મેઘરાજા અણનમ:છેલ્લા 30 વર્ષનો રેકોર્ડ બ્રેક, ગઢડામાં ભારે વરસાદથી જળબંબાકારની સ્થિતિ

ગઢડાએક વર્ષ પહેલા
  • કૉપી લિંક
  • નદીમાં ઘોડાપુરના કારણે રસ્તાઓ બંધ, તલ, મગફળી, કપાસને નુકસાન

ગઢડા(સ્વામિના) શહેર તેમજ સમગ્ર પંથકમાં રવિવારે વહેલી સવારથી અચાનક વરસાદી વાતાવરણ સર્જાયું હતુ. આ વાતાવરણમાં થયેલા પલટા બાદ જાણે બારેમેઘ ખાંગા થયા હોય તેમ સતત વરસાદ તૂટી પડતાં સાર્વત્રિક જળબંબાકાર થઈ ગયુ હતુ. ઉપરવાસ પણ સારા વરસાદના કારણે ઘેલો રમાઘાટ વિગેરે જળાશયોમાં પૂરઝડપે પાણીની આવક શરૂ રહેતા ઐતહાસિક પૂર ઉમટી પડ્યું હતુ. આ વરસાદથી ગ્રામ્ય વિસ્તારોને જોડતા રસ્તાઓ બંધ થઈ જતા લોક જીવન થંભી ગયુ હતુ. તેમજ ગઢડા લીમડા ભાવનગર અને ગઢડા ઢસા રોડ પણ ઠપ્પ થઈ જવા પામેલ.

આ વરસાદથી નિચાણવાળા વિસ્તારોમાં તેમજ ઘણાં ગામડાઓમાં ડેમ નીચાણવાળા વસ્તી અને વિસ્તારોમાં નાની મોટી તારાજી ફેલાતા ભયનો માહોલ ઉભો થયો હતો. આ સિઝનમાં ગઢડામાં કુલ 50 ઈંચ ઉપરાંત છેલ્લા 30 વર્ષનો રેકર્ડ બ્રેક વરસાદ નોંધાયો છે. અતિવૃષ્ટિના કારણે હવે લીલા દુષ્કાળની ભીતી ઉભી થવા પામી છે. તેમજ સમગ્ર પંથકમાં કપાસ, મગફળી અને તલના વાવેતરને પારાવાર નુકશાની થતા ખેડૂતોના મોંઢા સુધી આવેલો કોળીયો ઝૂંટવાઈ જાય તેવી પરિસ્થિતિ સર્જાઇ છે.

મોસમનો કુલ 214.81% વરસાદ
છેલ્લા 30 વર્ષનો વરસાદનો રેકોર્ડ બ્રેક થતા આ સિઝનમાં કુલ 214.81% વરસાદ થઈ ગયો છે. વર્ષ 1990થી 2019 દરમિયાન મોસમનો સરેરાશ 548 મી.મી વરસાદ નોંધાયો છે. જેની સામે ચાલુ ચોમાસે શનિવાર તા.29 સુધીનો ખૂલતો વરસાદ 1142 મી.મી. ઉપરાંત છેલ્લા 24 કલાકમાં સમયાંતરે કુલ 126 મી.મી. વરસાદ નોંધાતા આ સિઝનમાં કુલ 1268 મી.મી એટલે કે મોસમ નો કુલ 50 ઈંચ વરસાદ થયો છે.

અન્ય સમાચારો પણ છે...