બોટાદમાં કલેક્ટર કચેરીના પટ્ટાવાળા સાથે તેના મિત્ર દ્વારા છેતરપિંડી કરવામાં આવી હતી . બોટાદના રાંગળી શેરી સ્વામિનારાયણ મંદિર પાસે રહેતા અને બોટાદ કલેક્ટર કચેરીમાં પટ્ટાવાળા તરીકે ફરજ બજાવતા દુષ્યંતભાઈ પ્રવીણભાઈ ચૌહાણને બોટાદના ચકલા ગેટ વિસ્તારમાં જ્વેલર્સ શોપ ચલાવતા સાગર ભુપેન્દ્રભાઈ માંડલિયા સાથે છેલ્લા 3 વર્ષથી મિત્રતા હતી. સાગરે મિત્રતાના નામે તા. 5-4-22ના રોજ પોતાની માતાને હાર્ટએટેક આવ્યો હોવાથી દુષ્યંતભાઈ પાસેથી 18,000 રૂપિયા લીધા હતા.
બીજા દિવસે સાગરે દુષ્યંતના ઘરે જઈ ગ્રાહકને નમૂના માટે વીંટી માગી હતી અને 3-4 દિવસમાં પાછી આપવાનું બહાનું કાઢી સોનાની વીંટી લઈ ગયો હતો. ત્યારબાદ તા. 8-4-2022ના રોજ ફરી દવાખાનાના કામ માટે રૂ.10,000 અને તા. 8-5-2022ના રોજ રૂ. 16,૦૦૦ મળી કટકે-કટકે કુલ રૂ. 85,000 અને સોનાની વીંટી મળી કુલ રૂ. 1,13,188નો મુદ્દામાલ ચાઉં કરી લીધો હતો.
સોનાની વીંટી પાછી આપવાના બદલે ખોટા વાયદા આપી ઘર અને દુકાનને તાળા મારી સાગર નાસી ગયો હતો. આ બનાવ અંગે મિત્રએ વિશ્વાસઘાત કરતા દુષ્યંતભાઈ ચૌહાણે સોની વેપારી વિરૂદ્ધ બોટાદ પોલીસમાં ફરિયાદ નોંધાવી હતી.આ બનાવથી ભારે ચકચાર મચી ગઈ છે.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.