રાણપુર તાલુકાના ઉમરાળા ગામનો યુવક કનારા ગામેથી પોતાનું મોટરસાઈકલ લઈ ઘરે જઈ રહ્યો હતો તે સમયગાળા દરમિયાન રાજપરા અને અલમપર ગામના પાટિયા વચ્ચે પહોંચતા બોલેરો પીકઅપના ચાલકે મો.સાને અડફેટે લીધું હતું. જેમાં મો.સા ચાલકને ગંભીર ઈજાઓ પહોંચતા તે મૃત્યુ પામ્યા હતા અને પીકઅપનો ચાલક નાસી છૂટ્યો હતો.
રાણપુરના ઉમરાળા ગામે રહેતા ભરતભાઈ ચંદુભાઈ ચાવડા તા.14-3-23ના રોજ રાત્રીના 8 કલાકે પોતાનું મો.સા લઈ કનારા ગામેથી પરત પોતાના ઘરે આવી રહ્યા હતા. ત્યારે રાણપુર પાળીયાદ રોડ ઉપર રાજપરા અલમપુર ગામના પાટિયા પાસેથી પસાર થતી વેળાએ પાળીયાદથી રાણપુર તરફ જઈ રહેલું બોલેરો પીકઅપ વાહન નં. જીજે.33, ટી, 2579 એ બાઈક સાથે ધડાકાભેર અકસ્માત સર્જ્યો હતો.
અકસ્માતમાં ભરતભાઈ ચાવડાને શરીર પર ઈજાઓ થવાની સાથે માથાના ભાગે ગંભીર ઈજા થઈ હતી અને તેમની ખોપડી ફાટી ગઈ હતી. ઉપરાંત હાથ-પગ ભાંગી ગયા હતા જેના કારણે તેઓનું ઘટના સ્થળ પર જ મૃત્યુ થયું હતું. બનાવની જાણ થતાં યુવકના પરિવારજનોએ દોડી જઈ મૃતદેહને પીએમ અર્થે રાણપુર ખસેડ્યો હતો.
આ ઘટના સંદર્ભે મૃતકના બનેવી રાજુભાઈ રજનીકાંતભાઈ હરસોરા, રહે. બોડિયા, તા.રાણપુરે અકસ્માત સર્જી વાહન સ્થળ પર જ મૂકીને નાસી ગયેલા શખસ સામે રાણપુર પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી હતી. જેથી આગળની તપાસ પીએસઆઈ યોગરાજસિંહ ઝાલાએ હાથ ધરી હતી. મૃતકના માતા-પિતાનો પણ વીસેક દિવસ પહેલા એક્સિડન્ટ થયો હતો.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.