વિધાનસભા સામાન્ય ચૂંટણી-2022 અંતર્ગત “અવસર” કેમ્પેઇન તેમજ સ્વીપ પ્રવૃત્તિ અન્વયે રાજ્યનાં તમામ જિલ્લાઓમાં વિવિધ કાર્યક્રમો હાથ ધરવામાં આવી રહ્યાં છે. ત્યારે બોટાદ જિલ્લો પણ આ શુભ “અવસર”ના ઉમંગે અને લોકશાહીના રંગે રંગાયો છે. જિલ્લા ચૂંટણી અધિકારી બી.એ.શાહનાં માર્ગદર્શન હેઠળ બોટાદમાં જિલ્લા શિક્ષણાધિકારીની કચેરી દ્વારા સ્વીપ પ્રવૃત્તિ અન્વયે અવનવા જાગૃતિલક્ષી કાર્યક્રમો યોજાઇ રહ્યાં છે. જેનાં થકી સામાન્ય નાગરીકોને લોકશાહીનાં મહાપર્વમાં જોડાવા માટે પ્રોત્સાહન આપવામાં આવી રહ્યું છે.
વિદ્યાર્થીઓ દ્વારા મતદાન જાગૃતિ કાર્યક્રમ
સરવા ગામે સરકારી હાઇસ્કૂલ ખાતે મતદાન જાગૃતિ માટે ચિત્ર સ્પર્ધા, નિબંધ સ્પર્ધા તેમજ રેલી સહિતનાં કાર્યક્રમોમાં વિદ્યાર્થીઓએ હોંશે-હોંશે ભાગ લીધો હતો. વિદ્યાર્થીઓએ ચિત્ર સ્પર્ધામાં ચિત્ર તેમજ રંગોળી સ્પર્ધામાં રંગોળી મારફતે લોકોમાં મતદાન માટે જાગૃતિ આવે તેવા ચિત્રો અને રંગોળી દોરવામાં આવી હતી. અને વિદ્યાર્થીઓએ મારો મત મારો અધિકારનું સુત્ર એકસાથે રેલાવ્યું હતું.
"વોટ આપવાનું ભૂલતા નહીં"-ના બેનર લાગ્યા
બોટાદ જિલ્લામાં વિધાનસભા સામાન્ય ચૂંટણી 2022 અન્વયે જિલ્લાનાં તમામ વિધાનસભા મતવિસ્તારમાં વધુમાં વધુ મતદાન થાય તે હેતુથી SVEEP અંતર્ગત વિવિધ પ્રવૃત્તિઓ હાથ ધરવામાં આવી રહી છે. જે અંતર્ગત જિલ્લા ચૂંટણી તંત્ર દ્વારા જિલ્લાની વિવિધ સરકારી કચેરીઓ, જાહેર સ્થળો અને વધુ લોકોની અવરજવર થતી હોય તેવાં જાહેર સ્થળો અને રસ્તાઓ પર “અવસર અભિયાન” અંતર્ગત "વોટ આપવાનું ભૂલતા નહીં"નાં બેનર દ્વારા મતદાન જાગૃતિ કરવામાં આવી છે.
યુવા મોગલ ગ્રુપ દ્વારા એક અનોખું કાર્યાલય ખોલવામાં આવ્યું
વિધાનસભા ચૂંટણી અંતર્ગત હાલતો પક્ષ તેમજ અપક્ષના રાજકીય આગેવાનો દ્વારા પોતાના કાર્યાલય ખોલવામાં આવતા હોય છે. પણ બોટાદ જિલ્લાના લાઠીદડ ગામે યુવા મોગલ ગ્રુપ દ્વારા એક અનોખું નીપક્ષ રાજકીય અખાડો વિધાનસભા 2022ના નામ સાથે કાર્યાલય ખોલવામાં આવ્યું. જેમાં ગામના અલગ અલગ તમામ સમાજના લોકોને બોલાવી અને સાથે મળી કોઈ એક પક્ષમાં મતદાન કરવું તેને લઈ ચર્ચા કરવામાં આવે છે. જેમાં જે પક્ષ ગામનો વિકાસ કરે વિસ્તારનો વિકાસ કરે તે કોણ, તેવી ચર્ચા સાથે ગામની અંદર રાજકીય ગ્રુપ ચાલુ કરવામાં આવ્યું છે. જેના કારણે પણ ગામના વિકાસ પર અસર પડતી હોય છે. જે બાબતની આ યુવાનો દ્વારા ગંભીરતા રાખી તમામને એક મંચ પર અને એક વિચાર પર લાવવાનો પ્રયત્ન કરી રહ્યા છે.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.