તાજેતરમાં એવું તારણ સામે આવ્યું હતું કે કચ્છ જિલ્લો શિક્ષણમાં પછાત જિલ્લો છે,કારણકે જોવા જઈએ તો શાળામાં ઓરડાથી માંડી શિક્ષકોની કમી છે અરે ગ્રામીણ વિસ્તારોમાં સરકારી શાળાઓ ખંડેર જેવી બની ગઈ છે જેના કારણે અભ્યાસ કરતા વિદ્યાર્થીઓ પર જીવનું જોખમ ઝળુંબી રહ્યું છે.
સરહદી કચ્છ જિલ્લો ભૂકંપ ઝોન-5માં સમાવિષ્ટ છે તેમાં પણ વાગડ વિસ્તારમાં તો ભૂકંપના કંપનો રોજિંદા બની ગયા છે દરરોજ ભૂકંપના આંચકા આવી રહ્યા છે જેનો સામનો કરવા માટે મજબૂત બાંધકામ જોઈએ પણ અહીંયા તો બાંધકામ જ ખખડી ગયા છે,જેથી મોટો આંચકો આવે તો આવી જર્જરિત શાળા ધબાય:નમઃ થાય તેવી ભીતિ સેવાઈ છે.
કચ્છના ઘણા ગામોમાં સરકારી પ્રાથમિક શાળાઓ તેમજ માધ્યમિક - ઉચ્ચતર માધ્યમિક હાઈસ્કુલના બિલ્ડીંગ જોખમી હાલતમાં છે.ભૂકંપમાં શાળાની બિલ્ડીંગો જર્જરીત થયા બાદ કેટલીક શાળાઓને માત્ર મરંમત કરી મુકી દેવાઈ છે પરિણામે આવી શાળામાં અભ્યાસ કરતા બાળકો પર હંમેશા જીવનું જોખમ રહે છે ખરેખર તો આ જર્જરીત શાળાઓને તોડી પાડીને નવેસરથી બાંધકામ કરવામાં આવે તે સમયની માંગ છે.અહીં વાત કરવી છે,રાપર તાલુકામાં પલાંસવા ગામે આવેલ સરકારી શાળાની કે જે હાલમાં જર્જરીત હાલતમાં છે.
અત્યારે અહીં ધોરણ 9 થી 12 ના અંદાજે 400 વિદ્યાર્થીઓ અભ્યાસ કરે છે પણ શાળા ના ઓરડાની છત પરથી પોપડા ખરે છે બાંધકામમાં સળિયા દેખાય છે,પ્લાસ્ટર તો ગાયબ જ થઈ ગયું છે છત પરથી ગમે ત્યારે સિમેન્ટના પોપડા પડી શકે તેવી હાલતમાં શિક્ષકો અભ્યાસ કરાવે છે અને બાળકો ભણે છે.જેથી તાકીદે શાળાની નવી ઈમારત ઉભી કરવામાં આવે તેવી માંગણી ઉઠવા પામી છે.
પલાંસવાની શાળાનું બાંધકામ 32 વર્ષ પહેલા કરાયું હતું
પલાંસવાની આ સરકારી હાઈસ્કુલનું બિલ્ડીંગ ૩૨ વર્ષ પહેલા કરવામાં આવ્યું હતું. 2001ના ભૂકંપમાં પલાંસવાની હાઈસ્કુલ જર્જરીત થઈ હતી ત્યારબાદ મરંમતની કામગીરી કરાઈ હશે પરંતુ વર્તમાનમાં શાળાની હાલત જોતા ભવિષ્યમાં ગમે ત્યારે વિદ્યાર્થીઓ પર જોખમ સર્જાઈ શકે તેવી ભીતિ સેવાઇ રહી છે.
હાલમાં શાળાના ૧૨ જેટલા ઓરડાઓની હાલત ખંડેર જેવી છે. પલાંસવા સરકારી હાઈસ્કુલ નવી બને તે માટે શાળા કક્ષાએથી ડીઈઓ કચેરી સુધી રજુઆત કરાઈ હતી ત્યારબાદ ડીઈઓ દ્વારા નવી સ્કૂલની ફાઈલ ગાંધીનગર મોકલાઈ હતી જોકે છેલ્લા ત્રણ વર્ષથી ગાંધીનગરથી મંજુરીની મહોર મરાતી નથી જેના કારણે પલાંસવા સહિત આસપાસના ગામોના વિદ્યાર્થીઓને આ જર્જરીત હાઈસ્કુલમાં ભણવાની ફરજ પડી છે.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.