ખેડૂતો આનંદો:દોઢ મહિનાથી કોરી કચ્છની કેનાલમાં નર્મદાના સિંચાઇના પાણી છોડાશે

રાપરએક મહિનો પહેલા
  • કૉપી લિંક
  • સલીમગઢથી 1600 ક્યૂસેક પાણી છોડાશે, રવિ કે સોમવારે વાગડ પહોંચશે

કચ્છની જીવાદોરી સમાન નર્મદા કેનાલમા છેલ્લા દોઢ માસથી સિંચાઇનું પાણી ન છોડાતાં રાપર અને ભચાઉ તાલુકાના ખેડૂતોએ રાજકીય અગ્રણીઓ અને નર્મદાના અધિકારીઓ સમક્ષ થોકબંધ રજુઆતો કરતાં આખરે રાજ્ય સરકાર દ્વારા સલીમગઢથી કચ્છ માટે 1600 ક્યુસેક પાણી છોડાયાના અહેવાલો મળી રહ્યા છે. રાધનપુર, સાંતલપુરમા પાણી પ્રથમ પહોંચશે ત્યાર બાદ કચ્છમાં રવિ કે સોમવારે પહોંચે તેવી સંભાવના છે. આ સંજોગોમાં 1600 પૈકીનું અડધું નીર વાગડમાં પહોંચે તેવું હાલના તબક્કે જણાઈ રહ્યું છે.

નેતાઓથી લઈને અધિકારીઓ સુધી ભારતીય કિસાન સંઘ અને સ્થાનિક ખેડૂતોએ જોરદાર રજુઆત કરી હતી પણ તેનો સીધો લાભ રાધનપુર અને સાંતલપુર તાલુકાને મળશે પછી રાપર ભચાઉ ને પાણી મળશે. કિસાન સંઘ ભચાઉના પ્રમુખ ડાયાભાઈ આહીર, રાપર તાલુકા કિસાન સંઘના પ્રમુખ કરશન આહીર, મંત્રી કુંભાભાઈ ચાવડા, કાંયાભાઈ આહીર, છગનભાઇ પરડવા, શામજીભાઈ ભૂત વગેરેએ પૂર્વ ધારાસભ્ય પંકજ મહેતા અને નિમાબેન આચાર્ય તેમજ નર્મદાના અધિકારીઓને નર્મદા પાણી છોડવા ભારપૂર્વક રજૂઆત કરી હતી.

રાપરના ધારાસભ્ય સાંતકબેન આરેઠીયાએ પણ માગ કરી હતી જે સંતોષાતાં આગામી શિયાળુ મોસમમાં ઘઉં, જીરું, રાયડો, એરંડા વગેરે પાક લેવા માટે ખેડૂતોને રાહત થશે. કેનાલમા પાણી છોડાતા પૂર્વ ધારાસભ્યે નર્મદા નિગમના મુખ્ય ઈજનેર રાવનો આભાર વ્યક્ત કર્યો હતો.

રાપર નગરપાલિકા દોઢ મહિને જાગી
રાપરમા છેલ્લા દોઢ મહિનાથી કેનાલમા પડતર નર્મદાનું ખારું પાણી શહેરના લોકોને વિતરીત કરાઇ રહ્યું છે જેના કારણે પાણીજન્ય બીમારી વધી છે. નગાસર તળાવને પણ સફાઈના બહાના હેઠળ ખાલી કરી નાખતા પેય જળ માટે કોઇ સ્રોત ન રહેતાં આખા શહેરમા હાલ ફિલ્ટર વગરનુ ડોહળા પાણીનુ વિતરણ થઈ રહ્યું છે. દરમિયાન ચીફ ઓફિસરે સોશિયલ મીડિયામાં સંદેશો વહેતો મૂકીને રવિવાર કે સોમવારે કેનાલ ચાલુ થશે એટલે નિયમિત પાણી અપાશે તેમ જણાવતાં કરકસર પૂર્વક ઉપયોગ કરવા અનુરોધ કર્યો હતો. દોઢ મહિનાથી કેનાલ બંધ હતી ત્યારે પાણી બગાડવાના મેસેજ કેમ ન મુકાયા તેવો સવાલ જાગૃત લોકો કરી રહ્યા છે.

વધુ માત્રામાં પાણી છોડાય તો રાહત થાય
આ પાણીમાંથી કોઈ મોટા ડેમ કે તળાવો ભરવાની સૂચના હજી સુધી નથી. જો ડેમો, તળાવો ભરાય તો આગામી શિયાળુ પાક ખેડૂતો આરામથી લઈ શકે તેમ છે. પાછોતરા વરસાદમા ક્યાંક ભારે અને ક્યાંક થોડોક વરસાદ પડતાં ચોમાસુ પાક તો વાગડ વિસ્તારમા મોટાભાગે નિષ્ફળ જ ગયો છે ત્યારે નર્મદાના નીર જ એકમાત્ર ઉપાય હોવાથીવધુ માત્રામા પાણી છોડાય અને પાણીચોરી થતી અટકાવય તો સાચો લાભ મળી શકે તેવું ખેડૂત વર્ગ જણાવી રહ્યો છે.

અન્ય સમાચારો પણ છે...