કમોસમી વરસાદ:ખીરઇ અને બાદરગઢમાં ભર શિયાળે કરા પડ્યા, રાપર, ભચાઉ, લખપત તાલુકામાં માવઠું

ભુજ19 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • આજે પણ કચ્છમાં કેટલાક સ્થળે કમોસમી વરસાદની વકી

કચ્છમાં આગાહીના પગલે ગુરૂવારે માવઠાએ પોરો ખાધા બાદ શુક્રવારે રાપર તાલુકાના ખીરઇ અને બાદરગઢમાં કરાનો વરસાદ પડતાં કૌતૂક ફેલાયું હતું. રાપરના કેટલાક ગામોમાં ચોમાસુ હોય તેમ અડધોથી એક ઇંચ પાણી વરસ્યું હતું. ભચાઉ અને લખપત પંથકમાં ઝરમર રૂપે માવઠાની હાજરી રહી હતી. દરમિયાના આજે શનિવારે પણ કેટલાક સ્થળે કમોસમી વરસાદની સંભાવના વ્યક્ત કરાઇ છે. રાપર તાલુકાના ખીરઇ અને બાદરગઢ ગામે કરા સાથે તોફાની વરસાદ ખાબક્યો હતો જેમાં બાદરગઢમાં રામદેવપીર ગૌશાળામાં ખુલ્લામાં પડેલા સૂકા ચારાને મોટું નુકસાન થયું હતું.

સઇ, નીલપર, સરસલા, ડાભુંડા, પ્રાગપર, વલ્ભપર સહિતના વિસ્તારોમાં ભારે ઝાપટા સાથે અડધોથી એક ઇંચ પાણી વરસ્યું હતું.ભીમાસર, મોડા, આડેસર પટ્ટી , પ્રાંથળ પટ્ટી, રામવાવ વિસ્તારમાં ઝરમરથી ઝાપટા પડ્યા હતાં . હાલ રવિ પાકનું વાવેતર થયું છે તેમાં એરંડા અને રાયડાને બાદ કરતાં જીરું, ઈસબગુલ, કપાસ, વગેરે પાકોમાં કમોસમી વરસાદના કારણે ભારે નુકસાનની દહેશત ખેડૂતો સેવી રહ્યા છે.

ભચાઉ તાલુકાના કેટલાક ગામોમાં પણ સવારથી માહોલ ગોરંભાયો હતો અને દિવસ દરમિયાન ઝરમર કે છાંટા રૂપે માવઠાની હાજરી રહી હતી. કમોસમી વરસાદથી વાતાવરણ ઠંડુ બન્યું હતું. લખપત તાલુકાના મુખ્ય મથક દયાપર ઉપરાંત ઘડુલી, વિરાણી, માતાના મઢ, છેર, લખપત, પુનરાજપુર, પાન્ધ્રો સહિતના ગામોમાં વહેલી સવારે ઝરમર પડતાં માર્ગો ભીંજાયા હતા. મુન્દ્રામાં ગત રાત્રે માવઠું થયું હતું.

માવઠાના પગલે ઠંડીમાં રાહત, આજથી વધશે
કચ્છમાં માવઠાના પગલે ઠંડીમાં રાહત રહી હતી જો કે, આજે શનિવારથી પારો ચારથી પાંચ ડીગ્રી ગગડવાની સંભાવના છે. છેલ્લા કેટલાક સમયથી મોખરે રહેતા નલિયામાં ન્યૂનતમ 16.2 ડિગ્રી રહેતાં રાજ્યના અવ્વલ પાંચ મથકોમાં પણ રહ્યું ન હતું. ભુજમાં 16.5, કંડલા એરપોર્ટ ખાતે 15.2 અને કંડલા બંદરે 17.5 ડિગ્રી નોંધાયું હતું. જો કે, શુક્રવારના રાત્રે પવન ફૂંકાવાની સાથે ઠંડીનું જોર વધ્યું હતું.

અન્ય સમાચારો પણ છે...