આવેદન:પરિપત્ર નથી તો પણ કોલેજમાં રસીકરણ ફરજીયાત કેમ કરાયું ?

ભુજ2 મહિનો પહેલા
  • કૉપી લિંક
પ્રતીકાત્મક તસ્વીર - Divya Bhaskar
પ્રતીકાત્મક તસ્વીર
  • ભારતીય વિદ્યાર્થી મોરચાએ કલેક્ટરને આવેદન પાઠવ્યું

હાલે કોલેજ અને યુનિવર્સિટીમાં રસી ફરજિયાતપણે લગાવવાનું જે અભિયાન શરૂ કરવામાં આવ્યું છે તેના માટે સરકારનો કોઇ પરિપત્ર નથી તેમ જણાવતાં ભારતીય વિદ્યાર્થી મોરચાએ કલેક્ટરને પાઠવેલા આવેદનમાં વેક્સિનેશન મરજીયાત કરવાની માગ કરી છે. જે વિદ્યાર્થીએ બે ડોઝ નહિ લીધા હોય એમને કોલેજ અને યુનિવર્સિટીમાં આવવાની પરવાનગી નહિ મળે તેમ જાહેર કરવામાં આવી રહ્યું છે તેના અનુસંધાને તપાસ કરતાં રસીકરણ ને ફરજિયાત કરવા માટે કેન્દ્ર સરકાર કે સ્વાસ્થ્ય વિભાગ દ્વારા એવો કોઈ પણ પરિપત્ર બહાર પાડવામાં આવ્યો ન હોવાનું જાણવા મળ્યું છે.

અનેક રાજ્યોની અદાલતોએ પણ રસીકરણ ફરજિયાત કરી શકાય નહિ તેમજ ફરજિયાત કરવું તે મૂળભૂત અધિકારનું હનન છે તેમ જણાવ્યું છે છતાંય રાજ્યમાં કોલેજ અને યુનિવર્સિટીના સંચાલકો દ્વારા રસીકરણ ફરજિયાત બનાવાઇ રહ્યું છે. કેન્દ્ર સરકાર દ્વારા રસીકરણ ફરજિયાત કરવામાં આવ્યું હોય તેવો પરિપત્ર દર્શાવાય, જે રસી આપવામાં આવે છે એમા કયા તત્વો છે તે સરકાર લેખિતમાં આપે તેવી માગ કરાઇ હતી. ફરજીયાત રસીકરણને જલ્દી થી રોકવામાં નહી આવે તો રાષ્ટ્રવ્યાપી બહિષ્કાર આંદોલન ચલાવવામાં આવશે તેવી ચીમકી ઉચ્ચારાઇ હતી.

બહુજન ક્રાંતિ મોરચા ગુજરાત રાજ્ય પ્રદેશ સંયોજક હીરજી પી. સમ્રાટ ,ભારતીય વિદ્યાર્થી મોરચાના કચ્છ જિલ્લા પ્રભારી અનિલકુમાર યાદવ, નખત્રાણા તાલુકા પ્રભારી શિવજી સીજુ, શામજી બુચિયા, હરેશ મહેશ્વરી, કિશન ધેડા તેમજ કાર્યકર્તાઓ જોડાયા હતા.

અન્ય સમાચારો પણ છે...