તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

હાલાકી:બોટાદવાસીઓએ રેઇનકોટ સાથે બોટ ખરીદવી પડશે

બોટાદ3 મહિનો પહેલાલેખક: કેતનસિંહ પરમાર
  • કૉપી લિંક
નદીમાં આડેધડ પુરાણ કરવાથી નદી છીછરી બની ગઇ છે. - Divya Bhaskar
નદીમાં આડેધડ પુરાણ કરવાથી નદી છીછરી બની ગઇ છે.
  • બોટાદ શહેરની મધ્યમાંથી પસાર થતી બંને નદીઓમાં પુરાણ થતા ચોમાસામાં આ નદીના પાણી શહેરમા ઘુસવાની આશંકા

બોટાદ શહેર વિકાસનુ હરણફાળ ભરી રહ્યુ છે અને શહેરમાં બિલાડીના ટોપની માફક મસમોટા બિલ્ડીંગો બની ગયા છે આ શહેરના મધ્યભાગમાંથી બે નદીઓ મહી અને ઉતાવળી પસાર થાય છે. આ નદીઓમાં માટી અને કચરાના ઢગલાઓના લીધે સાવ છીછરી થઇ ગઇ છે. જેના લીધે ચોમાસામાં બોટાદ શહેરમાં આ નદીઓના પાણી પ્રસરવાની ભીતિ શહેરીજનોમાં જોવા મળે છે. ત્યારે તંત્ર દ્વારા વરસાદ થાય તે પહેલા આ નદીઓને ઉંડી ઉતારવામાં આવે તેમ શહેરીજનો ઇચ્છી રહ્યા છે.

બોટાદ શહેરના મધ્ય ભાગમાંથી બે નદીઓ પસાર થાય છે શહેરનો હાર્દસમો વિસ્તાર પાળીયાદ રોડ આ રોડ પાસેથી મધુ નદી અને જ્યા હજારો લોકો રોજગારી મેળવવા આવે છે. તેવો હીરા ઉદ્યોગનો હિફલી વિસ્તાર આ વિસ્તારમાંથી ઉતાવળી નદી પસાર થાય છે. આ બન્ને નદીઓમાં દર વર્ષે ચોમાસામાં નહીવત વરસાદ થાય છે ત્યારે આ નદીઓના પાણીના લીધે રસ્તાઓ બંધ થઇ જાય છે આ નદીઓમાં સૌરાષ્ટ્રને પીવાનુ પાણી પુરૂ પાડતી નર્મદાની લાઇનો નાખવામાં આવી છે.

તેમજ શહેરની ભુગર્ભ ગટરની 2થી 3 ફુટ ગોળાઇ વાળી લાઇનો આ નદીમાં નાખવામાં આવી છે અને શહેરનો રોજબરોજનો કચરો અને માટી આ નદીમાં ઠલવાય છે. શહેરમાં વધતા દબાણના લીધે આ નદીઓમાં લોકોએ દબાણ કરી આ બન્ને નદીઓ બુરીને સાવ છીછરી બનાવી નાખી છે. જેના લીધે અત્યારે આ બન્ને નદીઓ નદી મટી પાણીના વોકળા થઇ ગયા છે. ચોમાસામાં આ નદીઓના પાણી શહેરમાં ફરી વળવાની દહેશત સેવાઇ રહી છે. તો વહેલીતકે તંત્ર દ્વારા આ નદીનો પટ સાફ કરી ઉંડી ઉતારવામા આવે તેવુ શહેરીજનો ઇચ્છી રહ્યા છે.

વરસાદ થાય તે પહેલાં આ નદીઓમાં ઠાલવવામાં આવેલી માટી અને કચરો સાફ કરવા શહેરીજનોની માગણી
કચરાના ગંજથી નદી બુરાઇ
આ બન્ને નદીઓમાં શહેરનો રોજબરોજનો કચરો ઠાલવવામા આવે છે. તેમજ આ નદીમાંથી શહેરની ભુગર્ભ ગટરની પાઇપો નાખવામાં આવી છે અને મોટી કુડીઓ બનાવવામાં આવી છે. પાઇપો નાખવા માટે જે માટી ખોદકામ કરવામાં આવેલ તે માટી પણ તંત્ર દ્વારા બહાર કાઢવામાં ન આવતા આ ખોદેલી માટી અને ભુગર્ભ ગટરની પાઇપના લીધે નદીઓનું બુરાણ થયુ છે.

આ નદીઓ શહેરની મધ્યમાંથી પસાર થતી હોવાથી નદીઓના બંને કિનારાઓ ઉપર વેપારીઓ અને બિલ્ડરો દ્વારા દબાણ કરવામાં આવ્યુ હોવાથી આ નદીઓ હાલમાં નદી મટી નાના નાના વોકળા થઇ ગયા છે અને જો આવનાર દિવસોમાં આ નદીમાંથી કચરો બહાર નહી કાઢવામાં આવે તો શહેરમાં નદીના પાણી ફરી વળવાની દહેશત સેવાઇ રહી છે. અગાઉ પણ વરસાદી પાણી બજારોમાં ફરી વળ્યા હતા. તો ચાલુ વર્ષે આ નદીના પાણી શહેરમાં ન ફરી વળે તે માટે તંત્ર દ્વારા વહેલીતકે આ નદીઓ ઉંડી ઉતારવામાં આવે તેવુ શહેરના વેપારીઓ ઇચ્છી રહ્યા છે.

પુલનું કામ ચાલતંુ હોવાથી નદીનુંં પાણી વિનાશ સર્જશે
હાલમાં શહેરનો મુખ્ય ટાવર રોડ દિનદયાળ ચોકમાં મધુ નદી ઉપરનો પુલ તોડી નવો બનાવવાનુ કામ ચાલુ છે જેના લીધે આ જુનો પુલ તોડી ખોદકામ કરતા તેની માટી નદીમાં જ પડી રહેતા આ નદીમાં આડસ ઉભી થતા જો બોટાદમાં ચાર થી પાંચ ઇંચ વરસાદ થાય તો આ નદીના પાણી શહેરમાં વેપારીઓની દુકાનમા ઘુસી જશે તો મોટો વિનાશ સર્જશે માટે વહેલીતકે આ માટી દુર કરવામા આવે તેવુ શહેરીજનો ઇચ્છી રહ્યા છે. વર્ષ 2005-6 માં ચોમાસામાં પડેલા ભારે વરસાદના લીધે આ બન્ને નદીઓના પાણી પાળીયાદ રોડ ઉપર અને શહેરની મુખ્ય બજારોમાં ફરી વળતા માર્કેટિંગ યાર્ડમાં રહેલા વેપારીઓનો માલ પલળી જતા મોટુ નુકસાન થયુ હતું.

અન્ય સમાચારો પણ છે...