ધાર્મિક:ભાદરવી મેળાઓની મૌસમ જામી, પાછોતરા વરસાદથી ઉત્સાહનો સંચાર

રાપરએક મહિનો પહેલા
  • કૉપી લિંક
  • સતત બીજા વર્ષે આજે રાપરમાં રવેચી માતાજીનો લોક મેળો રદ્ : દર્શનાર્થીઓ માટે મંદિર ખુલ્લું રહેશે

કોરોના વાયરસના કારણે રાપર તાલુકામાં ભાતીગળ સંસ્કૃતિ માટે વિખ્યાત એવો ઐતિહાસિક રવ ગામ નજીક આવેલ રવેચી માતાજીનો મેળો આ વર્ષે પણ રદ કરવામાં આવ્યો છે.જોકે દર્શનાથીઓ માટે મંદિર ખુલ્લું રાખવામાં આવશે.જેની વ્યવસ્થા રવેચી જાગીર દ્વારા કરવામાં આવશે.ભાદરવા સુદ અજવાળી આઠમ રવેચી માતાજીનો પ્રાગટ્ય દિવસ મનાય છે. અજ્ઞાત વાસમાં આવેલ પાંડવો દ્વારા આ મંદિરની સ્થાપના કરવામાં આવી હોવાની લોક વાયકા છે.રવેચી માતાજી વાગડના કુળદેવી છે અને ભાદરવી આઠમ માતાજીનો પ્રાગટ્ય દિવસ હોવાથી સમગ્ર વાગડવાસીઓ માતાજીના સ્થાનકે શીશ ઝુકાવવા માટે આવતા હોય છે.

જોકે 200 વર્ષો થી ભરાતો આ મેળો સતત છેલ્લા બે વર્ષ થી કોરોના મહામારીના કારણે મોકૂફ રાખવામાં આવે છે માત્ર મયાદિત સંખ્યામાં ગત રાત્રે દેશી ભજન યોજાયા હતાં અને આજે મંગળવારના માતાજીના દર્શન થઈ શકશે.નોંધનીય છે કે, મેળો રદ થવાથી આ વખતે પણ મોટા ચકડોળ, મોત ના કુવા, જાદુગર, ખાણી પીણીના સ્ટોલો જોવા નહીં મળે માત્ર પ્રસાદી, નારિયેળ જેવી સામગ્રી જ વેચવાની છૂટ અપાઈ છે.

જેના કારણે દર વર્ષે મુંબઈ, અમદાવાદ, બનાસકાંઠા સહિતના વિસ્તારોમાંથી આવતા ભક્તોને માત્ર માતાજીના દર્શન કરીને જ સંતોષ માનવો પડશે મેળાની ઝાકમઝાળ આ વખતે નહિ જોવા મળે વાગડની ભાતીગળ સંસ્કૃતિ માટે જાણીતો રવેચી માતાજીનો મેળો દેશ વિદેશમાં પણ પ્રખ્યાત છે.

નાગવીરીમાં વાછડા દાદાનો મેળો ભરાયો
વાછડા દાદાના મેળો ભરાતા ભક્તો દાદાના દર્શન માટે સ્થાનકે ઉમટ્યા હતા. તો મેળાથી ગામમાં રોનક પણ જોવા મળી હતી.

નખત્રાણા તાલુકાના નાગવીરી ગામે પરંપરા મુજબ ભાદરવા મહિનાના પ્રથમ સોમવારે વીર વાછડા દાદાનો મેળો ભરાયો હતો. રવાપર, નવાવાસ, ઘડાણી,વિગોડી સહિત ગામોના લોકો પેડી કરી પ્રસાદ ચડાવી દર્શનનો લાભ લીધો હતો. રમકડા, કટલેરી, ફળના નાના ધંધાર્થીઓ પાસેથી લોકોએ ખરીદી કરી હતી. ઉલ્લેખનીય છે કે, કોરોનાને લઈ ગત વર્ષ મેળા થયા ન હતા પણ આ વખતે સંક્રમણ નહિવત હોતાં મેળો ભરાયો હતો.

દયાપરના કોરો ખાતે યોજાયો દાદાનો ભાતીગળ મેળો
લખપત તાલુકાના દયાપર નજીક અાવેલા કોરો ખાતે દાદાનો ભાતીગળ મેળો યોજાયો હતો જેમાં દયાપર, નાની વિરાણી અને અાસપાસના ગામોમાંથી લોકો જોડાયા હતા. કોરા વિસ્તારમાં અાવેલ અલીયાદાદના સ્થાનકે દર ભાદરવા માસના પ્રથમ સોમવારના યોજાતા અા મેળાની પરંપરા અાજે પણ જળવાયેલી છે.

અા મેળામાં દયાપર તેમજ નાની વિરાણી ગામના પાટીદાર સમાજે અલગ અલગ સ્થાનો પર ગામના યુવાનો દ્વારા ઢોલે રાસ-ગરબા તેમજ દાંડિયારાસની પરંપરા જાળવી રાખી છે. અા ધાર્મિક સ્થાનકે દાદાપીરને મીઠીભાત તેમજ કસુબાનો પેડી પ્રસાદ ધરાવવામાં અાવે છે. અહીં સારથી બપોર સુધી સુધી ચાલતા મેળામાં ઢોલ વાગે અને અહીં અાવતા લોકો રાસ ગરબા રમે છે. અને ત્યારબાદ બપોરે મહાપ્રસાદ પણ યોજાય છે. મોટી સંખ્યામાં લોકો અા મેળામાં અાવે છે.

અન્ય સમાચારો પણ છે...