તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

કામગીરી:બોટાદ જિલ્લામાં બાળલગ્ન રોકવા અખાત્રીજે પોલીસ ટીમ ચેકિંગ કરશે

બોટાદ3 મહિનો પહેલા
  • કૉપી લિંક
  • કાયદામાં બાળલગ્ન કરાવનારાને 1 લાખનો દંડ અને 2 વર્ષની સજાની જોગવાઇ

અખાત્રીજને શુભ દિવસ માનવામાં આવે છે અને આ દિવસે ખૂબ મોટા પ્રમાણમાં લગ્નો થતાં હોય છે. તેમજ સમૂહ લગ્નનું પણ આયોજન થતું હોય છે. આ લગ્નગાળા દરમિયાન ઘણી જગ્યાએ બાળ લગ્નોની પણ સંભાવના રહેતી હોય છે. સમૂહલગ્ન આયોજકો અને વર-કન્યાના માતા-પિતા સહિત અને લોકો આવા બાળ લગ્નની મદદગારીમાં સામેલ હોય તેના પર ગુનો બને છે. આવા બાળ લગ્નોની જાણકારી બાળ લગ્ન પ્રતિબંધક અધિકારીની કચેરી અથવા પોલીસને મળે તો આવા લગ્ન અટકાવી શકાય છે.

જેથી લગ્ન નક્કી થાય તે પહેલાજ વર કન્યાની ઉમરની ચકાસણી કરી લેવામાં આવે તો બાળ લગ્ન અંગેનો કોઈ પ્રશ્ન ઉપસ્થિત ન થાય તેવો અનુરોધ તંત્રએ કર્યો છે. આ માટે બોટાદ જિલ્લા મેજીસ્ટ્રેટે ટીમની રચના કરી તા.14/5/21 શુક્રવારના રોજ બોટાદ જિલ્લામાં અખાત્રીજના દિવસે જ્યાં લગ્ન થતા હોય ત્યાં બાળ લગ્નની તપાસ હાથ ધરવા સુચના આપવામાં આવી છે. 21 વર્ષથી નીચેનો યુવક અને 18 વર્ષથી નીચેની યુવતીના લગ્ન કરવાં, કરાવવા કે આવા લગ્ન કરવામાં મદદગારી કરવી એ ફોજદારી ગુનો બને છે.

જો આવા લગ્ન કરાવવામાં આવે તો વર કન્યાના માતા-પિતા, વર અને કન્યામાંથી જે પુખ્ત વયનું હોય તે અને લગ્ન કરાવનાર ગોર મહારાજ તેમજ કેટરર્સ, મંડપ સર્વિસ વાળા, ફોટો ગ્રાફર અને વિડિયો ગ્રાફર વગેરે મદદ કરનાર તમામ ઇસમો સામે ફોજદારી ગુનો બને છે. આ કાયદા હેઠળ રૂપિયા એક લાખ સુધીનો દંડ અને બે વર્ષ સુધીની કેદની સજાની જોગવાઈ છે. આવા લગ્ન થતાં હોય અને લગ્ન થયા પહેલા જાણ કરવામાં આવે તો આવા લગ્ન અટકાવવામાં આવે છે.

અને જો લગ્ન થઈ ગયા હોય તો તેઓની સામે જરૂરી તપાસ કરી ફરિયાદ દાખલ કરવામાં આવે છે. જેથી કોઈપણ વ્યક્તિએ બાળ લગ્ન થતાં હોય તો તેની જાણ નજીકના પોલીસ સ્ટેશને અને 100 નંબર પર કરવા જણાવાયું છે.

અન્ય સમાચારો પણ છે...