તપાસ:સબ જેલમાં બંધ આરોપીના મોતથી પરિવારજનોમાં રોષ

ગઢડા (સ્વામીના)એક મહિનો પહેલા
  • કૉપી લિંક
  • હાર્ટ એટેકથી મૃત્યુ નિપજ્યું હોવાનું પ્રાથમિક તારણ

ગઢડા (સ્વામીના) તાલુકાના ઢસા પોલીસ સ્ટેશન વિસ્તારના ગઢડા સબ જેલમાં બંધ એક આરોપીનું વહેલી સવારે જેલ ખાતે મૃત્યુ થવાના બનાવના પગલે તંત્ર દોડતું થઇ ગયું હતું તેમજ જરૂરી કાર્યવાહી અને પોસ્ટમોર્ટમ હાથ ધરાયું હતું. આ બાબતે વધારે જાણવા મળતી વિગત અનુસાર ઢસા સ્થિત મારામારીના ગુન્હા સબબ એક આરોપી ને ગઢડા સબ જેલમાં રાખવામાં આવેલ. ઢસા ખાતે રહેતા અને ગઢડા સબ જેલમાં બંધ વિક્રમ મીઠાપરા ઉં.વ. ૩૦ નું ગઢડા સબ જેલ ખાતે વહેલી સવારે મૃત્યુ થવા પામ્યું હતું.

આ ઘટનાની જાણ થતા મામલતદાર અને પોલીસ દ્વારા જરૂરી કાર્યવાહી હાથધરી ગઢડા સરકારી દવાખાને પોસ્ટમોર્ટમ માટે મોકલી આપવામાં આવેલ. જે દરમિયાન હાર્ટએટેક ના કારણે મોત થયેલ હોવાનું પ્રાથમિક તારણ કાઢવામાં આવ્યું હતું. ત્યારે મરનાર યુવાનના પરીવારજનો સરકારી હોસ્પિટલ પહોંચી હોબાળો મચાવ્યો હતો. તેમજ પોલીસ દ્વારા ઢોર માર મારવાના કારણે યુવાનનું મોત નિપજ્યું હોવાનો પરીવારજનો એ આક્ષેપ કર્યો હતો.

આ મુદ્દે ગઢડા સામાકાંઠે ચાર રસ્તે મૃતક યુવકના પરીવારજનોએ પોલીસ વિરોધી સુત્રો બોલાવી રસ્તો ચક્કાજામ કરી વિરોધ કર્યો હતો. તેમજ યુવકના મૃતદેહને પેનલ પી.એમ માટે ભાવનગર લઈ જવાતા પરીવારજનો એ હોબાળો મચાવી મૃતદેહ એમ્બ્યુલન્સ માંથી નીચે ઉતારી રોષ વ્યક્ત કર્યો હતો. આ દરમિયાન સમગ્ર મામલે બોટાદ એસ .પી, ડી.વાય.એસ.પી, એલ.સી.બી, એસ.ઓ.જી સહિતનો મસમોટો પોલીસ કાફલો હોસ્પિટલમાં ગોઠવાયો હતો. તેમજ પરિવારજનો ને સમજાવી પેનલ પોસ્ટમોર્ટમ માટે ભાવનગર હોસ્પિટલ ખસેડાયો હતો.

અન્ય સમાચારો પણ છે...