પ્રદેશ પ્રમુખનો સપાટો:રાપર પાલિકાના સદસ્યોને સસ્પેન્ડ કરાતાં ભાજપની આબરૂના ધજગરા

રાપરએક વર્ષ પહેલા
  • કૉપી લિંક
  • પક્ષના મેન્ડેટ કોરાણે મૂકી કરાયેલી પાલિકાની ચૂંટણી નડી

રાપર નગરપાલિકામાં ભાજપ પક્ષે આપેલા મેન્ડેટને કોરાણે મૂકીને પોતાની મરજીથી પ્રમુખ- ઉપપ્રમુખ ચૂંટવા બદલ પ્રદેશ ભાજપ પ્રમુખે પોતાની પાર્ટીના જ 13 સદસ્યોને સસ્પેન્ડ કર્યાં છે, જેમાં વર્તમાન અને પૂર્વ પ્રમુખો-ઉપ પ્રમુખોનો સમાવેશ થાય છે.

ગતરોજ પાલિકાના પ્રમુખ-ઉપ પ્રમુખની અઢી વર્ષની ટર્મ પૂરી થતાં બે દિવસ અગાઉ ચૂંટણી યોજાઈ હતી, જેમાં કોંગ્રેસ તરફી જોક ધરાવતા ભાજપના અમૃતબેન વાવિયાના નામનો મેન્ડેટ આપ્યો હતો. જે હાલના ભાજપી સદસ્યોને કોઈ કારણોસર મંજુર ન હતું, જેના કારણે માત્ર કારોબારી ચેરમેન સિવાય કોઈ મેન્ડેટ વાળા ઉમેદવાર સાથે ન રહ્યા અને બળવો કરીને મહેશ્વરીબા સોઢાને પ્રમુખ ચૂંટી કાઢ્યાં અને જેનો દાખલો પણ યોજાયેલી ચૂંટણીમાં જોવાં મળ્યો અને મેન્ડેટ વાળા ઉમેદવારને કોંગ્રેસી સભ્યોએ ટેકો આપ્યો હતો. જો કે, મેન્ડેટ વાળાના સભ્યો ઓછા હોઈ બળવા ખોર સદસ્યોનો આખરે વિજય થયો હતો. આટલા સુધી ઘી ખીચડીમાં જ હતું પણ અચાનક પ્રદેશ પ્રમુખ પાટીલે આ 13 સદસ્યોને સસ્પેન્ડ કરતાં ખુદ સદસ્યો જ આશ્ચર્યચકિત થઈ ગયા હતાં કારણ કે, પાર્ટીની આબરૂ તે લોકોએ ઉડાવી સાથે બચાવી પણ હતી, નહિંતર ઉપપ્રમુખમાં આજે કોંગ્રેસનો કોઈ સદસ્ય હોત કારણ કે, બળવો થવાનો છે તે બને પાર્ટીના સદસ્યોને ખબર હતી અને મેન્ડેટ વાળા ઉમેદવારે પણ કોંગ્રેસી ઉપપ્રમુખને ટેકો આપે એમ હતા. ભાજપી સૂત્રો કહી રહ્યાં હતા કે, રાપરમાં પાટીદાર મહિલા પ્રમુખ ન થતા જ કેટલાક પાટીદાર આગેવાનો અને હોદેદારો નારાજ થઈને નીતિન પટેલ અને પ્રદેશ પ્રમુખને મળ્યાની પણ ચર્ચાઓ રાપરમાં વહેતી થઈ હતી અને જેનું જ પરિણામ કદાચ પ્રદેશ પ્રમુખ સી.આર. પાટીલ દ્વારા પાલિકા પ્રમુખ તરીકે ચૂંટાઈ આવેલા મહેશ્વરીબા જામસિંહ સોઢા, વર્તમાન ઉપપ્રમુખ પ્રવીણ દયારામ ઠક્કર, પૂર્વ પ્રમુખ ગંગાબેન રમેશ શિયારિયા, પૂર્વ ઉપપ્રમુખ હઠુભા રાણાજી સોઢા સહિત જાકબ રમજુ કુંભાર, શકીનાબેન લાલમામદ રાયમા, મુરજી રામજી પરમાર, નીલમબા ગિરિરાજસિંહ વાઘેલા, હેતલબેન નીલેશ માલી, શૈલેષકુમાર વનેચંદ શાહ, નરેન્દ્ર મોહનલાલ સોની, ધીંગાભાઈ ભાણાભાઈ પઢિયાર અને બળવંત વિશનજી ઠક્કરને સસ્પેન્ડ કરાયા છે.

ઉલ્લેખનીય છે કે, રાપર પાલિકામાં ભાજપના ચૂંટાયેલા સભ્યોની સંખ્યા 15 છે અને કોંગ્રેસના સભ્યોની સંખ્યા 13 છે. તો અઢી વર્ષ પહેલાં કોંગ્રેસને 10થી વધુ નગર સેવકો જિલ્લા ભાજપે જ બિનહરીફ કર્યા હતા જે હાલે અઢી વર્ષ બાદ ભાજપ પાર્ટીને જ નડ્યા હતાં અને પોતાના નગરસેવકોને બળવાખોર બનાવવા પણ મજબુર બનાવ્યા હતાં. તો એક સાથે 13 સદસ્યોને સસ્પેન્ડ કરાતાં રાપર તાલુકા ભાજપ અને શહેર ભાજપમાં સોંપો પડી ગયો હતો. મેન્ડેટ ઉમેદવાર અને પૂર્વ કારોબારી ચેરમેને પણ કોંગ્રેસ ઉપપ્રમુખને ટેકો આપ્યો હતો, જેથી તેને કેમ સસ્પેન્ડ ન કરાયાં તેવી પણ ચર્ચા ભાજપી સૂત્રોમાં ઉઠી હતી. તો કોંગ્રેસ પણ શું બે સદસ્યો વિરૂધ્ધ આવું કરશે એ સવાલો પણ લોકોના મનમાં ખડા થયા છે. સસ્પેન્ડ સદસ્યોને નથી કોઈ નોટિસ અપાઈ કે, નથી કોઈ ખુલાસો પુછાયો અને ડાયરેકટ સસ્પેન્ડ કરી નાખ્યા છે. આ અગાઉ પણ જિલ્લા સ્તરના આગેવાનો આવી બળવાખોર પ્રવુતિ કરી ચુક્યા છે જેઓનો ખુલાસો પૂછીને જતું પણ કરાયું છે છતાંય ભાજપના ગણ્યા ગાંઠ્યા આગેવાનો ગાંધીનગર જઇને પ્રદેશ પ્રમુખ મારફતે પોતાનું ધાર્યું કરાવ્યાની પણ ચર્ચાઓ રાપર ભાજપમાં ઉઠવા લાગી છે જેના કારણે થોડાં સમય અગાઉ તાલુકા ભાજપ અને શહેર ભાજપના હોદેદારોમાં જે હોદ્દાઓ માટે નારાજગી હતી તે વધુ મોટી બનશે અને આગામી દિવસોમાં કદાચ ભાજપના હોદેદારો જ રાજીનામા આપે તો નવાઈ નહીં તેવી ચર્ચાઓ પાર્ટીના કાર્યાલયમાં ઉઠી રહી છે.

અન્ય સમાચારો પણ છે...