ગઢડા ફરી ભાજપનો ગઢ બન્યો:આત્મારામ પરમારે ગઢડા બેઠક પર અત્યાર સુધીમાં સૌથી વધુ જંગી સરસાઈ મેળવીને નવો રેકોર્ડ સ્થાપ્યો

ગઢડાએક વર્ષ પહેલા
  • કૉપી લિંક
ભાજપના વિજયી ઉમેદવાર આત્મારામ પરમાર (ફાઈલ ફોટો) - Divya Bhaskar
ભાજપના વિજયી ઉમેદવાર આત્મારામ પરમાર (ફાઈલ ફોટો)
  • ગઢડા શહેરમાં ભાજપને ઓછા મતોની સરસાઇ મળી હોવાનો ઇતિહાસ પણ આ વખતે 3100 મતની લીડ મળી
  • આત્મારામ પરમારને કેબિનેટમાં સ્થાન મળે તેવી ચર્ચાઓ શરુ થઈ

ગુજરાતમાં વિધાનસભાની ખાલી પડેલી આઠ બેઠકોની યોજાયેલી પેટાચૂંટણીમાં ભાજપનો જંગી બહુમતિથી વિજય થયો છે, જે બેઠકો 2017માં કોંગ્રેસના હાથમાં હતી તે હવે 2020માં ભાજપના હાથમાં આવી ગઈ છે. કોંગ્રેસ આ આઠેય બેઠકોમાંથી એક પણ બેઠક જીતી શકી નથી. ત્યારે ગઢડા વિધાનસભા બેઠક ભાજપે કોંગ્રેસના હાથમાંથી ખેંચી લઈને ફરી ગઢડાને ભાજપનો ગઢ બનાવી દીધો હતો. કોંગ્રેસના ઉમેદવાર મોહનભાઇ સોલંકી સામે 23295 મતની સરસાઇથી ભાજપના ઉમેદવાર આત્મારામ પરમારનો જંગી બહુમતિથી વિજય થતાં, તેમણે આ બેઠક પર સૌથી વધુ વખત ઉમેદવારી વિજયની ડબલ હેટ્રીક અને અત્યાર સુધીની સૌથી વધુ લીડના વિજયનો નવો જ વિક્રમ સ્થાપ્યો હતો.

10 અપક્ષ ઉમેદવારોની ડિપોઝિટ ડૂલ થઈ
આ બેઠક પર ભાજપ અને કોંગ્રેસ સહિત 12 ઉમેદવારો વચ્ચે ચૂંટણી જંગ ખેલાયો હતો. આ બેઠક પર ભાજપના ઉમેદવાર આત્મારામ પરમાર અને કોંગ્રેસના ઉમેદવાર મોહનભાઇ સોલંકી વચ્ચે જ સીધો જંગ હતો. આ બેઠક પર સરેરાશ 50.76 ટકા જેટલા નીચું મતદાન નોંધાયું હતું. જે ગત ચૂંટણીની સરખામણીએ 5.92 ટકા ઓછું હતું. આ ચૂંટણીમાં કોંગ્રેસના ઉમેદવાર મોહનભાઇ સોલંકીએ પરાજય સ્વિકાર્યો હતો. તમામ 10 અપક્ષ ઉમેદવારોની ડીપોઝિટ ડૂલ થઇ હતી. જેના કારણે આ બેઠક પર મતોનું ધૃવીકરણ થતું અટકી ગયું હતું. જયારે, પરિણામની આ જાહેરાત બાદ ભાજપના વિજેતા ઉમેદવાર આત્મારામ પરમારનું મત વિસ્તારનાં વિવિધ ગ્રામ્ય વિસ્તારોમાં ભવ્ય વિજય સરઘસ નિકળ્યું હતું.

આત્મારામ પરમારને કેબિનેટમાં સ્થાન મળે તેવી શક્યતાઓ
ગઢડા વિધાનસભા બેઠક પેટાચૂંટણીના પરિણામોમાં ભાજપના ઉમેદવાર અને પૂર્વ મંત્રી આત્મારામ પરમારનો વિજય થતાં તેમને હવે કેબિનેટમાં સ્થાન મળવાની ચર્ચાઓ શરુ થઈ ગઈ છે. કુંવરજી બાવળીયા અને જવાહર ચાવડાની જેમ આત્મારામને પણ મંત્રી બનાવાય તેવી ચર્ચાઓ હાલમાં રાજકીય સુત્રોમાં ચર્ચાઈ રહી છે.

એસ.પી. સ્વામિએ આત્મારામને સાંફો બાંધી શુભેચ્છા આપી
ગઢડા બેઠક પર વિજય થતાં આત્મારામ પરમાર સહિત આગેવાનોએ ગોપીનાથજી દેવ મંદિર તથા અક્ષર પુરુષોત્તમ મંદિરે દર્શન કરી ગ્રામ્ય વિસ્તારમાં વિજયરથ સાથે પ્રસ્થાન કર્યું હતું. આચાર્ય અજેન્દ્રપ્રસાદજીના સમર્થક એસ.પી. સ્વામિ દ્વારા વિજય બાદ વિજેતાં ઉમેદવાર આત્મારામભાઈ પરમારને સાફો બાંધી શુભકામનાઓ પાઠવી હતી.

પ્રથમ વખત ભાજપને ગઢડા શહેરમાંથી સારી લીડ મળી
વિધાનસભાની ચૂંટણી દરમિયાન કાયમ ગઢડા બેઠકમાં ગઢડા શહેરમાં જ ભાજપને ઓછા મતોની સરસાઇ મળી હોવાનો ઇતિહાસ છે. પરંતુ, આ પેટચૂંટણીમાં ઓછા મત મેળવતા ભાજપને ગઢડા શહેરમાંથી પણ 3100 જેટલા મતોની પ્રથમવાર સારી લીડ મળી હતી.

3119 લોકોએ NOTAનું બટન દબાવ્યું
રાજ્યમાં આઠ બેઠકોની યોજાયેલી પેટાચૂંટણીમાં ગઢડા બેઠકના પરિણામમાં ભાજપ અને કોંગ્રેસના બે ઉમેદવારોને બાદ કરતાં અન્ય 10 અપક્ષ ઉમેદવારોની ડીપોઝિટ ડૂલ થઇ હતી. આ તમામ ઉમેદવારો કરતાં NOTA (નન ઓફ ધેમ અબોવ-ઉપરોકત પૈકી કોઇ નહીં) ને વધુ મતો મળ્યા હતા. અપક્ષ ઉમેદવારોને 179 થી લઇ 1086 જેટલાં મત મળ્યા હતા. જયારે 3119 લોકોએ NOTAનું બટન દબાવ્યું હતું. આ બેઠક પર 10 પૈકી 9 ઉમેદવારો ચાર આંકડામાં મત મેળવવામાં નિષ્ફળ રહ્યાં હતાં.ગઢડા વિધાનસભાની પેટાચૂંટણીના પરિણામમાં કુલ 128223 મતની ગણતરી કરવામાં આવી હતી. જે પૈકી 197 મત રદ્ કરવામાં આવ્યા હતા.

અન્ય સમાચારો પણ છે...