વહીવટી કામગીરી:નગરપતિ સત્તાના બીજા 100 દિવસનો હિસાબ ક્યારે આપશે ?

ભુજએક મહિનો પહેલા
  • કૉપી લિંક
  • કોઈ નોંધનીય કામગીરી દેખાતી નથી, જૂના કામ ગણાવશે
  • પ્રથમ 100 દિવસમાં મોટે ભાગે ગત બોડીના કામો કરાયા હતા રજુ
  • ​​​​​​​પદભાર સંભાળ્યાને 200 દિ થયા, બાકી 730 દિવસમાં શું કરશે

ભુજ નગરપાલિકાના પ્રમુખ ઘનશ્યામ અાર. ઠક્કરે નગરપતિ તરીકે સત્તા સંભાળ્યા બાદ પ્રથમ 100 દિવસનો હિસાબ અાપ્યો હતો. પરંતુ, ત્યારબાદ બીજા 100 દિવસનો હિસાબ હજુ સુધી અાપ્યો નથી. જોકે, પ્રથમ 100 દિવસમાં મોટેભાગે ગત બોડીઅે મંજુર કરેલા કામો હતા અને બીજા 100 દિવસમાં પણ ખાસ કોઇ નવા નોંધનીય કામો થયા નથી, જેથી પ્રશ્ન થાય છે કે, 200 દિવસમાં કર્યું શું અને અા ગતિઅે બાકી 730 દિવસમાં પણ કરશે શું.

ભુજ નગરપાલિકામાં ભાજપે વધુ અેક વખત પાંચ વર્ષ માટે શાસન હસ્તગત કર્યું અને નગરપતિઅે 2021ની 16મી માર્ચે પ્રમુખનો કાર્યભાર સંભાળ્યા બાદ જૂન મહિનામાં 100 દિવસનો હિસાબ અાપવાની પહેલ કરી હતી. જોકે, અે 100 દિવસમાં ગત બોડીઅે લીધા નિર્ણયોની અમલવારી સિવાય ખાસ કશું નોંધનીય ન હતું. પરંતુ, ત્યારબાદના 100 દિવસમાં કશું ધ્યાનાકર્ષક કરશે અેવી અાશા હતી. પરંતુ, મોટો નિર્ણય લેવાયો નથી. અેકમાત્ર ગટરની સમસ્યા ઉકેલવા માટે ગટરની ચેમ્બર્સની સફાઈનો ઠેકો અાપ્યો.

પરંતુ, અેથીય ખાસ કશું ફરક પડ્યું નહીં અને ચોમાસાના પ્રથમ વરસાદે જ ગટરની ચેમ્બર ઉભરાવવા લાગી હતી. અે ઉપરાંત મંગલમ ચાર રસ્તેથી હમીરસર તળાવમાં ગટરના પાણી વહી નીકળ્યા હતા, જેમાં ભગવાન માફ નહીં કરે અેવા લાચારીભર્યા નિવેદનો અને ઈજનેરની બદલી સિવાય કોઈ નક્કર કાર્યવાહી થઈ ન હતી. બીજી બાજુ સફાઈના ઠેકાની મુદ્દત પૂરી થયાને 7 મહિના વીત્યા છતાં પણ ટેન્ડરિંગ પ્રક્રિયા જેવી વહીવટી કામગીરી અટકાવી દીધી છે.

વિપક્ષની રમુજ, પદાધિકારીઅો રિસાયા હોય તો મનાવી દઈઅે
વિપક્ષ કોંગ્રેસના વિપક્ષીનેતા કાસમ સમાઅે નગરપાલિકામાં કારોબારી ચેરમેન જગત વ્યાસની ગેરહાજરી અને અન્ય પદાધિકારીઅો દેખાતા ન હોઈ રમુજ કરી હતી કે, પ્રમુખ સાથે કારોબારી ચેરમેન અને અન્ય પદાધિકારીઅો રિસાયા હોય તો અમે મધ્યસ્થી કરી મનાવી અાપવા તૈયાર છીઅે.

અન્ય સમાચારો પણ છે...