પરિવારજનોનો આક્ષેપ:બરવાળા સામૂહિક આરોગ્ય કેન્દ્રમાં સારવારના અભાવે નાવડા ગામના દર્દીનું હોસ્પિટલમાં મોત

બોટાદ20 દિવસ પહેલા
  • કૉપી લિંક
હોસ્પિટલની તસવીર - Divya Bhaskar
હોસ્પિટલની તસવીર
  • ડૉક્ટર હાજર ન હોવાના કારણે દર્દીને સારવાર ન મળતાં મૃત્યુ નિપજ્યું હોવાનો પરિજનોનો આક્ષેપ
  • પરિવારજનોએ લાશ સ્વીકારવાનો ઇન્કાર કર્યો પરંતુ સમજાવટ બાદ સ્વીકારી

બરવાળામાં આવેલ સામૂહિક આરોગ્ય કેન્દ્ર ખાતે નાવડા ગામના 42 વર્ષીય યુવાનને સારવાર માટે ખસેડવામાં આવ્યા હતા પરંતુ ડૉક્ટરની ગેરહાજરીના કારણે સારવાર ન મળતા યુવાનનું હોસ્પિટલ ખાતે મોત નીપજ્યું હોવાનો પરિવારજનો દ્વારા આક્ષેપ કરવામાં આવ્યા હતાં ડૉક્ટરની ફરજ ઉપરની ગેરહાજરીના કારણે યુવાનનું મૃત્યુ થતાં પરિવારજનો રોષે ભરાયા હતા. આ બનાવને લઇ ડોક્ટરની બેદરકારી સામે કાર્યવાહીની માંગ સાથે પરિવારજનોએ લાશ સ્વીકારવાનો ઇન્કાર કરતા ચકચાર મચી ગઈ હતી.

બોટાદ જિલ્લાના બરવાળા શહેર ખાતે આવેલ સામૂહિક આરોગ્ય કેન્દ્ર ખાતે નાવડા ગામના સુરેશભાઈ નાગજીભાઈ ધોલેરીયા ઉ.વ.42 પોતાના ઘરે પડી જતાં ઇજાઓ પહોંચતા આ યુવકને સારવાર માટે તા.04/01/2022 ના રોજ બપોરના 11:45 કલાકે બરવાળા સામૂહિક આરોગ્ય કેન્દ્ર ખાતે ખસેડવામાં આવ્યા હતા. આ સમયે ડોક્ટર દવાખાને હાજર ન હોવાથી સારવારના અભાવે ઇજાગ્રસ્ત યુવાનનું સારવાર દરમ્યાન મૃત્યુ નિપજ્યું હોવાનો મૃતકના પરિવારજનો દ્વારા આક્ષેપ કરવામાં આવ્યો હતો જ્યારે ડોક્ટરની ગેરહાજરીના કારણે યુવાનનું મૃત્યુ નિપજતા પરિવારજનોમાં ભારે રોષ પ્રસરી ગયો હતો. જ્યારે સી.એચ.સી.મા ડોક્ટરની બેદરકારી સામે પરિવારજનોએ લાશ સ્વીકારવાનો ઇન્કાર કર્યો હતો પરંતુ આગેવાનો અને પોલીસ અધિકારીઓની સમજાવટ બાદ પરિવારજનો લાશને સાંજના 4:30 કલાકે સ્વીકારી હતી.

બરવાળા સામૂહિક આરોગ્ય કેન્દ્રમાં ડોક્ટર ગેરહાજર રહેતા હોવાના કારણે દર્દીઓને પારાવાર મુશ્કેલીનો સામનો કરવો પડતો હોવાની અગાઉ અનેકવાર ફરિયાદો કરવામાં આવી છે. જ્યારે સામૂહિક આરોગ્ય કેન્દ્ર ખાતે ડોક્ટરને નિયમિત હાજર રાખવામાં આવે તેવી માંગ ત્યાં આવતા દર્દીઓ કરી રહ્યા છે.મૃતકના સંબંધી અભેસંગભાઇ ચૌહાણે જણાવ્યું હતું કે, અમારા ગામના યુવાન બાથરૂમમાં પડી જતાં ઈજાઓ પહોંચી હતી જેથી સારવાર માટે બરવાળા સી.એચ.સી.ખાતે લાવ્યા હતા જ્યાં ડૉક્ટર ફરજ પર હાજર ન હતા જેના કારણે સારવાર ન મળવાના કારણે દવાખાને દર્દીનું મૃત્યુ નીપજ્યું હતું.

દવાખાને ડૉક્ટરને નિયમિત હાજર રાખવામાં આવે તેવી અમારી માંગ છે. હોસ્પિટલ ખાતે સારવારના અભાવે યુવાનનુ હોસ્પિટલ ખાતે મૃત્યુ નિપજતા પરિવારજનોમાં ઉગ્ર રોષ પ્રસરી ગયો હતો અને મૃતકની લાશ સ્વીકારવાનો ઇન્કાર કરી દેતા આરોગ્ય વિભાગના અધિકારીઓમાં હડકંપ મચી ગયો હતો આ બનાવની જાણ થતાં જ પોલીસ કાફલો તેમજ સામાજિક આગેવાનો હોસ્પિટલ ખાતે દોડી ગયા હતા જ્યારે પોલીસ સ્ટાફ તેમજ આગેવાનો દ્વારા પરિવારજનોને સમજાવતા મૃતકની લાશને પરિવારજનોએ સ્વીકારી હતી.

અન્ય સમાચારો પણ છે...