ભાદરવે ભયો ભયો:જિલ્લામાં ઠેર-ઠેર આંખને ઠંડક આપતા દ્રશ્યો, ભારે ઉકળાટ વચ્ચે રાપર તાલુકામાં સતત પાંચમા દિવસે મેઘાની હાજરી

રાપરએક મહિનો પહેલા
  • કૉપી લિંક

ભચાઉમાં બપોરે 2થી 4માં 11 અને રાત્રે 9 વાગ્યા બાદ વધુ 31 મળીને 42 મીલિ મીટર એટલે કે દોઢ ઇંચ કરતા વધુ કાચું સોનું વરસ્યું હતું. તાલુકાના છાડવાડા, આમલીયારા, જંગી વાઢિયા, શિકારપુર, સામખિયાળી, લલિયાણા, સુરજબારી, નવા જુના કટારીયા, લઘઘીર ગઢ, ગોડપર, મોડપર, લખાસરી સહીત કાંઠાળ પટ્ટીના ગામોમાં દોઢ કલાકમાં બે ઈંચ જેટલો વરસાદ પડી જતા પાણી પાણી થઇ ગયું હતું. તળાવોમાં નવા નીરની આવક શરૂ થઇ હતી. ભચાઉ ભાજપ લઘુમતી મોરચાના પ્રમુખ અબ્દુલ રાઉમાએ જણાવ્યું હતું કે,સાંજે 6.30થી 8. 00. કલાક સુધી દોઢ કલાકમાં ભારે ગાજવીજ સાથે બે ઈંચ જેટલો વરસાદ પડી ગયો હતો. શિકારપુરથી ફારૂક હાજી ત્રાયાએ ભોટા ભાગના ડેમો ઓગની જવાની આશા દર્શાવી હતી.

ભારે ઉકળાટ વચ્ચે રાપર તાલુકામાં સતત પાંચમા દિવસે મેઘાની હાજરી
રાપરમા દિવસ દરમિયાન ભારે ગરમી બાદ રાતના સાડા આઠ વાગ્યાના અરસામાં જોરદાર વરસાદ ની હેલી ચાલુ થઈ હતી. પંથકમાં સતત પાંચમા દિવસે ભારે ઝાપટા થી દોઢ ઇંચ વરસાદ પડ્યો હતો. તાલુકાના આડેસર વિસ્તારમાં સાંજે સાડા પાંચ વાગ્યાથી વરસાદની તોફાની ઇનિંગ શરૂ થતા લગભગ દોઢ કલાકમા અંદાજે એક ઇંચ જેટલું પાણી પડ્યું હતું. ગાગોદર, કીડિયાનગર, સાંય, પલાસવા સહિતના ગામોમાં સાંજે એકથી દોઢ ઇંચ વરસ્યો હતો. વરસાદના કારણે માર્ગો પર પાણી વહી નીકળ્યા હોવાનું ગાગોદરના સવજી ઇસારિયાએ જણાવ્યું હતું. ભીમાસર, ફતેગઢ, પ્રાગપર, મોટી રવ, રવેચી મંદિર, નંદાસર, જેસડા, ત્રંબો, રામવાવ પટી, પ્રાથળ વિસ્તારના કેટલાંક ગામોમા પણ ભારે વરસાદી ઝાપટા પડ્યા હતાં. બાદરગઢ, નીલપર, ડાંભુડા, વગેરે વિસ્તારમા એક ઇંચ ઉપર વરસાદ દિવસ દરમિયાન પડ્યાનુ સ્થાનિકો એ જણાવ્યું હતું. ગાગોદરમાં સાંજે અને રાત્રે ભારે ઝાપટા સાથે અડધો ઇંચ કરતાં વધુ પાણી વરસ્યું હતું.

નખત્રાણા પંથકના વાડી વિસ્તારોમાં પાણી ભરાયા
વિથોણ પંથકમાં બપોર બાદ પડેલા વરસાદના કારણે વાડી વિસ્તારમાં ભરાયેલા પાણી થોડા સમયમાં ઓસરી ગયા હતા.તળાવમાં ચારે મહિના ચાલે તેટલા નવા નીર આવ્યા હતા. નાના મોટા ધાવડા, નાના મોટા અંગીયા, લક્ષ્મીપર, દેવપર, યક્ષ, સાયરા, સાંગનારા,દેવીસર, ચાવડકા સહિતના ગ્રામ્ય વિસ્તારમાં સાંજે પાંચ વાગ્યાના અરસામાં અડધો કલાક જોરદાર ઝાપટું આવતા શેરીઓમાંથી પાણી વહી નીકળ્યાં હતાં. પાવર પટ્ટીના ગામોમાં દિવસભર ગરમી અને ઉકળાટ અનુભવાયો હતો. સાંજે નિરોણા, હરીપુરા, અમરગઢ, ઓરીરામા વરસાદી ઝાપટા પડ્યા હતા. દક્ષિણ તરફ આવેલા ડુંગરાળ વિસ્તારમા ભારે વરસાદના કારણે નિરોણા-ભુજ માર્ગ પર પાણી ફરી વળ્યા હતા.

મુન્દ્રા શહેર અને તાલુકાના ગ્રામ્ય વિસ્તારોમા સમયાંતરે વરસતો રહ્યો
મુન્દ્રામા ગત રાત્રિએ ધીમીધારે તબક્કાવાર ચાલુ રહેલો વરસાદ મંગળવારની મોડી સાંજે છ વાગ્યા સુધી જારી રહેતા એક ઇંચ પાણી વરસી ગયું હતું. મામલતદાર ઓફિસ ખાતે મોડી સાંજ સુધી 26 મિમી તેમજ મોસમનો કુલ્લ 370 મિમી વરસાદ નોંધાયો હતો. બેરાજા, બાબીયા, પ્રાગપર, સમાઘોઘા, ભદ્રેશ્વર, વડાલા, લુણી, ભુજપર, દેશલપર, ઝરપરા, કપાયા, બોરાણા, નવીનાળ ખાતે ઝરમરિયા રૂપે સરેરાશ એકથી દોઢ ઇંચ વરસાદ પડ્યો હતો.

અન્ય સમાચારો પણ છે...