અટકાયત:રાણપુરના નાગનેશ ગામેથી બનાવટી ચલણી નોટો સાથે 3 શખસ ઝડપાયા

બોટાદ10 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • મોટા રામજી મંદિરના પાટોત્સવમાં નોટો વટાવવા આવેલા 2 સહિત સુરેન્દ્રનગરના 3 પાસેથી પોલીસે 19 નોટ કબજે લીધી

રાણપુર તાલુકાના નાગનેશ ગામે મોટા રામજી મંદિરનો પ્રાણપ્રતિષ્ઠા મહોત્સવમાં મેદાનમાં ખાણીપીણીનાં સ્ટોલમાં બનાવટી ચલણી નોટો વટાવવાનો પ્રયત્ન કરતા હોવાની બાતમીના આધારે રાણપુર પોલીસે નાગનેશ ગામેથી ત્રણ ઇસમોને ભારતીય ચલણની બનાવટી ચલણી નોટોની 500નાં દરની અને 100નાં દરની નોટો સાથે ઝડપી પાડી કાયદેશરની કાર્યવાહી હાથ ધરી છે.

પોલીસ સુત્રો દ્વારા મળતી માહિતી મુજબ રાણપુર તાલુકાના નાગનેશ ગામે મોટા રામજીમંદીરનો પ્રાણપ્રતિષ્ઠા મહોત્સવ હોવાથી પોલીસ સ્ટાફનાં માણસો પેટ્રોલીંગમાં હતા એ દરમ્યાન બાતમી મળી હતી કે મેદાનમાં ખાણીપીણીના સ્ટોલની આજુબાજુમાં બે ઇસમો આશરે 20 થી 25 વર્ષની ઉંમરના છે અને આ બન્ને ઇસમો ભારતીય ચલણની બનાવટી નોટો લઇને વટાવવા માટે ફરે છે તેમ હકિકત મળતા તરત જ બે રાહદારી પંચોના માણસોને બોલાવી ઉપરોક્ત બાતમી હકિકત વાળા અજયભાઇ રમેશભાઇ ચારોલા (ઉ.વ.25 રહે.ભગુપુર તા.ચુડા જી.સુરેન્દ્રનગર) અને જયેશભાઇ રમેશભાઇ ખેરાળીયા (ઉ.વ.21 રહે.ભગુપુર તા.ચુડા જી.સુરેન્દ્રનગર) બન્ને ઇસમોની અંગઝડતી કરતા કુલ રૂ.500ના દરની નવ નોટો તથા રૂ.100ના દરની બે નોટો ભારતીય ચલણની એક સરખા સીરીયલ નંબરની બન્ને ઇસમોને આ ભારતીય ચલણની બનાવટી ચલણી નોટો ક્યા બનાવી અને ક્યાથી લાવી અને કોને આપવા જતા હતા તે બાબતે પુછપરછ કરતા બન્ને ઇસમોએ જણાવ્યું હતું કે આ નકલી નોટો તેઓના મિત્ર હાર્દિકભાઇ ઘનશ્યામભાઇ ગોવિંદીયા (રહે.ભગુપુર તા.ચુડા) પાસે વટાવવા માટે કમીશન ઉપર આપી હતી એવું જણાવતા હાર્દિક ઘનશ્યામ ગોવિંદીયા રહે.ભગુપુર તા.ચુડા જે જગ્યાએ બેઠેલો હતો તે જગ્યાએ તપાસ કરતા તે હાજર મળી આવ્યો ન હતો. બાદ હાર્દિક ઘનશ્યામ ગોવિંદીયાના મકાન ભગુપુર ખાતે ઝડતી તપાસ કરતા આરોપી હાજર મળી આવતા તેને સાથે રાખી ઘર ની ઝડતી કરતા કલર પ્રીન્ટર મશીન મળી આવ્યું હતું.

જેની પાસેથી આ બનાવટી નોટો છાપવાના પ્રીંટીગ પેપર અને રૂ.500ના દર નોટ નંગ-5 તથા રૂ.100ના દરની નોટ નંગ-1 તથા અર્ધ કટીગ પેપરમાં પ્રીન્ટ કરેલી રૂ.100ના દરની નોટ નંગ-2, સેમસંગ કંપનીનો મોબાઇલ ફોન-1 જે તમામ મુદામાલ પોલીસે જપ્ત કરી આરોપી અજય રમેશભાઇ ચારોલા, જયેશ રમેશ ખેરાળીયા, હાર્દિક ઘનશ્યામ ગોવિંદીયાને ઝડપી રાણપુર પોલીસ સ્ટેશન ખાતે ગુનો નોંધી કાર્યવાહી હાથ ધરી છે.

અન્ય સમાચારો પણ છે...