માંગ:નાના જીંજાવદર ગામે સરકારી જમીન પર દબાણ હટાવવા માંગ

ગઢડા19 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • 10 એકર જમીન પર ગેરકાયદેસર કબ્જો
  • જમીનનો કબ્જો ખુલ્લો કરવાનું કહેવામાં આવે તો માથાભારે શખ્સો દવારા કરાતી હેરાનગતિ

ગઢડા તાલુકાના નાના જીંજાવદર ગામે ગૌચર જમીન ઓછી હોવા બાબતે તથા સરકારી પડતર જમીન ઉપર ગેરકાનુની કબ્જો દૂર કરવાની માંગણી સાથે બોટાદ જિલ્લા કલેકટરને આવેદનપત્ર પાઠવવામાં આવ્યું હતું. જીંજાવદર ગામે પશુઓના ચરીયાણ માટે ગૌચરની જગ્યા અપુરતી હોવાથી પશુપાલકો માટે ખુલ્લી પડી રહેતી સરકારી પડતર જગ્યામાં તેમના પશુઓ ચરાવાઇ રહયાં છે જેથી વધુ ગૌચર નિમ કરવા બાબતે નાના જીંજાવદર ગ્રામ પંચાયત મારફતે રજૂઆત થયેલ છે આ સંજોગોમાં સરકારી પડતર જમીનો ઉપર અમુક માથાભારે અને લાગવગ ધરાવતા ઈસમો દ્વારા કબ્જો કરાયેલ છે.

જે કબ્જો તેઓ ખુલ્લો કરતા નથી અને જો આ ઇસમોને જમીનનો કબ્જો ખુલ્લો કરવાનું કહેવામાં આવે તો તેઓ ગામના સામાન્ય અને ગરીબ પશુપાલકોને અનેક પ્રકારની ધમકીઓ આપે છે તેમજ તેમના ઉપર ખોટા ફોજદારી કેસો કરે છે જેના કારણે ગરીબ પશુપાલકો અનેક પ્રકારની યાતનાઓ ભોગવી રહયા છે. આ શખ્સોએ નાના જીંજાવદર ગામની સીમની સ.નં.187 પૈકી 1 તથા 187 પૈકી 2 ની કુલ 10 એકર 32 ગુઠા જમીન પર ગેરકાયદેસર કબ્જો કરેલ છે.

આ જમીન છેલ્લા 12 વર્ષથી સરકારમાં દાખલ થઈ ગયેલ હોવા છતાં પણ આ ઈસમો દ્વારા જમીનનો ગેરકાયદેસર કબ્જો ચાલુ રાખવામાં આવેલ છે. આવા લોકો સામે ધોરણસરની કાર્યવાહી હાથ ધરવા અને જમીન ખુલ્લી કરાવવા નાના જીંજાવદર ગામ ખાતે ગૌચર દબાણ દુર કરવા માટે ઉપસરપંચ હંસાબેન રાજુભાઈ સાટીયા તથા માલધારી સમાજ તરફથી જીલ્લા કલેકટરને આવેદનપત્ર પાઠવવામાં આવ્યું હતું.

અન્ય સમાચારો પણ છે...