હાલાકી:લખપતમાં 17 કલાક વીજપુરવઠો ખોરવાઈ જતા 8 સરહદી ગામો ફાનસ યુગમાં આવ્યાં

નારાયણ સરોવર15 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • સીમાવર્તી વિસ્તારના રહીશોને ભોગવવી પડી ભારે હાલાકી : બીએસએફ ઓપીમાં પણ લાઈટ ઠપ્પ

સરહદી લખપત તાલુકામાં એકસાથે 17 કલાક સુધી વીજળી ગુલ થઈ જતા આ વિસ્તારમાં છેવાડાના 8 ગામો ફાનસ યુગમાં આવી ગયા હતા.કારણકે રવિવારે રાત્રે વીજ પુરવઠો બંધ થઈ ગયા બાદ સોમવારે બપોરે માંડ લાઈટ આવી હતી.રવિવારે રાતે આઠ કલાકે છેર 66 કેવી અને સિયોત 66 કેવીમાં ફોલ્ટ થતા ઘડુલીથી લખપત અને નારાયણ સરોવર સુધીના ગામોમાં અંધારપટ્ટ છવાઈ ગયો હતો.અંધારાના કારણે આ વિસ્તારમાં લોકોએ પોતાના ઘરે ફાનસ શરૂ કરી હતી જેથી આધુનિક જમાનામાં પણ લખપત 1970 ની સદીમાં આવી ગયો હોય તેવો આભાસ થયો હતો.

મોટાભાગના ગામોમાં અંધારપટ્ટ છવાઈ જતા લોકોએ એકબીજાને ફોન કરી પુચ્છા કરી હતી જોકે થોડીવાર બાદ મોબાઈલની બેટરીઓ પણ પૂરી થઈ ગઈ હતી જેથી મોબાઈલ પણ રમકડાં બની ગયા હતા અંતે સોમવારે બપોરે 1 વાગ્યે લાઈટ આવી હતી. સિયોત ફીડરમાં આવતા સિયોત સહિત ઉમરસર,સાયરા સહિતના 8 ગામો અને બીએસએફ ઓપીમાં લાઈટો ગુલ થઈ ગઈ હતી.સીમાવર્તી અને પર્યટન વિસ્તાર એવા લખપતમાં વીજ સમસ્યા ઉકેલવા માટે વારંવારની રજૂઆતો છતાં કોઈ ઉકેલ આવતો નથી.એકસાથે 17 કલાક સુધી વીજળી ગૂલ રહેતા લોકોના કામકાજ ટલ્લે ચડ્યા હતા.

યાત્રિકોની સગવડ માટે રાત્રે જનરેટર ચાલુ કરાયા
હાલમાં આસો નવરાત્રીના પગલે લખપતમાં ભાવિકોનો પ્રવાહ જોવા મળી રહ્યો છે.માતા ના મઢ આવતા પ્રવાસીઓ નારાયણ સરોવરમાં આવતા હોય છે જેથી ગઈકાલે નારાયણ સરોવર પ્રવાસીઓથી ખીચોખીચ ભરેલું હતું ત્યાં લાઈટ ચાલી જતા લોકોની સુવિધા માટે ટ્રસ્ટ દ્વારા ભોજનાલય અને વિશ્રામધામમાં જનરેટર ચાલુ કરી લોકોની તકલીફ દૂર કરી હતી.સરહદી વિસ્તારના મોટા તીર્થધામોમાં લાઈટનો કાયમી પ્રશ્ન હલ થાય તે જરૂરી છે.

અન્ય સમાચારો પણ છે...