માનવ મહેરામણ:રવેચી માતાજીનો મેળો રદ થયો હોવા છતાં પણ બહોળી સંખ્યામાં ભાવિકો દર્શન માટે ઉમટ્યા

રાપરએક મહિનો પહેલા
  • કૉપી લિંક

વાગડ વિસ્તારની કુળદેવી આઈ રવેચી માતાજીના પ્રાગટ્ય દિવસ ભાદરવા સુદ આઠમના ઐતિહાસિક રવેચી માતાજીના મંદિરે દર્શન માટે માનવ મહેરામણ ઉમટી પડ્યું હતું. જેમાં પૂર્વ રાત્રીએ યોજાયેલા દેશી ભજનના કાર્યક્રમમાં સમરથસિંહ સોઢા અને બાબુભાઇ આહિરે સંતવાણી યોજી હતી. જેમાં 1.30 લાખની જેટલી ઘોર થઈ હતી. સતત બે વર્ષથી મેળો રદ હોવાં છતાંય શ્રદ્ધાળુઓ પગપાળા અને સાધનો મારફતે માતાજીના દર્શને કચ્છ, મુંબઈ, બેંગ્લોર સહિત રાજ્યના વિવિધ વિસ્તારોમાંથી બહોળી સંખ્યામાં આવ્યા હતા. જેમની વ્યવસ્થા રવેચી જાગીરના મહંત ગંગાગીરીજી બાપુ અને માતાજીના સેવકોએ કરી હતી.

દર્શનાર્થીઓને માતાજીના દર્શન સહેલાઇથી થઈ શકે તે માટે મોટી રવ, નાની રવ, જેસડા, ત્રંબોના ગુલાબસિંહ જાડેજા, હનુભા જાડેજા, રજનીકસિંહ, રાજુભા ભાટી વગેરે સહિત રવેચી યુવક મંડળના યુવાનોએ વિશેષ જહેમત ઉઠાવી હતી. મેળા નિમિતે કોઈ અવ્યવસ્થા ના સર્જાય તે માટે મોટી રવ જિ.પં. સદસ્ય રાજુભા જાડેજા, તા.પં.સદસ્ય શક્તિસિંહ જાડેજા, ઘનુભા જાડેજા, નરપતસિંહ જાડેજા, ગોડજી ભાટી, કિરીટસિંહ જાડેજા, રાપર પી.આઇ. પી.એન. જિંઝુવાડિયા, બાલાસર પીએસઆઈ આર.ડી. ગઢવી વગેરેએ ધ્યાન આપ્યું હતું.

વાગડ-મુંબઈના ઓસવાળ જૈન સમાજના અગ્રણીઓ જોડાયા હતાં અને સેવકોએ વિવિધ કેમ્પોનું આયોજન કર્યું હતું. મેળો રદ થયો હોવા છતાં પણ ખાણીપીણી અને નાના ધંધાર્થીઓને સારી કમાણી થઈ હતી.

રાપરના એસટી તંત્રે વધારાની બસ ફાળવી નહીં
દર વર્ષે યોજાતા રવેચી માતાજીના મેળા દરમિયાન રાપર એસ.ટી. તંત્ર લાખોની કમાણી કરતું હોય છે. આ વખતે કોરોના અને મેળો રદ હોવાના બહાના હેઠળ તંત્ર જવાબદારીથી ચૂક્યું હતું અને એક પણ વધારાની બસ માતાજીના મંદિરે જવા માટે ચલાવી ન હતી. જેમાં કારણે દૂર દૂરથી આવેલા પ્રવાસીઓ રાપર બસ સ્ટેશનમાં ગરમીમાં પરેશાન થયા હતા અને ખાનગી વાહનોનો સહારો લેવો પડ્યો હતો.

અન્ય સમાચારો પણ છે...