હાલાકી:સાંતલપુર-ઘડુલી માર્ગથી રાપરનો પ્રવાસન વિકાસ રૂંધાવાની ભીતિ

રાપર5 મહિનો પહેલા
  • કૉપી લિંક
  • ધોળાવીરા આવતા સહેલાણીઓ બાયપાસ નીકળી જશે

ભૂકંપ બાદ મોટા ભાગના કચ્છમાં વિકાસનો વાયરો ફૂંકાયો હતો પણ રાપરને તેનાથી જાણે 36 કિલો મીટરની દૂરી હોય તેમ ઉદ્યોગો સામખિયાળી અને લાકડિયા સુધી સીમિત રહ્યા છે. જો કે, ધોળાવીરા આવતા સહેલાણીઓ વાયા રાપરનો માર્ગ લેતા હોવાથી પ્રવાસન ક્ષેત્રે થોડો વિકાસ થયો. હવે સાંતલપુર-ઘડુલી માર્ગ બનતાં પ્રવાસન વિકાસ પણ રૂધાઇ જવાની ચિંતા લોકોને સતાવી રહી છે. ધરતીકંપે કચ્છની કાયા પલટ કરી નાખી છે અને છેલ્લા બે દાયકામાં ઔદ્યોગિક રીતે નોંધપાત્ર વિકાસ થયો છે પણ આ વિકાસ રાપરને સ્પર્શ્યો પણ નહીં કેમ કે, તાલુકા મથકથી 36 કિલો મીટરના અંતરે લાકડિયા સુધી જ ઉદ્યોગો આવ્યા છે. અલબત્ત તાલુકામાં નર્મદાના નીરે ખેતીને મોટો ફાયદો કરાવ્યો છે.

ધોળાવીરાને સરકારે વૈશ્વિક ધરોહર જાહેર કરતાં રાપરને પ્રવાસનની રીતે ફાયદો થશે તેવી આશા બંધાઇ હતી. એમાં પણ ચિત્રોડ-બાલાસર- ધોળાવીરાને નેશનલ હાઇવે બનાવવાની જાહેરાત થતાં રાપરવાસીઓને નગરની કાયાપલટ થશે તેવી આશા જાગી હતી. પણ સીધો ઘડુલી-સાંતલપુર કે ખાવડા-ખડીર રોડ બની જશે તો પ્રવાસીઓ રાપરને બાયપાસ કરીને નીકળી જશે. રાપરને પ્રવાસન ઉદ્યોગથી વળી 36 કિલો મીટરની દૂરી રહેશે કેમ કે, આ માર્ગ પણ રાપરથી બરાબર 36 કિલો મીટરના અંતરે આવેલા બાલાસરથી જ નીકળે છે. આમ રાપર અને વિકાસ વચ્ચે 36નો આંકડો જળવાઇ રહે છે.

એક પણ ઔદ્યોગિ એકમ ન ધરાવતા તાલુકામાં બેરોજગારીએ માઝા મૂકી છે અને ઉચ્ચ શિક્ષણની પણ પૂરતી સુવિધા નથી. આ બંને સમસ્યાનો સામનો કરતા અનેક લોકો રાપર અને પંથકના ગ્રામ્ય વિસ્તારને છોડી અન્ય સ્થાયી થયા છે. ધોળાવીરા સુધી રેલવે સેવા વાયા રાપર શરૂ કરાય તો થોડો ઘણો લાભ મળે તેમ છે. આ ઉપરાંત ચિત્રોડ-ધોળાવીરા માર્ગને ઝડપભેર બનાવાય તેવી માગ ઉઠી છે.

અન્ય સમાચારો પણ છે...