઠ્ઠાકાંડમાં ફરિયાદી હતા જેમને નોકરીમાંથી પાણીચું આપવામાં આવ્યું છે. ઉપરાંત 21.6.2022ના રોજ પી.એસ.આઇ., બી. જી. વાળાને બરવાળા તાલુકા પોલીસ સ્ટેશનનો હવાલો સોંપાયો હતો. આ ત્રીજા ફરિયાદી છે જેમને સસ્પેન્ડ કરાયા છે.

અન્ય સમાચારો પણ છે...