ઉષ્ણતામાન:કચ્છમાં દિવસભર વેગીલો વાયરો, ગરમીમાં રાહત નહિ

ભુજ3 વર્ષ પહેલા
  • કૉપી લિંક
  • કંડલા (એ) 42.2, ભુજ-કંડલા 39.5, નલિયામાં 35 ડિગ્રી

કચ્છભરમાં મંગળવારે દિવસભર વેગીલો વાયરો ફુંકાવાની સાથે અનેક વિસ્તારોમાં ધૂળની ડમરી ઉડી હતી. બપોરે ફુંકાયેલા ગરમ પવનને કારણે મોટા ભાગના જિલ્લામાં ગરમીનું જોર યથાવત રહ્યું હતું. જિલ્લામાં મોખરે રહેલા કંડલા (એરપોર્ટ) મથકે મહત્તમ પારો 1 આંક નીચે ઉતરીને 42.2 ડિગ્રી નોંધાયો હતો. ગાંધીધામ, આદિપુર, અંજાર સહિતના વિસ્તારમાં દિવસભર સરેરાશ 18 કિલો મીટરની ગતિએ પવન ફુંકાયો હતો જેને લીધે ધૂળની ડમરી ઉડી હતી. સવારથી જ સૂર્ય નારાયણે આકરા તેવર દેખાડતાં શહેરીજનો ગરમીથી અકળાઇ ઉઠ્યા હતા. ભુજ અને કંડલા પોર્ટ પર વધુમાં વધુ 39.5 ડિગ્રી ઉષ્ણતામાન નોંધાયું હતું. બંદરીય કંડલામાં દિવસભર સરેરાશ 12 કિલો મીટરની ઝડપે વાયરો વાયો હતો જ્યારે જિલ્લા મથકે પશ્ચિમ-દક્ષિણ દિશાએ કલાકના 6 કિલો મીટરની ગતિ સાથે પવન ફુંકાયો હતો. આમ ગરમીનું જોર યથાવત રહ્યું હતું. નલિયામાં મહત્તમ 35 ડિગ્રી રહેતાં બે દિવસ પડેલી કાળઝાળ ગરમીમાંથી નગરજનોને મોટી રાહત થઇ હતી. રણકાંધીના ગામોમાં પણ દિવસે તેજ ગતિએ ફુંકાયેલા પવનની સાથે ઉડેલી ડમરીથી અનેક વિસ્તારમાં સમયાંતરે ધૂળનું સામ્રાજ્ય જોવા મળ્યું હતું. મહત્તમ સરેરાશ 40 ડિગ્રી જેટલા તાપમાન અને ડમરીને કારણે લોકો બેહાલ બન્યા હોવાનું જાણવા મળ્યું હતું.

અન્ય સમાચારો પણ છે...