કેન્દ્રીય મંત્રી પરશોત્તમભાઈ રૂપાલાના વરદહસ્તે 31/12/22 ના રોજ પાળીયાદના પૂજ્ય શ્રી વિસામણબાપુની સ્મૃતિરૂપે ભારત સરકારના પોસ્ટવિભાગ દ્વારા સ્મારક ટપાલ ટિકિટનું વિમોચન કરવામાં આવ્યું હતું. આ કાર્યક્રમમાં કેન્દ્રીય મંત્રી પરશોત્તમભાઈ રૂપાલાએ સ્મારક ટપાલ ટિકિટનું વિમોચન કરતાં જણાવ્યું હતું કે, કુંભ મેળામાં જવાનો અવસર મળે કે ન મળે પરંતુ આજે આ સાધુ-સંતોના મીની કુંભ મેળાના દર્શન થયા. ટપાલ ખૂબ જ સુંદર શબ્દ છે. 15 પૈસામાં કાશ્મીરથી કન્યાકુમારી સુધી સમાચાર પહોંચાડી શકાય તેવી સુંદર વ્યવસ્થા ટપાલ વિભાગ જ કરી શકે.
આ સ્મારક ટપાલ ટિકિટનું વિમોચન થતાં હવે વિશ્વને પણ વિસામણ બાપુનો પરિચય થશે. આઝાદીના અમૃત મહોત્સવની ઉજવણીના ભાગરૂપે આ ટપાલ ટિકિટનું વિમોચન કરવાનો પોસ્ટ વિભાગનો સંકલ્પ સિદ્ધ થયો છે. આ પ્રસંગે કેન્દ્રીય સંચાર મંત્રી(રાજ્યકક્ષા) દેવુસિંહજી ચૌહાણે જણાવ્યું હતું કે, ‘ટુકડો ત્યાં હરિ ઢૂકડો’ની આપણી પરંપરા પર ગર્વની લાગણી થાય છે.
શ્રી વિસામણબાપુની જગ્યા સમગ્ર ભારત માટે આસ્થાનું કેન્દ્ર બની છે. દેવુસિંહજીએ ટપાલ ટિકિટ વિમોચનના આ પ્રસંગને અવિસ્મરણીય ગણાવતા જણાવ્યું હતું કે, આ પ્રસંગને તેઓ ક્યારેય નહીં ભુલી શકે. આ તકે ચીફ પોસ્ટમાસ્ટર નીરજ કુમારે પ્રાસંગિક સંબોધન કરતા જણાવ્યું હતું કે, સાંસ્કૃતિક વારસાનું જતન કરવાની ભારતીય પોસ્ટ વિભાગની પરંપરા રહી છે. કાર્યક્રમમાં નિર્મળાબા ઉનડબાપુ અને મુક્તાનંદ બાપુએ આર્શીવચન આપ્યા હતાં. કાર્યક્રમની સમાપન વિધિ ભયલુબાપુ દ્વારા કરવામાં આવી હતી. આ વેળાએ ધંધુકાના ધારાસભ્ય કાળુભાઈ ડાભી,બોટાદ જિલ્લાના પોલીસ અધિક્ષક કિશોરભાઈ બળોલિયા, સાધુ-સંતો તેમજ મોટી સંખ્યામાં ભાવિકો ઉપસ્થિત રહ્યા હતા.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.