અમદાવાદ જિલ્લાની સૌથી મહત્વની ગણાતી વિરમગામ વિધાનસભાની બેઠક કબજે કરવા મુખ્ય રાજકીય પક્ષ ભાજપ- કોંગ્રેસ અને આમ આદમી પાર્ટી પક્ષો સહિત અપક્ષો સાથે કુલ 14 ઉમેદવાર મેદાનમાં હતા. વિરમગામ વિધાનસભા બેઠકની ગણતરી અમદાવાદમાં ગુરૂવારે થઈ હતી. પરિણામ બાદ વિરમગામ વિધાનસભા બેઠકના 11 અપક્ષ ઉમેદવારની ડિપોઝિટ ડુલ થઈ છે.ગુરુવારે થયેલી મત ગણતરીમાં ભારતીય જનતા પાર્ટીના યુવા નેતા હાર્દિક પટેલને સૌથી વધુ મતો મળતા વિજેતા જાહેર થયા હતા. બીજા નંબરે આમ આદમી પાર્ટીના અમરસિંહ ઠાકોરે 47072 મત મેળવ્યા હતા.
ત્રીજા નંબરે ભારતીય રાષ્ટ્રીય કોંગ્રેસના સીટિંગ ધારાસભ્ય લાખાભાઈ ભરવાડને 44412 મતો મળ્યા હતા. બાકીના પક્ષ અને અપક્ષ 11 ઉમેદવારો માંથી એક ઉમેદવારને સૌથી વધુ 1218 મત મળ્યા હતા બાકીના તમામને હજારથી નીચે મત મેળવ્યા હતા.
ઉમેદવારોએ પરત ડિપોઝિટ મેળવવા માટે ચૂંટણીના નિયમો મુજબ બેઠકમાં થયેલા કુલ મતદાનના છઠ્ઠા ભાગના મત મેળવવાના હોય છે. મતદાનના છઠ્ઠા ભાગના મત ન મળે તો ડિપોઝિટ જપ્ત કરવામાં આવે છે. વિરમગામ વિધાનસભા બેઠક પર કુલ 1,98,488 મતદાન થયું હતું. જેના છઠ્ઠા ભાગના મતો 33,000 થી વધુ થવા જાય છે ડિપોઝિટ મેળવવા આટલા મતો લાવવા જરૂરી હોય છે.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.