તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

દબાણ મુદ્દે ચકમક:રાપરમાં ખાતમુહૂર્તના કાર્યક્રમમાં જ નગરસેવકના દબાણ મુદ્દે ચકમક

રાપર3 મહિનો પહેલા
  • કૉપી લિંક
  • ખુદ નગરસેવકો દબાણ કરે છે ત્યારે અન્યોને મળશે મોકળું મેદાન
  • ઉગ્ર બનેલા અન્ય અેક નગર સેવકે દબાણની અાપી ચિમકી

રાપરમાં વિકાસકામોના ખાતમુહૂર્ત પ્રસંગે બાજુમાં જ ખુદ પાલિકાના નગરસેવકે કરેલા દબાણ મુદ્દે સત્તા પક્ષના જ નગરસેવકો વચ્ચે ચકમક ઝરી હતી અને અન્ય અેક નગરસેવકે ઉગ્ર બની જો અા દબાણ નહીં હટે તો પોતે ખાતમુહૂર્તવાળી જગ્યાઅે દબાણ કરશે તેવી ચિમકી અાપી હતી.

રાપર પાલિકા દ્વારા આજે વિવેકાધીન ગ્રાન્ટમાંથી પાલિકાના ગાર્ડનની બાજુમાં આકાર લઈ રહેલા નક્ષત્ર વન અને અન્ય વિકાસકામોનું ખાતમુહૂર્ત પાલિકા પ્રમુખ અમરતબેન વાલજી વાવિયાના હસ્તે કરાયું હતું. જો કે, અા કાર્યક્રમમાં જોવા જેવી તો ત્યારે થઈ જયારે જ્યાં ખાતમુહૂર્ત હતું તેનાથી માત્ર 50 મીટર દૂર પાલિકાની પડતર જમીન પર જ પાલિકાના સત્તાપક્ષના જ નગરસેવક દ્વારા બ્લોક પાડવાનું કારખાનું બનાવવાની પેરવી ચાલી રહી હતી.

જો કે, અા મુદ્દે બીજા નગરસેવકો અને દબાણકર્તા નગરસેવક વચ્ચે મીઠી ચકમક ઝરી હતી અને દબાણર્તાને નગરસેવકોઅે મીઠો ઠપકો આપતાં કહ્યું હતું કે, ખુદ પાલિકાના જ નગરસેવક દબાણ કરશે તો આપડે કોને કહેશું. તો એક નગરસેવક એટલા ઉગ્ર બની ગયાં હતાં કે, જો દબાણ અત્યારને અત્યારે નહીં હટે તો તે પણ આ ખાતમુહૂર્ત વાળી જગ્યાઅે જ દબાણ કરશે તેવી ચિમકી અાપી હતી. તો વળી દબાણકર્તા નગરસેવકે પોતાનો પક્ષ રાખતા જણાવ્યું હતું કે, તમે બધા મને જ કેમ નડો છો. મારે તો માત્ર થોડોક સમય જ બ્લોક પાડવા છે અને મેં બધાની રજા પણ લીધી છે.

કાર્યક્રમમાં શહેર ભાજપના હોદેદારો પણ સામેલ હતાં ત્યારે જોવાનું રહ્યું કે, દબાણ હટશે કે નહીં. ખુદ પાલિકાના નગરસેવકો જ દબાણ કરતા હોય ત્યારે અન્યોને મોકળું મેદાન મળી જશે. કાર્યક્રમમાં શહેર ભાજપ પ્રમુખ ઉમેશ સોની તેમજ ભીખુભા સોઢા, ઈજનેર નવઘણભાઈ, દિનેશ સોંલકી, રામજી પીરાણા, નિલેશ માલી, શહેર ભાજપ ઉપપ્રમુખ બળદેવ ગામોટ, વાલજી વાવિયા, મહામંત્રી મેહુલ જોશી વગેરે ઉપસ્થિત રહ્યા હતા.

અન્ય સમાચારો પણ છે...