• Gujarati News
  • Local
  • Gujarat
  • Botad
  • 800 People, Including The City Congress President, Left The Congress And Joined The BJP; Under The Leadership Of Mansukh Mandaviya Assumed The Role

ગઢડા કોંગ્રેસને મોટો ઝટકો:શહેર કોંગ્રેસ પ્રમુખ સહિત 800 લોકો કોંગ્રેસ છોડી ભાજપમાં જોડાયા; મનસુખ માંડવિયાની આગેવાનીમાં કેસરિયો ધારણ કર્યો

બોટાદ16 દિવસ પહેલા

ગીર ગઢડામાં કોંગ્રેસને મોટો ફટકો પડ્યો છે. ગઢડા શહેર કોંગ્રેસ પ્રમુખ, પૂર્વ પ્રમુખ, નગરપાલિકાના સભ્ય, પૂર્વ સભ્ય, સરપંચો તેમજ આગેવાનો સહિત આશરે 800 લોકોએ કોંગ્રેસ છોડી કેન્દ્રીય મંત્રી મનસુખ માંડવીયાની આગેવાનીમાં કેસરિયો ધારણ કર્યો છે. મોવડી મંડળ સાંભળતું ન હોવાના આક્ષેપો કર્યા હતા. જેને લઈ કાર્યકારી કોંગ્રેસ પ્રમુખે નિવેદનમાં જણાવ્યું કે, પાર્ટી છોડવાથી કોઈ ફર્ક નહિ પડે. લોકો અને મતદારો કોંગ્રેસની સાથે જ છે અને રહેવાના એવુ કહ્યુ હતું.

800 કાર્યકરોએ આજે કોંગ્રેસ સાથેનો છેડો ફાડ્યો
બોટાદ જિલ્લામાં આવેલી ગઢડા વિધાનસભા 106 બેઠક પર આજે ગઢડા શહેર કોંગ્રેસના પૂર્વ પ્રમુખ પ્રતાપ છેયા અને વર્તમાન ગઢડા શહેર કોંગ્રેસ પ્રમુખ મોહિત બોરીચાની આગેવાનીમાં શહેર કોંગ્રેસ સમિતિના હોદ્દદેદારો, બક્ષી પંચ મોરચાના હોદ્દદેદારો, નગરપાલિકાના સભ્ય, પૂર્વ સભ્ય તેમજ સરપંચો સહિત 800 કાર્યકરોએ આજે કોંગ્રેસ છોડી કેન્દ્રીય મંત્રી મનસુખ માંડવીયાની હાજરીમાં કેસરિયો ધારણ કર્યો છે.

જેટલુ થઈ શકે એટલું જ કહીએ છીએ: મનસુખ માંડવીયા
કેન્દ્રીય મંત્રી મનસુખ માંડવીયાએ જણાવ્યું કે, ગુજરાતની જનતાએ વર્ષોથી ભારતીય જનતા પાર્ટી પર ભરોસો કર્યો છે. અમારી પાર્ટી કોઈ અન્ય પોલિટિકલ પાર્ટીઓની માફક વાયદાના વેપાર નથી કરતી. પરંતુ અમે હંમેશા વાસ્તવિકતાના આધારે વ્યવહાર કરીએ છીએ. અમે જેટલુ કહીએ છીએ એટલું કરીએ છીએ અને જેટલુ થઈ શકે એટલું જ કહીએ છીએ. એટલા માટે ગુજરાતની જનતાએ સતત 27 વર્ષથી આમારી પાર્ટી પર ભરોસો કર્યો છે. ગુજરાતની અંદર કિશાનોનું અને વેપારીઓનું ભારતીય જનતા પાર્ટી પ્રત્યે વિશ્વાસ છે. સૌનો સાથ સૌનો વિકાસ સૈનો વિશ્વાસના મંત્ર સાથે અમે લોકો આગળ વધી રહ્યાં છીએ. વધુમાં એમણે ખંભાળીયા બેઠક પર અમારી જીત થશે એવું જણાવ્યું હતુ.

