તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

સમીક્ષા:નાયબ મુખ્યમંત્રીની હાજરીમાં બોટાદ જિલ્લાની સમીક્ષા બેઠક યોજાઈ

બોટાદએક મહિનો પહેલા
  • કૉપી લિંક
  • વિકાસ ચક્ર થંભે તે આપણ કોઈ રીતે પોસાય નહીં- નીતિન પટેલ

કોરોના સંક્રમણના ઘટાડાના પગલે ગુજરાત રાજ્યમાં જનજીવન પુન ધબકતું કરવાની નેમ રાજ્યના નાયબ મુખ્યમંત્રી નીતિનભાઈ પટેલે વ્યક્ત કરી છે.બોટાદ નગરપાલિકાના નાનાજી દેશમુખ હોલ ખાતે ઉર્જામંત્રી સૌરભભાઈ પટેલની વિશેષ ઉપસ્થિતિમાં બોટાદ જિલ્લાની સમીક્ષા બેઠકમાં ભાગ લેતા નાયબ મુખ્યમંત્રીએ જણાવ્યું હતું કે, વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદી અને મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણીના નેતૃત્વમાં આપણે કોરોનાની બીજી લહેરને સફળતાપૂર્વક પાર કરી છે અને હવે રાજ્યમાં ખેતી, ઉદ્યોગ-ધંધા અને શિક્ષણ જેવા ક્ષેત્રોમાં તબક્કાવાર છુટછાટ આપી જનજીવનને પૂર્વવત કરવામાં આવશે.નાયબ મુખ્યમંત્રીએ ઉમેર્યું હતું કે, ગુજરાતનું વિકાસ-ચક્ર થંભે એ કોઈ રીતે આપણને પોસાય નહીં.

નાયબ મુખ્યમંત્રીએ જિલ્લાના જનપ્રતિનિધિઓ સાથે સંવાદ સાધતા જણાવ્યું હતું કે, રાજ્ય સરકારે બોટાદને મેડિકલ કોલેજને મંજૂરી આપી દીધી છે અને ટૂંક સમયમાં જ તે અંગેની કામગીરી શરુ થશે, જેના પરિણામે ગુજરાતના આરોગ્યક્ષેત્રના નકશા પર બોટાદ જિલ્લો પણ સ્થાન પામશે. નાયબ મુખ્યમંત્રીએ એવો વિશ્વાસ વ્યક્ત કર્યો હતો કે રાજકોટ અને ભાવનગરની જેમ બોટાદ પણ તેની આરોગ્યસેવાના કારણે સૌરાષ્ટ્રમાં મહત્વનું કેન્દ્ર બની રહેશે.

બોટાદ નગરપાલિકાના નાનાજી દેશમુખ હોલમાં વિશાળ સંખ્યામાં ઉપસ્થિત અધિકારી,પદાધિકારી અને કાર્યકર્તાઓ સાથે વિચાર-વિમર્શ કરતાં નીતિનભાઈ પટેલે કહ્યું કે, ગુજરાત સરકાર દ્વારા થતાં નાણાકીય ખર્ચનો સંપૂર્ણ ઉપયોગ પ્રજાહિતમાં થાય તે દિશામાં કાર્યરત છે. તેમણે આ તબક્કે સ્પષ્ટપણે જણાવ્યું હતું કે, રાજ્યના ગ્રામ્ય અને શહેરી વિસ્તારમાં નિર્માણાધીન રસ્તાની ગુણવત્તા સાથે બાંધછોડ ચલાવી લેવામાં આવશે નહીં.

નાયબ મુખ્યમંત્રીએ સમીક્ષા બેઠકમાં ઉપસ્થિત અધિકારીઓને તાકીદ કરતા કહ્યું કે, રાજ્ય અને કેન્દ્ર સરકારની યોજનાનો અસરકારક અમલ થાય તે માટે સૌએ ગંભીરતાથી કાર્ય કરવું જોઈએ. તેમણે સ્થાનિક પ્રશ્નોનો ઉકેલ જિલ્લા-તાલુકા સ્તરે જ આવે તેવો અભિગમ અપનાવવાનો અનુરોધ કર્યો હતો.

