રજૂઆત:ગઢડા(સ્વામિના)ની પ્રજાના પ્રશ્નો ઉકેલવા વિરોધ પક્ષની માંગ

ગઢડા5 મહિનો પહેલા
  • કૉપી લિંક
  • પાણી, રસ્તા સહિતની સમસ્યાનો નિકાલ કરવા રજૂઆત

ગઢડા(સ્વામિના) શહેર તથા તાલુકામાં રોજબરોજનાં લોકોને સ્પર્શતા સામાન્ય છતાં પેચીદા બની ગયેલા પ્રાણ પ્રશ્નો ઉકેલવા માટે વિરોધ પક્ષના નેતા કનુભાઈ જેબલીયા તરફથી માંગણી ઉઠવા પામેલ છે.

શહેરમાં જાહેરમાં જોવા મળતા ગંદકીના ઢગલાઓ દૂર કરવા અને ખરા અર્થમાં સ્વચ્છતા ઝૂંબેશ ચલાવવા તથા મુખ્ય અવર જવર વાળા વિસ્તારોમાં સુલભ શૌચાલયની જરૂર હોય આ મુદ્દે લોકોની મુશ્કેલી હલ કરવામાં આવે તથા ઉનાળા પૂર્વે શહેરના બાબરપરા, જીનનાકા, નૂતન વિદ્યાલય પાછળ, સિપાઈ સોસાયટી, ખોડીયાર નગર, કોઠીવાડી, ગોપીનાથ સોસાયટી વિગેરે છેવાડાના વિસ્તારોમાં પૂરતા પ્રમાણમાં પૂરા પ્રેશરથી પાણી મળી રહે તે માટે આગોતરૂ આયોજન કરવા ઉપરાંત શહેરી વિસ્તારોને જોડતા મુખ્ય સ્ટેટ હાઈવેમાં ઢસાથી બોટાદ અને ગઢાળી-લીમડા ભાવનગરના મુખ્ય રસ્તાઓનું નવિનીકરણ કરાય તે વર્તમાન સમયની જરૂરિયાત હોવાનું તેમજ સરકારી કચેરીઓમાં ચાલી રહેલા બેફામ ભ્રષ્ટાચાર ઉપર બ્રેક લગાવવા અને સાચા અરજદારોના કામો સમય મર્યાદામાં પૂરા કરવામાં આવે તેવી માંગણી કરવામાં આવેલ છે.

જ્યારે બોટાદ જિલ્લાના મોટા તાલુકા અને યાત્રાધામ ગઢડાનો યાત્રાધામ વિકાસ બોર્ડ માં સમાવેશ કરવામાં આવે તેમજ ભૂતકાળમાં ચાલતી રેલ્વે સેવા પુનઃ શરૂ થાય તેવા પ્રયત્નો હાથ ધરાય અને રેલ્વે સેવાથી વંચિત રહેલા સેન્ટરોનો સમાવેશ કરી ગઢડા, ઢસા, જસદણ અને વિંછીયાને આવરી લેવા સંસદ સભ્યો સહિતના આ દિશામાં કાર્યરત બને તેવી માંગ કરાઈ છે.

ફકત ચૂંટણી સમયે જ લોકો વચ્ચે દેખાતા નેતાઓ ચૂંટણી સિવાય ના દિવસોમાં લોકોની વચ્ચે આવી ને સાચા અર્થમાં જરૂરી પ્રાણ પ્રશ્નો ઉકેલી સમયાંતરે જરૂરી વિકાસની દિશામાં સક્રીય બને તેવી માંગણી પાલિકા વિરોધ પક્ષના નેતા કનુભાઈ જેબલીયા તરફથી કરવામાં આવી હતી.

અન્ય સમાચારો પણ છે...