આરોગ્ય સાથે ચેડા:રાપર પંથકમાં ઊંટવૈદોના કારણે અનેકે કોરોનામાં જીવ ખોયા

રાપર4 મહિનો પહેલા
  • કૉપી લિંક
  • તાલુકામાં 5 ડઝનથી વધુ બોગસ તબીબ દવા આપતા હોવાની આશંકા છતાય તંત્ર મૌન
  • અન્યત્ર કાર્યવાહી તો રાપર તાલુકામાં કેમ નહીં તેવો ઉઠતો સવાલ

રાપર તાલુકામા છેલ્લા કેટલાક વર્ષોથી વિવિધ જિલ્લા અને રાજ્ય બહારના બોગસ ડિગ્રીધારી ડોકટરોનો જાણે રાફડો ફાટ્યો હોય તેવું દેખાઈ રહ્યું છે. કચ્છના કેટલાક વિસ્તારોમાં આવા ઊંટ વૈદોને પકડી પાડવામાં આવ્યા છે પણ રાપર વિસ્તારમાં ભ્રષ્ટ વહીવટી તંત્ર આંખ આડા કાન કરીને લોકોને આવા કહેવાતા તબીબો પાસે જવા મજબુર કરી રહ્યું હોય તેવું ચિત્ર સપાટીએ આવ્યું છે. ઊંટ વૈદોની આડેધડ સારવારના કારણે બાળકો સહિત અનેકે કોરોનામાં જીવ ખોયો હોવાના આક્ષેપો પંથકમાં ઉઠી રહ્યા છે.

તાલુકાના પ્રાંથળ વિસ્તાર તેમજ રામવાવ, ચિત્રોડ, આડેસર,ગાગોદર, ફતેગઢ,ભીમાસર,ખડીર વગેરે ગામોમાં મોટી સંખ્યામાં ડિગ્રી વગરના લોકો તબીબી પ્રેક્ટિસ કરી રહ્યા છે અને ખુલ્લેઆમ ગરીબ દર્દીઓના સ્વાસ્થ્ય સાથે ગંભીર ચેડાં કરી રહ્યા છે. ઊંટવૈદાંને કારણે અમુક ભૂલકા સહિત અનેક લોકો કોરોનાનો ભોગ બનીને મોતના મુખમાં ધકેલાયા હોવાનું ચર્ચાઇ રહ્યું છે.

તાલુકા મથકે જ 10થી વધુ ‘મુન્નાભાઇ’: લોકોના આરોગ્ય સાથે થતાં ચેડા
તાલુકા મથક રાપરમા જ 10થી વધુ બોગસ ડોકટરો ખુલ્લેઆમ પ્રેક્ટિસ કરી રહ્યા છે. નવાઇની વાત તો એ છે આ મુન્નાભાઇ ડોકટર્સ એસોશસીએશનમા પણ સામેલ થઈ ગયા છે તેમ આધારભૂત સૂત્રોમાંથી જાણવા મળ્યું હતું. જિલ્લાના આરોગ્ય તંત્રને શું આ બાબતની જાણ નહીં હોય તેવો સવાલ જાગૃત લોકો કરી રહ્યા છે. તાલુકા હેલ્થ ઓફિસ છેલ્લા કેટલાક વર્ષોથી ઇન્ચાર્જના હવાલે હોવાથી આવી મગજમારીમા પડવા કોઈ નથી માંગતા તેમ ખૂદ આરોગ્ય વિભાગ સાથે સંકળાયેલા સૂત્રો કહી રહ્યા છે.

‘મારી પાસે ડિગ્રી છે, પણ ઘરમાં રાખું છું’
સણવા ગામે વર્ષોથી જાણે ડો. પરમારની પેઢી ચાલતી હોય તેમ પોતે તો માન્ય તબીબ નથી છતાંય વર્ષોથી પ્રેક્ટિસ કરી રહ્યા છે. આટલું ઓછું હોય તેમ પોતાના ડિગ્રી વિહોણા પુત્રને પણ આડેસરમા દવાખાનું ખોલી આપ્યું છે. ડિગ્રી વિશે પૂછતાં પુત્રે જણાવ્યું હતું કે ‘મારી પાસે બધીય ડિગ્રી છે પણ હું ઘરે રાખું છું’ ! આમ કેટલીય જગ્યાએ પિતા-પુત્ર, કાકા-ભત્રીજા જેવા બોગસોએ અડિંગો જમાવ્યો છે પણ તંત્ર કે પોલીસને નજરે નથી ચડતા તે નવાઈ પમાડે તેવું છે.

મારી પાસે આવી કોઇ માહિતી નથી : ટીએચઓ
બોગસ તબીબો વિશે રાપર તાલુકા હેલ્થ ઓફિસર ડો. રોયને પૂછતાં તેમણે અજાણતા દર્શાવીને કહ્યું હતું કે તેમને આવી કોઇ માહિતી નથી મળી. હાલે કચ્છની ક્રાઇમ બ્રાન્ચ જેવી કોઈક એજન્સી બોગસ ડોકટરોને ઝડપવાની કામગીરી ચલાવી રહી છે પણ મને હજી સુધી આ દિશામા કાર્યવાહી કરવા અંગે કોઇ સૂચના નથી તેમ તેમણે ઉમેર્યું હતું.

અન્ય સમાચારો પણ છે...