નાયબ મુખ્યમંત્રીએ ગુજરાત સરકારની કામગીરીની રુપરેખા આપતા કહ્યું કે, ભૂતકાળમાં સૌરાષ્ટ્રના ગામડાઓમાં ટ્રેન અને ટેન્કરથી પાણી પહોંચાડવું પડે તેવી સ્થિતિ હતી, જ્યારે આજે નર્મદા, સુજલામ-સુફલામ, સૌની અને અન્ય સિંચાઈ યોજનાની મદદથી ગામે-ગામ તળાવો ભરવામાં આવ્યા છે અને ખેડૂતોને સિંચાઈ માટેની સુવિધા ઉપ્લબ્ધ બનાવવામાં આવી છે, જેના કારણે ગુજરાતમાં ખેતીમાં વિક્રમજનક ઉત્પાદન થઈ રહ્યું છે.

નીતિનભાઈ પટેલે તાઉતે વાવાઝોડા દરમિયાન ગુજરાત સરકારે કરેલી અસાધારણ કામગીરીનો ઉલ્લેખ કરતા કહ્યું કે, વાવાઝોડાના પગલે 4 જિલ્લામાં 1 લાખથી વધુ વીજથાંભલાઓ પડી ગયા હતા, પણ રાજ્ય સરકારે માત્ર એક જ મહિનામાં તમામ વીજથાંભલાઓનું પુનસ્થાપન કર્યું છે અને ગામડાઓમાં ગ્રામજનોને ભારે ત્વરાથી વીજપુરવઠો ઉપ્લબ્ધ કરાવ્યો છે. આ અવસરે નાયબ મુખ્યમંત્રીએ કોરોના કાળમાં ઉત્તમ કામગીરી કરવા બદલ અધિકારીઓને અભિનંદન પાઠવ્યા હતા.

ગુજરાત સરકારે કઈ રીતે કોરોના કાળમાં પડકારો ઝીલ્યા તેનુ ઉદાહરણ આપતા નાયબ મુખ્યમંત્રીએ કહ્યું કે, કોરોના કાળમાં એસ.ટી. બસ બંધ થવાના પગલે નિગમની આવક બંધ થઈ હતી. પણ તેમ છતાં રાજ્ય સરકારે રુ. 650 કરોડથી વધુ રકમનો પગાર 50 હજારથી વધુ એસ.ટી કર્મચારીઓનોને ચૂકવ્યો છે.

આ પ્રસંગે વિશેષપણે ઉપસ્થિત રહેલા ઉર્જામંત્રી સૌરભભાઈ પટેલે બોટાદને મેડિકલ કોલેજ ફાળવવા બદલ નાયબ મુખ્યમંત્રીનો આભાર વ્યક્ત કર્યો હતો. પ્રાસંગિક ઉદબોધનમાં ઉર્જામંત્રીએ અધિકારીશ્રી અને પદાધિકારીઓને “ટીમ બોટાદ” તરીકે કાર્ય કરવા અનુરોધ કર્યો હતો.

આ ઉપરાંત નાયબ મુખ્યમંત્રીશ્રીએ તેમની બોટાદ મુલાકાત દરમિયાન આરાધના કોવીડ હોસ્પિટલ તેમ જ જ્યાં નવી સિવિલ હોસ્પિટલ આકાર પામશે તે સ્થળની પણ મુલાકાત લીધી હતી. વળી, તેમણે બરવાળા તાલુકા આરોગ્ય કેન્દ્રની જાતમાહિતી પણ મેળવી હતી. નાયબ મુખ્યમંત્રીશ્રીએ આ પ્રવાસ દરમિયાન કુંડળ સ્વામીનારાયણ મંદિર,સાળંગપુર શ્રી કષ્ટભંજન મંદિર અને બીએપીએસ મંદિર જઈ ઈશ્વરના આશિર્વાદ પ્રાપ્ત કર્યા હતા.

અન્ય સમાચારો પણ છે...