તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

ચકચાર:ખડીરમાં વીજ કર્મચારીઓનું અપહરણ, પણ ફોજદારી નહીં !

રાપરએક મહિનો પહેલા
 • કૉપી લિંક
 • ગેટકો-PGVCLના કર્મીઓને ધોળાવીરાના રિસોર્ટમાં આખી રાત ગોંધી રખાયા
 • માથાભારે તત્વોએ સબસ્ટેશનનો પાવર કાપતા પંથકમાં અંધારપટ છવાયો

વાગડ વિસ્તારના અમરાપરના વીજ સબ સ્ટેશનમાં મોડી રાત્રે ઘૂસેલા માથાભારે લોકોએ PGVCL અને ગેટકોના કર્મચારીઓનું અપહરણ કરી ધોળાવીરા ખાતે આવેલા રિસોર્ટમાં લઇ ગયા હતા જ્યાં આખી રાત ગોંધી રાખનીને માર મરાતાં ચકચાર મચી ગઇ હતી. આ બનાવ માટે કોઇ ફરિયાદ માટે આગળ ન આવતાં ચર્ચાઓએ જોર પકડ્યું હતું.

ભચાઉ તાલુકાના અમરાપર વીજ સબસ્ટેશનમાં સોમવારે રાતના 12 વાગ્યા બાદ ઘૂસેલા કેટલાક અસામાજિક તત્વો દ્વ્રારા સબસ્ટેશનમાંથી સમગ્ર ખડીર પંથકનો વીજ પુરવઠો બંધ કરીને કર્મચારીઓને બળજબરી પૂર્વક કારમાં બેસાડીને ધોળાવીરા ખાતે એક રાજકીય આગેવાનના રિસોર્ટમાં ગોંધી રાખ્યા હતા. કર્મચારીઓને મૂઢમાર માર્યાની કબૂલાત કરતો વીડિયો વાયરલ થતા ખળભળાટ સાથે ચકચાર મચી હતી. વીડિયોમાં જણાવ્યા અનુસાર ગેટકોના એક કર્મચારીના કોઈ સ્નેહીનો ફોન આવતાં તેમને અડધી રાતે જ રિસોર્ટ માંથી છોડી દેવાયા હતાં જ્યારે PGVCLના કર્મીઓને સવારે મુક્ત કરાયા હતા.

વીડિયોમાં જણાવાયા મુજબ ખડીરના એક રાજકીય આગેવાનના માણસો આઈ ટ્વેન્ટી કારમાં આવીને અપહરણ કરી ગયા હતા તે પૂર્વે જ્યોતિ ગ્રામ ફીડર બંધ કરી દેતાં સરહદે આવેલાં ગામોમાં આખી રાત વીજ પુરવઠો ઠપ રહ્યો હતો. જોકે આ પ્રકરણમાં રાજકીય આગેવાનો સંડોવાયેલા હોવાનાં કારણે પોલીસ, ગેટકો કે પીજીવીસીએલના કર્મચારીઓએ કોઈ ખાસ ફોડ પાડ્યો ન હતો.

સમગ્ર બનાવને ઉજાગર કરતો વીડિયો સોશિયલ મીડિયામાં વાયરલ થયા બાદ પણ ફરિયાદ નોંધાવવાની કાર્યવાહી હાથ ધરાશે કે નહીં એ પણ ચર્ચાનો વિષય બન્યો હતો. ધોળાવીરાના ગેરકાયદેવીજ કનેકશનોમાં પાવર ઓછો આવતો હોવાની રજુઆત કરવા આવેલા અસામાજિક તત્વોએ સમગ્ર ખડીરનો વીજ પુરવઠો આખી રાત ઠપ કર્યો હતો જે અધિકારીઓની વિનવણીના કારણે સવારે પૂર્વવત કરાયો હતો.

