વાતાવરણ:શિયાળો અસલી મિજાજમાં, નલિયા 7 ડીગ્રી ઠંડીથી થરથર્યું: કચ્છમાં હજુ 7 દિવસ રહેશે તીવ્ર ટાઢોડું

ભુજએક વર્ષ પહેલા
  • કૉપી લિંક
  • મૌસમનું સૌથી નીચું તાપમાન નોંધાયું : ભુજ 11.2 ડીગ્રી સાથે બીજું ઠંડી શહેર બન્યું
  • ઉત્તરાદી ઠંડા પવનો થકી રણકાંધિ તો ખરી જ પણ દરિયા કિનારાના વિસ્તારો પણ ઠર્યા

ઉત્તર દિશામાંથી ફૂંકાયેલા ઠંડા પવને સોમવારે કચ્છને ઝકડી દીધું હતું. નલિયામાં ગુજરાતનું આ શિયાળાનું સાૈથી નીચું 7 ડીગ્રી તાપમાન નોંધાયું હતું તો 11.2 ડીગ્રી સાથે ભુજ બીજા ક્રમે રહ્યું હતું. સ્થાનિક હવામાન વિભાગના વર્તારા અનુસાર કચ્છમાં આખું અઠવાડિયું ઠંડીનું તીવ્ર મોજું ચાલુ રહેશે.

ઉત્તર ભારતમાં થયેલી બરફવર્ષા અને ઉત્તર દિશામાંથી ફૂંકાતા પવનને કારણે જિલ્લાના રણકાંધીથી માંડીને દરિયાકાંઠાના વિસ્તારો સુધી ઠંડીની આણ વર્તાઇ હતી. નલિયામાં તાપણું કરીને ઠાર ઉડાડતા રડ્યા-ખડ્યા માણસો સિવાય રાત્રે વધું જ સુમસામ બની ગયું હતું. ભુજ શહેરમાં પણ લોકો ગરમ વસ્ત્રો ઓઢીને ફરતા દેખાયા હતા. ગાંધીધામ-અંજાર વિસ્તારમાં લોકોઅે આ મોસમમાં પહેલીવાર આટલું ટાઢોડું અનુભવ્યું હતું.

આ શિયાળો આકરો જવાની શક્યતા
કચ્છમાં શિયાળા દરમિયાન લઘુતમ તાપમાન 3થી 7 ડિગ્રીએ અવાર-નવાર પહોંચી જતું હતું પરંતુ 2001ના મોટા ભૂકંપના બે-ત્રણ વર્ષ પછી ઠંડીનો પ્રમાણ ક્રમશ: ઘટતું જતા પારો ભાગ્યે જ 5 ડિગ્રી સુધી પહોંચે છે. અલબત હવામાનના જાણકાર સૂત્રોના કહેવા પ્રમાણે આ વખતે કચ્છમાં પુષ્કળ વરસાદ વરસ્યો છે અને શિયાળા આરંભે જ કડકડતી ટાઢ શરૂ થઇ છે જેથી આ મોસમમાં નલિયામાં પારો 5 ડિગ્રીથી નીચે જાય એવી શક્યતા છે.

વડાપ્રધાન મોદી આજે સાંજે રણની હાડ થીજાવતી ઠંડી અનુભવશે !
વડાપ્રધાન નરેન્દ્ર મોદી મંગળવારે ધોરડોમાં બપોરથી સાંજ સુધી રોકાવાના છે. રણ વચાળે આવેલા આ વિસ્તારમાં દિવસનું તાપમાન 25થી 26 ડીગ્રી રહેવાની શક્યતા છે. 6.30 વાગ્યે સૂરજ ઢળ્યા પછી, મોદી વિદાય લેશે અે અરસામાં પારો 12-13 ડીગ્રીએ પહોંચવાની સંભાવના હવામાન વિભાગે દર્શાવી હતી. આમ મોદીજી હાડ થીજવતી ઠંડનો અનુભવ કરે એવી શક્યતા છે.

અન્ય સમાચારો પણ છે...