માગ:ગઢડા એસ.ટી. ડેપોનું અણઘડ તંત્ર, વર્ષો જૂના રૂટની બસ બંધ

ગઢડાએક મહિનો પહેલા
  • કૉપી લિંક
  • જામનગર, દહેગામ, બગદાણા અને માતાના મઢની બસ પુનઃ શરૂ કરવા માંગણી, ગ્રામ્ય વિસ્તારના લોકોમાં રોષ

ગઢડા(સ્વામિના) 78 ગામડાઓ ધરાવતો બોટાદ જીલ્લાનો સૌથી મોટો તાલુકો છે. તેમજ યાત્રાધામ મથકના કારણે અસંખ્ય મુસાફરો પ્રવાસ કરતા હોય છે. ગઢડા ખાતે લાખો રૂપિયાના ખર્ચે એસ.ટી. ડેપોનું નિર્માણ કરવામાં આવ્યું છે. તેમજ આ પંથકમાં પરિવહન માટે એકમાત્ર હાથવગી વ્યવસ્થા એસ.ટી. ડેપો ઉપર નિર્ધારિત છે. ત્યારે જરૂરી વિકાસની હરણફાળ ના સમયમાં ગઢડા એસ.ટી.ડેપોનુ તંત્ર જરૂરી સુવિધાઓ વધારવા ના બદલે ઘટાડી રહ્યું છે.

તાજેતરમાં જ વર્ષો થી ચાલતા નિયમિત રૂટ ની બસો સ્ટાફ ઘટના કારણે બંધ કરી દેવામાં આવતા લોકો ભારે હાલાકી વેઠી રહ્યા છે. નિયમિત ચાલતા રૂટની સાંજે ચાલતી માતાના મઢ, વહેલી સવારની જામનગર તથા દહેગામ, બપોરની બગદાણા જેવા રૂટ ઉપર વર્ષોથી નિયમિત ચાલતી અને લોકો માટે ઉપયોગી રૂટ ની બસ સેવા બંધ કરી દેવામાં આવતા મુસાફરો ભારે હાલાકી વેઠી રહ્યા છે. સરકારની સ્ટેટ ટ્રાન્સપોર્ટ સેવા પબ્લિક માટે અનિવાર્ય હોય દિનપ્રતિદિન સમયની જરૂરિયાત મુજબ સેવા માં વધારો કરવાના બદલે ઘટાડો થતા લોકો આશ્વર્ય સાથે તંત્ર ના અણઘણ વહિવટની ટીકા કરી રહ્યા છે.

ખાસ કરીને ગઢડા એસ.ટી. ડેપોમાં જરૂરી નવી બસો અને પૂરતો સ્ટાફ ફાળવવા તથા નવા રૂટ ની બસો શરૂ કરવા ઉપરાંત વર્ષોથી નિયમિત ચાલતા રૂટની કેન્સલ કરેલી બસ સેવાઓ પુનઃ શરૂ કરવામાં આવે તેવી માંગણી ઉઠવા પામી છે. કોરોના કાળ દરમિયાન બસો બંધ કરી દેવામાં આવી હતી. પરંતુ હવે તો કોરોનાના કેસમાં ઘટાડો નોંધાયા બાદ પણ ગ્રામ્ય વિસ્તારની અસંખ્ય બસ ફરી શરૂ કરવામાં ન આવતા નાગરિકોને જીવના જોખમે ખાનગી વાહનોમાં મુસાફરી કરવાની ફરજ પડી રહી છે. જેથી બસ ચાલુ કરાય તેવી માગ ઉઠી છે.

અન્ય સમાચારો પણ છે...