બોલાચાલી:રાપરપાલિકામાં મુખ્ય અધિકારી અને પ્રમુખના પતિ વચ્ચે ઉગ્ર બોલાચાલી

રાપરએક મહિનો પહેલા
  • કૉપી લિંક
  • ચીફ ઓફિસરે ‘ગેટ આઉટ ફ્રોમ માય ઓફિસ’ કહેતાં બબાલ
  • વેરા વસૂલાત મુદ્દે મામલો ગરમાતાં ભાજપના સભ્યોએ દરમિયાનગીરી કરીને થાળે પાડ્યો

રાપર નગરપાલિકામા પગાર અને ખાલીખમ તિજોરીના કારણે અનેક વાર કર્મચારીઓ અને પદાધિકારીઓ વચ્ચે તૂ તૂ મેં મેં થતી હોય છે. ગુરૂવારે ચીફ ઓફિસર અને પ્રમુખના પ્રતિનિધિ વચ્ચે વેરાની વસૂલાત બાબતે ઉગ્ર બોલાચાલી થઇ હતી. મામલો બીચકે તે પહેલાં ધસી ગયેલા સભ્યોએ દરમિયાનગીરી કરીને શાંત પાડ્યો હતો.

નગર પ્રમુખ અમરતબેન વાવીયાના પતિ વાલજીભાઇએ કર્મચારીઓના પગાર બાબતે ચીફ ઓફિસર મયુર જોશી સમક્ષ રજુઆત કરતા કહ્યું હતું કે વેરા ઉઘરાવવામાં પકડ રાખો તો વેતન ચૂકવાઇ શકાશે. આ બાબતે બંને વચ્ચે પ્રથમ શાબ્દિક યુદ્ધ થયું હતું જેણે ઉગ્ર રૂપ ધારણ કર્યું હતું અને જોતજોતાં માં ઝગડાનું વરવું સ્વરૂપ ધારણ કરતાં ચીફ ઓફિસરે ચેમ્બરની બહાર પડેલી ખુરસી ઉપાડી નગરપ્રમુખના પતિ ઉપર પ્રહાર કરવાની તૈયારી કરી હતી. જોકે ખુરશી વજનવાળી હોતાં ચીફ ઓફિસરથી ન ઉપડતા ‘ગેટ આઉટ ફ્રોમ માય ઓફિસ’ જેવા શબ્દો બોલીને જાહેરમાં અપમાન કર્યું હતું.

આ વર્તનથી હતપ્રભ વાલજીભાઇએ સદસ્યો અને હોદેદારોને જાણ કરતાં તાત્કાલિક નગરપાલિકા ખાતે દોડી આવ્યા હતાં અને મામલો થાળે પાડ્યો હતો. ઘટનાની જાણ જિલ્લા ભાજપ સુધી કરાતા આગામી દિવસો નવાજુની થાય તેવા એંધાણ વર્તાઇ રહ્યા હોવાની ચર્ચાએ જોર પકડ્યું હતું. વેરા વસૂલાતને લઇને મામલો ગરમાતાં ભાજપના સદસ્યોએ વચ્ચે પડી શાંત પાડ્યો હતો.

નગરપ્રમુખે રજૂઆત કરવી જોઇએ, તેના પતિએ નહીં : ચીફ ઓફિસર
આ બાબતે ચીફ ઓફિસર મયુરભાઈ જોશીએ જણાવ્યું હતું કે થોડી બબાલ થઈ હતી પણ ભાજપના અગ્રણીઓએ પ્રમુખના પતિને સમજાવતા મામલો થાળે પડી ગયો હતો. પ્રમુખ તો નગરપાલિકામાં આવતા જ નથી. તેમના પતિએ અપશબ્દો બોલતા મેં તેમને આવું બોલવાની ના પાડીને મારી ઓફિસમાં આવવું નહીં તેમ કહેતા તેઓ ઉશ્કેરાઈ ગયા હતા. કર્મચારીઓ બાબતે રજુઆત હોય તે પ્રમુખ કરી શકે પણ તેઓ આવતા જ નથી.

મુખ્ય અધિકારીએ અપશબ્દો બોલવાનું શરૂ કર્યું
આ બાબતે વાલજીભાઇ વાવીયાને પૂછતાં તેમણે કહ્યું હતું કે કર્મચારીઓનો પગાર ન થતાં મેં રજુઆત કરી હતી અને કહ્યું હતું કે વસુલાત કરો તો ચીફ ઓફિસરે તમે રજુઆત કરવા વાળા કોણ તેમ કહીને અપશબ્દો બોલવાનું શરુ કર્યું હતું. ભાજપ સંગઠનના હોદેદારો અને જિલ્લા ભાજપમાં ચીફ ઓફિસરના ગેરવર્તન અંગે રજુઆત કરી છે તેમ તેમણે કહ્યું હતું.

અન્ય સમાચારો પણ છે...