પોલીસમાં ફરિયાદ કરાશે: ના. ઇજનેર-રાપર
રાપર પીજીવીસીએલના નાયબ કાર્યપાલક ઈજનેર રાજેન્દ્ર શર્માએ જણાવ્યું હતું કે અમારા કર્મચારીઓનું અપહરણ થયું ન હતું પણ એવુંજ કાંઈક કરાયું હતું. ધોળાવીરામાં ગેરકાયદેસર વીજ વપરાશના કારણે સરપંચ દ્વ્રારા તેમનાં માણસો મોકલીને કર્મચારીઓને રીપેરીંગ કરવા રાત્રે લઈ ગયા હતા જેમને સવારે મુક્ત કર્યા હતા. આ લોકોએ બળજબરી પૂર્વક વીજ પુરવઠો બંધ કર્યો હતો. મારામારી અને ફરિયાદ વિશે પૂછતાં તેમણે જણાવ્યું હતું કે ખડીર પોલીસ મથકે ફરિયાદ નોંધાવાની કાર્યવાહી ચાલુ છે.

PGVCL કર્મીઓનું અપહરણ થયું : ગેટકો
ગેટકોના જુનિયર ઈજનેર એમ. એમ. વર્માએ ઘટનાને સમર્થન આપતાં જણાવ્યું હતું કે પીજીવીસીએલના કર્મચારીઓનું અપહરણ થયું હતું જ્યારે ગેટકોના કર્મચારીઓને ખાલી ધમકીઓ આપીને રાત્રે ફીડર બંધ કરી નખાયા હતા. PGVCLના કર્મચારીઓ પોલીસ મથકે પણ ગયા હતા તેમ જણાવ્યું હતું.

કોઇનું અપહરણ નથી થયું : કા. ઇજનેર-ભચાઉ
આ બાબતે પીજીવીસીએલ ભચાઉના કાર્યપાલક ઈજનેર પટેલને પૂછતાં તેમણે પીજીવીસીએલના કર્મચારીઓના અપહરણની વાતને સમર્થન આપ્યું ન હતું પણ આસમાજિક તત્વો દ્વ્રારા ગત રાત્રે વીજ પુરવઠો બળજબરી પૂર્વક બંધ કરી દેવાયો હતો જે વહેલી સવારે ચાલુ કરી દેવાયોહતો તેમ જણાવ્યું હતું. અપહરણ અંગેની કોઇ ફરિયાદ કે વિગતો તેમની પાસે આવી નથી તેમ તેમણે ઉમેર્યું હતું.

ખડીરના PIએ બનાવ વિશે અજાણતા દર્શાવી
રાપર પીજીવીસીએલના નાયબ કાર્યપાલક ઇજનેરે કર્મચારીઓને માર મરાયો હોવાની વાતને સમર્થન આપતાં ખડીર પોલીસ મથકે ફરિયાદ નોંધાવવાની તજવીજ ચાલુ છે તેમ કહ્યું હતું જ્યારે તેની વિપરીત પોલીસ ઇન્સપેક્ટરે સમગ્ર બાબતે અજાણતા વ્યક્ત કરી હતી. ખડીર પીએસઆઈ એમ. એસ. પરમારનો સંપર્ક સાધતાં તેમણે આવી કોઇ ઘટનાને સમર્થન આપ્યું ન હતું અને જણાવ્યું હતું કે આવી કોઈ ઘટના પોલીસ મથકે આવી નથી. કોઈ વીડિયો ક્લીપ પણ તેમની પાસે આવી નથી તેમ કહ્યું હતું.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- આજે આર્થિક યોજનાઓને ફળીભૂત કરવાનો યોગ્ય સમય છે. સંપૂર્ણ આત્મવિશ્વાસ સાથે તમારી ક્ષમતા પ્રમાણે કામ કરો. જમીનને લગતી ખરીદદારી કે વેચાણનું કામ પૂર્ણ થઇ શકે છે. વિદ્યાર્થીઓને કરિયરને લગતી કોઇ સમ...

  વધુ વાંચો