હત્યા:કચ્છના રાપરમાં વકીલની માત્ર 10 સેકન્ડમાં છરીના ઘા ઝીંકી હત્યા, હુમલાખોર ફરાર, સમગ્ર ઘટના CCTVમાં કેદ

રાપરએક વર્ષ પહેલા
તસવીરમાં ડાબેથી લાલ ટીશર્ટમાં (સર્કલમાં) હત્યારો અને સફેદ શર્ટમાં (સર્કલમાં) આવતા વકીલ. લાલ ટીશર્ટમાં (સર્કલમાં) હત્યારો હુમલો કરી ફરાર અને સફેદ શર્ટમાં (સર્કલમાં) લોહીલુહાણ વકીલ CCTV ફૂટેજમાં નજરે પડે છે. - Divya Bhaskar
તસવીરમાં ડાબેથી લાલ ટીશર્ટમાં (સર્કલમાં) હત્યારો અને સફેદ શર્ટમાં (સર્કલમાં) આવતા વકીલ. લાલ ટીશર્ટમાં (સર્કલમાં) હત્યારો હુમલો કરી ફરાર અને સફેદ શર્ટમાં (સર્કલમાં) લોહીલુહાણ વકીલ CCTV ફૂટેજમાં નજરે પડે છે.
  • હત્યા પહેલા હુમલાખોરે મોબાઇલ એક દુકાનમાં ચાર્જિંગમાં મુક્યો અને CCTVમાં ઝડપાઇ ગયો
  • હુમલા બાદ આરોપી મોબાઇલ લેવા પણ ઉભો રહ્યો, પોલીસે તપાસ શરૂ કરી

કચ્છના રાપર શહેરમાં જ ધારાસભ્યના કાર્યાલય પાસે જ વકીલને સરા જાહેર રહેંસી નાખતા ચકચાર મચી હતી. પ્રાપ્ત વિગતો અનુસાર રાપરમાં આજે સમી સાંજે અગ્રણી વકીલ દેવજીભાઈ વીંછીયાભાઈ મહેશ્વરી (ઉ.વ 50) પર એક યુવાને છરીથી હુમલો કરીને નિર્મમ હત્યા નિપજાવી હતી. હુમલાની સમગ્ર ઘટના CCTVમાં કેદ થઇ હતી જેમાં વકીલ આવ્યા અને હુમલાખોર તેમની રાહ જોઇને જ ઉભો હતો. હુમલાખોર માત્ર 10 સેકન્ડમાં હુમલો કરી ફરાર થઇ ગયો હતો.

મૂળ લખપત તાલુકાના નરા ગામના વતની અને છેલ્લા 20 વર્ષથી વકીલાત કરતા અને બામસેફ જેવી સંસ્થાઓ સાથે સક્રિય રીતે જોડાયેલા અને ઇન્ડિયન લોયર એસોસિએશનના અધ્યક્ષ દેવજીભાઈ વીંછીયાં ભાઈ મહેશ્વરી સાંજે સાડા છના અરસામાં રાપર ધારાસભ્ય સંતોકબેન આરેઠીયાના કાર્યાલયની બાજુમાં ઓફિસ ધરાવતા હતા. જેઓ ઓફિસે જઇ રહ્યા હતા ત્યારે જ અગાઉની રણનીતિ મુજબ એક યુવાન છરી લઈને બહાર જ તેમની રાહ જોઈ રહ્યો હતો. જેવા દેવજીભાઈ ઓફીસના પગથિયાં ચડ્યાં કે હુમલાખોરે હુમલો કરીને લોહી લુહાણ કરી નાખ્યાં હતા અને આરોપીએ તેમના ઉપર છરીના ઉપરાછાપરી ઘા ઝીંકતાં તે લોહીથી લથબથ હાલતમાં ઢળી પડ્યાં હતા.

દેવજીભાઈને ઘાયલ હાલતમાં સરકારી હોસ્પિટલમાં ખસેડાયાં હતા પરંતુ તેમનું મોત નીપજ્યું હતું. હુમલો કરનાર શખ્સ CCTVમાં કેદ થયો હોવાનું સપાટી પર આવ્યું હતું. ઘટના અંગે જાણ થતાં રાપરના પોલીસ ઈન્સ્પેક્ટર જી.એલ.ચૌધરી સહિતનો કાફલો ઘટનાસ્થળે દોડી જઈ તપાસમાં પરોવાયો છે. હુમલાના આ બનાવે ભારે ચકચાર સર્જી છે.

હુમલા બાદ મોબાઇલ છોડીને ભાગ્યો હત્યારો
હુમલાખોરના મોબાઈલમાં ચાર્જિંગ ના હોવાનાં કારણે નજીક આવેલ પાઉભાજીની દુકાને મોબાઈલ ચાર્જિંગમાં રાખ્યો હતો. જે દરમિયાન તે દુકાનમાં લગાવેલ CCTVમાં કેદ થયો હતો. જોકે હુમલો કરીને તે મોબાઈલ લેવા ઉભો રહ્યો ના હતો જેના કારણે પોલીસ મોબાઈલ અને તેની સાથે રહેલ ડ્રાઇવિંગ લાયસન્સના આધારે તપાસ કરી રહી છે.

ઘટનાને પગલે વકીલ એસોસિએશન સરકારી હોસ્પિટલ ખાતે દોડી આવ્યું હતું અને આરોપીની તાત્કાલિક ધરપકડ કરવાની માંગ સાથે પરિવારજનોને સાંત્વના પાઠવી હતી. અનેક સંગઠનો સાથે સંકળાયેલા અને સમાજમાં સારી લોક ચાહના ધરાવતા એડવોકેટની હત્યા થતા મોટી સંખ્યામાં લોકો સરકારી હોસ્પિટલ ખાતે લોકો દોડી આવ્યા હતા. પરિવાજનોએ લાશ લેવાનો પણ ઇનકાર કર્યાનું જાણવા મળ્યું હતું.

(અહેવાલ: દિપુભા જાડેજા, રાપર)

અન્ય સમાચારો પણ છે...