રજુઆત માન્ય રાખતા ન હોવાથી આજે ભાજપમાં જવું પડ્યું: કોંગ્રેસ પૂર્વ પ્રમુખ
ગઢડા કોંગ્રેસના પૂર્વ પ્રમુખ પ્રતાપ છેયાએ કોંગ્રેસ મોવડી મંડળ પર આક્ષેપો કરતા કહ્યું કે, સ્થાનિક લેવલે ઉમેદવાર કે અન્ય રજુઆત માન્ય રાખતા ન હોવાથી આજે કોંગ્રેસ છોડી ભાજપમાં જવું પડ્યું છે. વધુમાં કહ્યું લોકોને ઉપયોગી થઈ કોંગ્રેસને મજબુત બનાવવાના અમે હંમેશા કામો કર્યા છે. પરંતુ કોંગ્રેસની વિચારધારા અમને માફક ન આવતા અને દેશમાં જે રીતે વિકાસનું પૈડું અવિરત પણે ચાલી રહ્યું છે, એ વાતથી પ્રેરાઈને અમે ભાજપમાં જોડાયા છીએ. કોંગ્રેસમાંથી રાજીનામું આપ્યું એના દુ:ખ કરતા અમારા બળથી, કામોથી અને અમારી મહેનતથી અમે ભારતીય જતના પાર્ટીને વધુ મજબુત બનાવીશું એ દુ:ખ કરતા અમારા માટે સુખની વાત છે. મોવડી મંડળ સાંભળતું ન હોવાને લઈને એમણે એવું કહ્યું કે, લોકોના કામ કરે એવા ઉમેદવારોની પસંદગી નથી કરતા અને એવા અનેક દાખલાઓ પણ આ કોંગ્રેસની અંદર અમદાવાદ પ્રદેશ કાર્યાલયમાં બેઠા બેઠા જોવા મળે છે.

મતદારો કોંગ્રેસ સાથે જ છે અને રહેવાના: કોંગ્રેસ કાર્યકારી અધ્યક્ષ
ગઢડા કોંગ્રેસના કાર્યકારી અધ્યક્ષ કિશોર વેલાણીએને રાજીનામાંને લઈ પૂછતાં જણાવ્યું કે, એ એમનો નિર્ણય છે, કોઈ આવે અને કોઈ જાય કઈ ફર્ક પડે નહીં, મતદારો કોંગ્રેસ સાથે જ છે અને રહેવાના. તેવું નિવેદન આપ્યું હતું. કોંગ્રેસે ઘણુ બધુ આ લોકોને આપ્યુ છે. ચૂંટણીમાં ઘણા બધા આવા પ્રશ્નો આવતા હોય છે. જેમાં કોઈ ભાજપ છોડી કોંગ્રેસમાં આવે, તો કોઈ કોંગ્રેસ છોડી ભાજપમાં જાય અને મોવડી મંડળ સાંભળતું ન હોવાના આક્ષેપો એમણે પાયા વિહોણા ગણાવ્યાં હતા.

આ વખતે ભાજપે નવા ચહેરા ઉતાર્યા છે
બોટાદ વિધાનસભા બેઠક પર 2,91,608 કુલ મતદાર છે તો ગઢડા બેઠક પર 2,63,850 મતદારો છે. ગઢડા વિધાનસભા બેઠક પર ભાજપ અને કોંગ્રેસ વારાફરતી જીત મેળવતા 1998થી આત્મારામ પરમાર ભાજપમાંથી તો પ્રવીણ મારૂ કોંગ્રેસમાંથી ચૂંટણી લડતા પણ હાલ પ્રવીણ મારૂ ભાજપમાં છે. બોટાદ અને ગઢડા બન્ને બેઠકો પર હાલ નવા ઉમેદવાર ભાજપમાંથી ઉતારવામાં આવ્યા છે. ભાજપમાંથી બોટાદ બેઠક પર ઘનશ્યામ વિરાણી વર્તમાન બોટાદ જિલ્લા પંચાયતના પ્રમુખ છે અને પ્રથમ વખત વિધાનસભાની ચૂંટણી લડી રહ્યા છે. તેમજ ગઢડા બેઠક પર શંભુપ્રસાદ ટુંડિયા જે અગાઉ રાજ્યસભાના સાંસદ પણ રહી ચૂક્યા છે અને હાલ ગઢડા સીટ પર ભાજપના ઉમેદવાર છે.

અન્ય સમાચારો પણ છે...