રાષ્ટ્રીય પર્વ 26મી જાન્યુઆરીની રાજ્ય કક્ષાની ઉજવણી બોટાદ ખાતે કરવામાં આવનાર છે. જે અન્વયે જુદા-જુદા પ્રકારના કચરાનાં એકત્રીકરણ અને નિકાલની કામગીરી કરવામાં આવી રહી છે. જે ધ્યાને લઇ સરકારે 120 માઈક્રોનથી પાતળા પ્લાસ્ટિક પર પ્રતિબંધ મુકેલો છે. ત્યારે બોટાદ પ્રતિબંધિત પ્લાસ્ટીકનું વેચાણ તથા વપરાશ સદંતર બંધ થાય તે માટે નગરપાલિકા દ્વારા શહેરમાં પ્લાસ્ટીકનું વેચાણ કરતા વેપારી-દુકાનો પર સામુહિક રેડ પાડી અંદાજીત 200 કી.ગ્રા. જેટલું પ્રતિબંધિત પ્લાસ્ટિક જપ્ત કરી રૂ.27,500નો દંડ કરાયો છે.
આગામી દિવસોમાં પણ દુકાનો, શાકભાજી, ફ્રુટની લારી, પાથરણા, પાનના ગલ્લાવાળા, ચાની કીટલીવાળા અને અન્ય ફેરિયાઓ દ્વારા પ્લાસ્ટીકના ઝબલા, પાન મસાલા માટેના પ્લાસ્ટિક તથા ચા માટે પ્લાસ્ટીકની પ્યાલીઓનો ઉપયોગ સદંતર બંધ થાય તે માટે જપ્તી તથા દંડનીય કાર્યવાહી હાથ ધરવામાં આવશે. જરૂર જણાયે પોલીસ કેસ પણ કરવામાં આવશે. તેમ બોટાદ નગરપાલિકાનાં ચીફ ઓફિસરની યાદીમાં જણાવાયું છે. બોટાદનાં વેપારીઓ, લારી ગલ્લા, પાથરણાવાળા અને સૌ નાગરિકોનાં સહયોગથી બોટાદને પ્લાસ્ટિક ફ્રી સિટી બનાવવા સૌએ સાથ-સહકાર આપવા બોટાદ નગરપાલિકા દ્વારા અનુરોધ કરવામાં આવ્યો છે.
જાહેરમાં કચરો નાખનાર પાસે કરાયો દંડ વસુલ
આગામી પ્રજાસત્તાક પર્વની રાજ્ય કક્ષાની ઉજવણી બોટાદ જિલ્લામાં થવા જઇ રહી છે. જે અન્વયે બોટાદ શહેરના મુખ્ય માર્ગો તેમજ બોટાદ શહેરી વિસ્તારના વોર્ડ નં.1થી 11માં વોર્ડ વાઇઝ તેમજ બોટાદ શહેરમાં પસાર થતી ઉતાવળી નદી તથા મધુમતીની સફાઈની કામગીરી પુરજોશમાં કરવામાં આવી રહી છે.
બોટાદ શહેરમાંથી પસાર થતી ઉતાવળી નદી તથા મધુમતી નદીની સફાઈ થયા બાદ નદી વિસ્તારમાં કચરો નાંખવો નહી અને જાહેર રસ્તાની સફાઈ થયા બાદ કચરો ફેંકવો નહી તેવી બોટાદ નગરપાલિકા દ્વારા બોટાદ શહેરના નાગરિકોને જાહેર અપીલ કરી છે.
બોટાદ નગરપાલિકાના સેનેટરી ઇન્સ્પેક્ટરો દ્વારા નાઇટ ડ્રાઇવ કરી કચરો ફેંકનાર કે ગંદકી કરનાર ઇસમો સામે દંડનીય કાર્યવાહી કે પોલીસ ફરિયાદ કરવામાં આવી રહી છે. જે અંગેની ડ્રાઇવ દરમિયાન મકાભાઇ ચા વાળા, ભૈરવનાથ આઇસક્રીમ, હસમુખ જીણાભાઇ, રાજ રાજેશ્વરી આઇસક્રીમ, એજાજભાઇ અયુબભાઇ, રાજુભાઇ ઢોસાવાળા અને બદ્રી પાંઉભાજી વાળા પકડાયેલા કેટલાંક ઇસમો પાસેથી કચરો ફેંકવા પેટે વહિવટી ચાર્જ વસુલ લેવામાં આવ્યો છે. તેમ નગરપાલિકાના ચીફ ઓફિસર બોટાદ દ્વારા જણાવવામાં આવ્યું છે.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.