કૃષિ:ગઢડાના ઉગામેડી ગામના ખેડૂતે ખારેકની ખેતી કરી મબલખ ઉત્પાદન મેળવ્યું

બોટાદ3 મહિનો પહેલા
  • કૉપી લિંક
  • બોટાદના આંગણે ઈઝરાયેલની બરહી ખારેકનું વાવેતર કરી વર્ષે રૂ. 6 લાખની આવક મેળવતા પ્રગતિશીલ ખેડૂત બાબુભાઇ કળથિયા

ખારેકનું નામ સાંભળતા આપણાં સૌના મનમાં સૌથી પહેલું નામ કચ્છનું જ આવે.કારણકે, ગુજરાતમાં ખારેકની સૌથી વધુ ખેતી કચ્છ જિલ્લામાં થાય છે. રણનું અમૃત ગણાતી ખારેકની ખેતી સૌરાષ્ટ્રમાં તો ભાગ્યે જ જોવા મળતી પરંતુ હવે બોટાદમાં પણ ઈઝરાયેલની બરહી ખારેકનું વાવેતર કરી બાબુભાઇ પટેલ નામના ધરતીપુત્રએ અનેક ખેડૂતોને નવી રાહ ચીંધી છે. બોટાદ જિલ્લાના ગઢડા તાલુકાના ઊગામેડી ગામના ધરતીપુત્ર એવા બાબુભાઈ ભીમજીભાઈ કળથીયા ખેતીના વ્યવસાય સાથે સંકળાયેલા છે.

તેઓ પોતાની 25 વિધા જમીનમાં પરંપરાગત રીતે કપાસ, એરડા અને પશુને ઘાસચારો મળે તે પ્રકારની ખેતી કરતાં હતા. વારસામાં મળેલી ખેતીમાં કંઈક નવીનતમ કરવાની ખેવના ધરાવતા અને માંડ 4 ધોરણ સુધીનો અભ્યાસ ધરાવતા બાબુભાઈએ પોતાની પરંપરાગત ખેતીની સાથે નવીન પ્રયોગ કરવાનું વિચાર્યું અને બોટાદની બાગાયત કચેરીના અધિકારીઓ પાસેથી ખારેકના વાવેતર વિશેની જાણકારી મેળવી.

તેમણે બાગાયત કચેરીના અધિકારી પાસેથી જાણ્યું કે ખારેકના વાવેતરને આપણું અહીંનું વાતાવરણ, જમીન, પાણી અનુકુળ આવે તેમ છે તેથી તેમણે 2015-16માં પાંચેક વિધામાં બરહી ખારેકનુ વાવેતર કર્યુ હતુ. ધીમે-ધીમે સમય જતા તેમણે ફરી નવુ વાવેતર કર્યું હતું તેઓ હાલ સાતેક વિધામાં ટીસ્યુકલ્ચર ખારેકનુ વાવેતર ધરાવે છે.

સરકારના બાગાયત ખાતા દ્વારા બાબુભાઇને ખારેક પાકના વાવેતર માટે મોંઘા ટીસ્યુકલ્ચર રોપાના ખર્ચ તેમજ વાવેતર ખર્ચને પહોંચી વળવા માટે રૂ. 1.50 લાખની પ્રોત્સાહક સહાય આપવામાં આવી છે. બાબુભાઇની ખારેકની સફળ ખેતી જોઇ બોટાદ જિલ્લાના ઉગામેડી ગામના ભરતભાઇ, જસમતભાઈ સહિત ત્રણ ખેડૂતોએ ટીસ્યુકલ્ચર ખારેકની ખેતી અપનાવી છે અને તેઓ પણ હાલ સારી આવક મેળવી રહ્યા છે.

અન્ય સમાચારો પણ છે...