આક્ષેપ:રાપર પાલિકાની સા. સભામાં ચર્ચાયેલા મુદ્દા પત્રકમાં ફરી જતા હોવાનો આક્ષેપ

રાપર8 મહિનો પહેલા
  • કૉપી લિંક
  • ચીફ અોફિસરે માધ્યમોના પ્રતિનિધિઅો પર રોફ જમાવ્યો : અાવક, ખર્ચ, વરસાદી પાણીના નિકાલ સહિતના મુદ્દા ચર્ચાયા

રાપરમાં નગરપાલિકાની મળેલી સામાન્ય સભામાં જે-તે સભામાં ચર્ચાયેલા મુદ્દા પત્રકમાં ફરી જતા હોવાના ગંભીર અાક્ષેપો ઉઠ્યા હતા. પાલિકા પ્રમુખ અમરતબેન વી. વાવિયા, ઉપપ્રમુખ મહેશ્વરીબા સોઢાની હાજરીમાં સામાન્ય સભા મળી હતી, જેમાં સફાઈ કર્મચારીઓની ભરતી પસંદગીની સમિતિની રચના, ફાયર ભરતીના નિયમો મંજૂર કરવા, જન્મ-મરણના સબ રજિસ્ટારની દરખાસ્ત, જાન્યુઆરી-21થી માર્ચ-21 સુધીની આવક, ખર્ચ, વાર્ષિક ભાવો, વિવેકાધીન ગ્રાન્ટોના ટેન્ડરોને બહાલી અપાઈ હતી. પાલિકા સદસ્ય મુરજી પરમારે લેખિત મુદ્દાઓને બહાલી અપાયા છતાં ચીફ ઓફિસર કે, અન્યના કહેવાથી મુકેલા મુદ્દાઓ પત્રકોમાં ફરી જતા હોવાના આક્ષેપો કર્યા હતાં, જેને બીજા સદસ્યોઅે પણ ટેકો અાપી કહ્યું હતું કે, સામાન્ય સભામાં બહાલીઓ તો અપાય છે છતાં ધાર્યું તો અધિકારીઓનું થાય છે. સભામાં દર વખતે ચોમાસા દરમિયાન ભરાતા વરસાદી પાણીના નિકાલ મુદ્દે વિચાર-વિમર્શ કરાયો હતો.

સામાન્ય સભામાં પાલિકા પ્રમુખ અને તેમના મળતિયાઓની સૂચના મુજબ ચીફ ઓફિસરે કલેકટર અને પ્રાંત અધિકારીનો હવાલો અાપી પત્રકારોને બહાર જવાનું કહ્યું હતું. જો કે, અા મામલો ઉગ્ર બનતા અંતે ચીફ ઓફિસરની બોલતી બંધ થઈ ગઈ હતી. સામાન્ય સભામાં કારોબારી ચેરમેન કાનીબેન કોલી, શાસક પક્ષના નેતા હેતલબેન માલી, હઠુભા સોઢા, બળવંત ઠક્કર, શૈલેષ શાહ, પુંજાભાઈ ચૌધરી, દિનેશ, મુરજી પરમાર, પ્રવીણ ઠક્કર, સકીનાબેન રાઉમા, નીલમબા ગિરિરાજસિંહ વાઘેલા, મહેશ સુથાર, દિનેશ સોંલકી વગેરે હાજર રહ્યા હતા.

ગેલીવાડી વિસ્તારનો પાણી નિકાલનો મુદ્દો કોઇઅે ન ઉઠાવ્યો
શહેરના ગેલીવાડી વિસ્તારમાં 40 લાખના ખર્ચે ગેરકાયદેસર પ્લોટમાં નાળું પાલિકાઅે બનાવ્યું છે પરંતુ અહીં પાણી ભરાવાની સમસ્યા યથાવત રહી છે, કારણ કે, પ્લોટના માલિકે અા નાળું જ માટી નાખી પૂરી દીધું છે. અા મહત્વના પ્રશ્ને ભાજપ કે, કોંગ્રેસી સદસ્યોઅે ઉલ્લેખ સુધા કર્યો ન હતો.

અન્ય સમાચારો પણ છે...