તંત્રની ઘોર બેદરકારી:રાપરમાં આરોગ્ય ખાતાએ લક્ષ્યાંક પૂરો કરવા મૃત વ્યક્તિને કોરોના વિરોધી ડોઝ આપી દીધો

રાપર14 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • બીજી લહેરમાં સારવાર દરમ્યાન મૃત્યુ પામેલા દર્દીએ બીજો ડોઝ લઇ લીધાનો આવ્યો સંદેશો

કોરોના વિરોધી રસીકરણ માટેનો લક્ષ્યાંક પૂર્ણ કરવા માટે બીજો ડોઝ લીધો ન હોવા છતાં પણ ઘણા લોકોને મેસેજ આવ્યા હતા તે વચ્ચે રાપરમાં આરોગ્ય તંત્રએ મૃત વ્યક્તિને રસીનો બીજો ડોઝ આપી દીધાનું બહાર આવ્યું છે.

રાપર તાલુકામાં તાલુકા આરોગ્ય કચેરી દ્વારા કોરોના વેક્સિન આપવાના લાક્ષ્યાંકને પૂરો કરવા માટે આઠ મહિના અગાઉ મૃત પામેલી વ્યક્તિને રસીનો બીજો ડોઝ આપ્યાનું પ્રમાણપત્ર આપી દેતાં ચકચાર મચી હતી. પ્રાપ્ત વિગતો અનુસાર રાપરના વાઘેલાવાસ ખાતે રહેતા નાદિર સદરૂદિનભાઈ રૈયાણી કોરોના વિરોધી રસીનો પહેલો ડોઝ લીધા બાદ તા.11/4/2021ના મૃત્યુ પામ્યા હતાં, જેનું મરણ અંગેનું પ્રમાણપત્ર પણ પરિવારજનોએ કઢાવી લીધું હતું. જો કે ત્યારબાદ અચાનક ગત તા.21/12/2021ના તેમના નંબર ઉપર પરિવારજનોને નાદીરભાઈ રૈયાણીએ કોવિડ વિરોધી રસીનો બીજો ડોઝ લઇ લીધાનો મેસેજ આવતા પરિવારજનો પણ ચોંકી ગયા હતા કે, નાદિરભાઈ રૈયાણી એ શું જન્નતમાં બીજો ડોઝ લીધો હશે.

આરોગ્ય ખાતાની બેદરકારી સામે આવતા ખુદ અધિકારીઓ, કર્મચારીઓ પણ ઢાંક પીછોડો કરતાં નજરે પડ્યા હતા. રસીકરણનો લક્ષ્યાંક પૂરો કરવા માટે આરોગ્ય વિભાગ ઊંધા માથે છે, જેથી પ્રજાને ભોગવાનો વારો આવે છે. આ રીતે કેટલીય મૃત વ્યક્તિઓને પહેલો અને બીજો ડોઝ અપાઈ ગયો હશે જો સચોટ આંકડા કઢાવીને યોગ્ય કડક તપાસ હાથ ધરાય તો રસીકરણની અનેક ગરબડો બહાર આવે તેમ છે.

રસી લઇ લેવા 5 મહિના સુધી આવ્યા તંત્રના ફોન મૃતક નાદિરભાઈ રૈયાણીના સાળા રિંકુભાઇ ખોજાએ જણાવ્યું હતું કે, તેમના બનેવી પ્રથમ ડોઝ લીધા બાદ મહિનામાં જ કોરોનાની સારવાર દરમ્યાન મૃત્યુ પામ્યા હતા અને તેમની કોરોના મૃત સહાય પણ આવી ગઈ છે. જો કે તેમના મૃત્યુ થયા બાદ પણ તાલુકા આરોગ્ય તંત્રમાંથી રસીનો બીજો ડોઝ લઇ લેવા માટે સતત 5 મહિના સુધી ફોન આવ્યા હતા.

ફોનમાં જ નાદિરભાઇ મૃત્યુ પામ્યા હોવાનું કહેવા છતાં પણ ફોન આવતા રહ્યા અને 21/12/2021ના તેમના નંબર પર રસીનો બીજો ડોઝ લઇ લીધાનો મેસેજ આવ્યો હતો. આ બાબતે તાલુકા આરોગ્ય તંત્રના જવાબદાર અધિકારીનો સંપર્ક સાધતાં તેમણે ફોન રિસીવ કરવાની તસ્દી લીધી ન હતી.

અન્ય સમાચારો પણ છે...