તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

આક્ષેપ:પાલિકા દ્વારા હમીરસરમાંથી માટી ઉપાડ્યાનું ખોટું પ્રમાણપત્ર અપાયું

ભુજ12 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • માધાપરના તળાવમાંથી ખનીજ ચોરીના કાૈભાંડમાં લાખોની લાંચ લેવાયાનો આરોપ
  • તત્કાલિન અને હાલના નગરપ્રમુખ, મુખ્ય અધિકારીએ પ્રકરણને દબાવ્યાનો આક્ષેપ

ભુજ તાલુકાના જોડિયા ગામ માધાપરના જૂનાવાસમાં છતરડીવાળો તળાવ છે, જેમાંથી માટીની ખનીજ ચોરી કરાઈ છે અને ભુજના હમીરસર તળાવમાંથી સુજલામ સુફલામ યોજના હેઠળ માટી ઉપાડાયાનું ખોટું પ્રમાણપત્ર મેળવાયું છે. જે બાબતે ભુજ નગરપાલિકાના હાલના પ્રમુખ ઘનશ્યામ આર. ઠક્કર, તત્કાલિન પ્રમુખ લતાબેન સોલંકી, હાલના મુખ્ય અધિકારી મનોજ સોલંકી, તત્કાલિન મુખ્ય અધિકારી મેહુલ જોધપુરાને લીગલ નોટિસ ફટકારવામાં આવી છે, જેમાં લાખો રૂપિયાની લાંચ મેળવી સમગ્ર પ્રકરણને દબાવવાનો પ્રયાસ કરાયાનો આક્ષેપ કરાયો છે.

ફરિયાદી દિનેશ હિરજી સોમૈયાએ આપેલી લીગલ નોટિસમાં આક્ષેપ સાથે જણાવ્યું છે કે, માધાપરના જૂનાવાસના છતરડીવાળા તળાવમાંથી આરોપી વૈશાલી મેહુલ ઠક્કર, મેહુલ અરવિંદ ઠક્કર, હેમલતા અરવિંદ ઠક્કર, અરવિંદ શંકરલાલ ઠક્કરે માટી ચોરી કરી છે. પરંતુ, ભુજ નગરપાલિકા પાસેથી સુજલામ સુફલામ યોજના હેઠળ ભુજ શહેરના હમીરસર તળાવમાંથી માટી ઉપાડાયાનું ખોટું પ્રમાણપત્ર મેળવાયું છે, જેથી હાલના પ્રમુખ અને મુખ્ય અધિકારીને ભુજ નગરપાલિકા દ્વારા 2018ની 25મી જુલાઈના અપાયેલા ખોટા પ્રમાણપત્રની યોગ્ય તપાસ કરવા ફરિયાદ કરી હતી.

પરંતુ, હાલના અને તત્કાલિન પ્રમુખ અને મુખ્ય અધિકારી સાથે મળીને લાખો રૂપિયાના હિસાબે લાંચ કવર કરી છે, જેથી સમગ્ર પ્રકરણને દબાવવા પ્રયત્ન કરી રહ્યા છો. તત્કાલિન મુખ્ય અધિકારી મેહુલ જોધપુરા વિરુદ્ધ પ્રાઈવેટ ફોજદારી ફરિયાદ ચીફ જ્યુડિશિયલ મેજિસ્ટ્રેટની કોર્ટમાં રજુ કરી છે, જેમાં હાલના મુખ્ય અધિકારી, હાલના પ્રમુખ, મુખ્ય અધિકારી અને તત્કાલિન પ્રમુખને તહોમતદાર તરીકે દાખલ કરવા કાર્યવાહી આદરીશું.

15884.74 મેટ્રિક ટન 400 લોડર દ્વારા ઉપાડાયો
લીગલ નોટિસમાં જણાવાયું છે કે, ખનીજ ચોરી કરનારા આરોપીઓએ માધાપરના જૂનાવાસના છતરડીવાળા તળાવમાંથી પાંચ ફૂટ ઊંચી ભરતી કરવા માટે 15884.74 મેટ્રીક ટન માલ આશરે 400 લોડરો દ્વારા ઉપડાવેલો છે. ભુજના હમીરસર તળાવમાંથી ઉપાડ્યો નથી. જે ભુજ નગરપાલિકાની દબાણ શાખાની સ્ક્વોડને પુરવાર કરાવી આપ્યું છે.

ખોટી સહી લેવાયાની કબૂલાત
લીગલ નોટિસમાં વિશેષ વિગત આપતા જણાવાયું છે કે, ખોટા પ્રમાણપત્રમાં જેમની સહી બોલે છે એ ભૂપેન્દ્ર કે. જોશીએ કબૂલ્યું છે કે, જાણ બહાર સહી લેવાઈ છે. હકીકતમાં એવું કોઈ પ્રમાણપત્ર તેમણે આપ્યું જ નથી, જેથી પણ સ્પષ્ટ થાય છે કે, હમીરસર તળાવમાંથી માટી ઉપાડાઈ જ નથી. પરંતુ, તેમને કાયદાકીય ગૂંચમાં સંડોવી કાૈભાંડને અંજામ અપાઈ રહ્યો છે.

અન્ય સમાચારો પણ છે...