તાજેતરમાં વિધાનસભાની ચૂંટણીમાં બોટાદ બેઠક ઉપર રાજકીય કશ્મકશ વચ્ચે ભારતીય જનતા પાર્ટી તરફથી ગઢડા તાલુકાના ઢસા નિવાસી ઉદ્યોગપતિ ઘનશ્યામ વિરાણીને મેન્ડેટ આપી ઉમેદવાર તરીકે ચૂંટણી મેદાનમાં ઉતાર્યા હતા. એટલું જ નહી પરંતુ આ ઉમેદવારને જીતાડવાની જવાબદારી સ્વયં નરેન્દ્ર મોદીએ લઈ અને બોટાદ સભા સંબોધન કરીને લોકોને ઘનશ્યામ વિરાણીને જીતાડવા અપીલ પણ કરી હતી.
આ ઉપરાંત પ્રદેશ પ્રમુખ સી.આર. પાટીલે પણ પરિસ્થિતિનો તાગ પામીને અચાનક 2 મુલાકાત યોજી ખાનગી બેઠકો કરી ડેમેજ કંટ્રોલ કરવા અને બોટાદ સંગઠનના નિષ્ક્રિય અને વિરોધી માનસિકતા ધરાવતા લોકોને ચેતવણી આપી કામે લાગી જવા સમજાવ્યા હતા. આમ છતા પણ ગુજરાતમાં ભાજપને મળેલા ભવ્ય વિજય વચ્ચે બોટાદ બેઠક ઉપર આમ આદમી પાર્ટીના ઉમેદવારનો નજીવા મતે વિજય થતા ભાજપ માટે સોનાની થાળીમાં લોઢાની મેખ જેવો અપસેટ સર્જાયો હતો.
આ પરિણામથી ગઢડા તાલુકાના સ્થાનિક ઉમેદવારને છેલ્લે 1972માં ગઢડા તાલુકાના અનિડા ગામના લક્ષ્મણભાઈ ગોટી ચૂંટાયા બાદ હવે 50 વર્ષ પછી ધારાસભ્ય તરીકે ગઢડા તાલુકાના સક્ષમ વ્યક્તિને વિધાનસભાનું પ્રતિનિધિત્વ કરવા માટે ચૂંટાવાનો અવસર ધૂળ ધાણી થઈ જતાં ભારે નિરાશા ફેલાઈ જવા પામી છે.
આ વિપરીત પરિણામોના અંતે ચોરે ને ચૌટે ચાલી રહેલી ચર્ચા મુજબ ઘર ફૂટે ઘર જાય તેવો ઘાટ ઘડાયો હોવાનું અને ભાજપના સરકારમાં દબદબો ભોગવી રહેલા બોટાદના જાયન્ટ નેતા અને ગૃપના જવાબદાર વ્યક્તિઓએ પોતાની ટીકીટની માગણી નહી સંતોષાતા પોતાના વિસ્તારમાં પોતાનું વજૂદ હોવાનું દેખાડી દેવા ભાજપના જ ઉમેદવાર વિરુદ્ધ અન્ય ઉમેદવારને સપોર્ટ કરી, ચૂંટણીના બાકી રહેલા છેલ્લા 5 દિવસમાં જીતનું વાતાવરણ હારમાં ફેરવી દઈને હરાવીને જંપ લીધો હતો.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.