રાપરમાં સામાન્ય બાબતે એક પરિવારના સભ્યો દ્વારા 2 યુવકો પર સશસ્ત્ર હુમલો કરવામાં આવતા એક યુવાનને છરીનો ઘા છાતીના ભાગે લાગતા ગંભીર સ્થિતિમાં તેને હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો હતો.
આ અંગે રાપર પોલીસ મથકેથી મળતી પ્રાથમિક માહિતી મુજબ આ બનાવ મંગળવારની રાત્રે 9 વાગ્યે બન્યો હતો. જેમાં માલિવાસમાં રહેતો 18 વર્ષીય ભાવિન ખેતા માલી પોતાના ઘર પાસે ઉભો હતો ત્યારે અગાઉ બાઈકથી આંટા મારવા મુદ્દે ઠપકો આપ્યા હોવાનું મનદુઃખ રાખીને સમાવાસમાં રહેતા મેહુલ અંબાવી ગોહિલ તથા તેની માતા જમુબેન અંબાવી ગોહિલ, નવીન અમરસી ગોહિલ તેના પિતા અમરસી ગોહિલે યુવાન પર સશસ્ત્ર હુમલો કર્યો હતો. જેમાં આરોપી મેહુલે છરી વડે યુવાનના છાતીના ભાગે જીવલેણ હુમલો કર્યો હતો.
આ બનાવમાં યુવાનને બચાવવા તેમના ફઈનો દીકરો કાનજીભાઈ મોહન માલી (ઉ.38) વચ્ચે પડતાં તેના પર પણ માથાના ભાગે લોખંડની ટામી વડે નવીન અંબાવી ગોહિલ હુમલો કર્યો હતો. તો અમરસી અને જમુબેન દ્વારા પણ બીજા હથિયારોથી વાર કરી ગંભીર રીતે ઘાયલ કરતાં બને યુવકોને પ્રથમ રાપર સરકારી હોસ્પિટલ ખાતે દાખલ કરાયા હતાં અને બાદમાં વધુ સારવાર માટે સામખિયાળી ખસેડવામાં આવ્યા હતા. જ્યાં ભાવિનની હાલત ગંભીર હોવાનું પોલીસ સૂત્રોએ ઉમેર્યું હતું.
આ બનાવ બાદ માલી સમાજના પ્રમુખ નિલેશભાઈ માલી, દિનેશભાઇ માલી, વાલજીભાઇ માલી, ખોડાભાઈ માલી, વિપુલ માલી, મહેશ માલી, કાંતિભાઈ માલી વગેરે મોટી સંખ્યામાં આગેવાનો રાપર સરકારી હોસ્પિટલ ખાતે પહોંચી આવ્યા હતાં. તો ઘટનાની ગંભીરતા જોતા રાપર પોલીસ તાત્કાલિક હોસ્પિટલ ખાતે દોડી આવીને ફરિયાદ લેવાની તજવીજ હાથ ધરી હતી.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.