બોટાદ મધુસુદન ડેરી પશુપાલકોની વાહરે આવી છે. જિલ્લામાં પશુઓમા લમ્પી વાઇરસના લક્ષણો જોવા મળ્યા છે. ત્યારે જિલ્લા દુધ ઉત્પાદન સંધની મધુસુદન ડેરી દ્વારા પશુપાલકોને લમ્પી વાઇરસની વેક્સિન નિ:શુલ્ક વિતરણ કરવામાં આવતા પશુપાલકોમાં રાહત થઈ છે અને મધુસુદન ડેરીની આ સરાહનીય કામગીરીને પશુપાલકો બિરદાવી રહ્યા છે.
ગ્રામજનોએ ડેરીની કામગીરી બિરદાવી
રાજયમાં પશુઓમાં લમ્પી વાઇરસ ફેલાયો છે, જેના કારણે અનેક પશુઓના મોત પણ નિપજ્યા છે અને પશુપાલકોમા ચિંતા ફેલાઈ છે, ત્યારે બોટાદ જિલ્લામાં પણ પશુઓમા લમ્પી વાઇરસ ના લક્ષણો દેખાયા છે. જિલ્લામાં હાલ બોટાદ અને ગઢડા તાલુકામાં 30 જેટલા પશુઓમા લમ્પી વાઇરસના લક્ષણો દેખાતા પશુપાલકોમાં ચિંતા વ્યાપી છે. લમ્પી વાઇરસ ઝડપથી પશુઓમાં ફેલાતો વાઈરસ છે. બોટાદ જિલ્લા પશુપાલન વિભાગ પાસે લમ્પી વાઇરસની વેકસીન ઉપલબ્ધ ન હોવાને કારણે પશુપાલકોને પોતાના પશુઓની સારવાર ખાનગી ડોકટરો પાસે મોંઘી ફી આપી સારવાર કરાવવી પડી રહી છે. જે બાબતે જિલ્લા દુધ ઉત્પાદન સંધના મધુસુદન ડેરીને ધ્યાનમાં આવતા મધુસુદન ડેરી દ્વારા લમ્પી વાઇરસની વેક્સિનની ડાયરેક્ટ ખરીદી કરવામાં આવી છે અને જિલ્લાના પશુપાલકોને આ વેકસિન નિ :શુક્લ વિતરણ કરવામાં આવી રહી છે. જેથી પશુપાલકોને મોટી રાહત થઈ છે અને હવે લમ્પી વાઇરસથી પશુઓને બચાવી શકાશે જેથી જિલ્લાના પશુપાલકો મધુસુદન ડેરીની આ કામગીરીને બિરદાવી રહ્યા છે.
હાલ 30 જેટલા પશુઓમાં લમ્પીના લક્ષણો દેખાયાં
બોટાદના નાયબ પશુપાલન નિયામકે જણાવ્યું હતું કે બોટાદ જિલ્લામાં હાલ 30 જેટલા પશુઓમાં લમ્પી વાઇરસના લક્ષણો દેખાયા છે અને સરકારી ટીમો દ્વારા સર્વેની કામગીરી હાથ ધરાઈ છે. હાલ વેક્સિન ઉપલબ્ધ નથી પરંતુ વેક્સિન મામલે અમે ઉપલી કક્ષાએ માંગણી કરી છે. વેક્સિન આવતાની સાથે રસીકરણની કામગીરી હાથ ધરવામાં આવશે, તેમજ પશુપાલકોને ઘર બેઠા તેમના પશુઓને સારવાર મળી રહે તે માટે વ્યવસ્થા કરવામાં આવી છે. તેમજ તલાટી મંત્રીઓને પણ આ રોગના સર્વેની કામગીરી સોંપવામાં આવી છે.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.