બોટાદ તાલુકાના રોજિદ ગામમાં લઠ્ઠાકાંડની ચકચારી ઘટના સામે આવી છે. તેમાં કુલ 29 લોકો ઝેરી દારુ પીવાના કારણે મોતને ભેટ્યા છે. તેવામાં આકરુ ગામે એક ચોંકાવનારી ઘટના સામે આવી છે. જેમાં એક બાપે દારુના કારણે 12 કલાકમાં જ પોતાના 2 કમાઉ દીકરા ગુમાવ્યા છે.
એકના અંતિમસંસ્કાર કરીને ઘરે આવ્યા ને ઘરમાં બીજાને ઉલટીઓ શરુ થઈ
મળતી માહિતી મુજબ 25 વર્ષીય ભાવેશભાઈ દારુ પીધા બાદ ઘરે આવીને ઉંઘી ગયા હતા. અચાનકથી જ તેમના મોઢામાંથી ફિણ નીકળવાનું શરુ થઈ ગયું. સ્થિતિ વધુ ખરાબ લાગતા 108 બોલાવવામાં આવી. હોસ્પિટલ લઈ જતા ભાવેશભાઈનું મોત નિપજ્યું. પરિવાર ગંભીર શોકમાં હતો. સવારે તેમના અંતિમ સંસ્કાર કરાવામાં આવ્યાં.
પરિવાર અંતિમ સંસ્કાર પતાવીને ઘરે આવ્યા તો જોયું કે નાના ભાઈની માફક જ મોટા ભાઈ કીશનભાઈ ચાવડા પણ ઉલટીઓ કરી બેભાન અવસ્થામાં પડ્યા છે. આ જોતા જ પરિવારના લોકોના હોંશ ઉડી ગયા. તાત્કાલીક ફરી 108 બોલાવવામાં આવી અને તેમને પણ હોસ્પિટલમાં સારવાર હેઠળ લઈ જવામાં આવ્યા પણ કીશનનું પણ નાનાભાઈની માફક ઝેરી દારુ પીવાના કારણે મોત નીપજ્યું. આ ઘટનાથી સમગ્ર ગામમાં ચકચાર મચી જવા પામી છે.
મારા 4 દીકરા પણ કમાઉ દીકરા તે બંને જ હતા- પિતા
ઘરમાં 2 દીકરાનું એકાએક મોત થતા પિતાના માથે આફતોનો પહાડ તૂટી પડ્યો છે. તેઓ વિચારી નથી શકતા કે આગળ શું કરવું? પિતાએ જણાવ્યું કે મારા ઘરમાં 10 વ્યક્તિ છે, મારા 4 દીકરા છે પરંતુ સારુ કમાવનાર આ બંને દીકરા જ હતા. હવે અમારે શું કરવું તે મને સમજાતુ નથી.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.