રાજ્ય સરકાર દ્વારા જ્યોતિ ગ્રામ યોજના પળે ઘરોઘર વીજળી મળે તેના અનેક પ્રયાસો હાથ ધરાઈ રહ્યા છે તેવામાં રાપર તાલુકાના છેવાડાના ચકુવાંઢ માં વીજ જોડાણ મેળવવા માટે વખતો વખતની રજુઆતો છતાય કોઈ કાર્યવાહી ન થતા લોકોમાં આક્રોશ ભભુકી ઉઠયો છે. વળી શાળામાં જોડાણ ન હોવા છતાંય બીલ આવતું હોવાની રાવ ઉઠી છે. આ અંગે પીજીવીસીએલને કરાયેલી રજૂઆતમાં જણાવાયું હતું કે, તાલુકાના ગવરીપર તાબા હેઠળ આવતી વાંઢમાં વીજ જોડાણ ન મળતા લોકો ૧૮મી સદીમાં જીવતા હોય તેવું અનુભવી રહ્યા છે.
ગામની પ્રાથમિક શાળામાં લાઈટની સુવિધા ન હોવા છતાય ગ્રાહક નં. ૩૮૬૬૨ ૦૦૫૩૧/૦ સાથે લાઈટ બીલ આવે છે.વીજળીનું જોડાણ જ નથી તો વીજ બીલ કેમ આવે છે તેવા સવાલો ઉઠી રહ્યા છે. કોરોના કાળમાં ફરી ઓનલાઈન શિક્ષાની પધ્ધતિ શરૂ થઈ છે પરંતુ શાળામાં વીજ જોડાણ જ ન હોવાના કારણે બાળકો કોમ્પ્યુટર અને ઈન્ટરનેટ સેવાથી વંચિત રહે છે જેને કારણે તેમનું ભાવિ અંધકારમય બન્યું છે.
શાળા વ્યવસ્થાપન સમિતિ દ્વારા વીજ જોડાણ મેળવવા માટે અવાર નવાર મૌખિક અને લેખિત રજુઆત કરવામાં આવી છે પરંતુ આજદિન સુધી યોગ્ય કાર્યવાહી કરવામાં આવી ન હોવાનું પત્રમાં જણાવાયું હતું. વર્ષ ૨૦૧૬માં વીજ જોડાણ મેળવવા માટે જરૂરી રકમ પણ ભરપાઈ કરી દેવાઈ છે તેમ છતાંય આજ દિન સુધી વાંઢના અંધારા ઉલેચાયા નથી. દેવાભાઈ રાયમલ કોલી અને ૩૧ જેટલા અન્ય રહેવાસીઓની સહી સાથે કરાયેલી રજૂઆતમાં જો તાત્કાલિક વીજ જોડાણ નહીં અપાય તો ગાંધી ચીંધ્યા માર્ગે જવાની ચીમકી ઉચ્ચારાઇ હતી.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.