ખાખી જોરમાં:પશ્ચિમ કચ્છ પોલીસે 3 કલાકમાં દેશી દારૂના 37 દરોડા પાડયા

ભુજ23 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • પ્રોહીબિશન બદીને ડામવા ખાખી જોરમાં
  • ​​​​​​​જિલ્લામાં સ્પેશ્યલ કોમ્બિંગનું કરાયું આયોજન

પશ્ચિમ કચ્છ પોલીસ જિલ્લામાં પ્રોહીબિશન બદીને ડામવા માટે સ્પેશ્યલ કોમ્બિંગનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં વિવિધ થાણા વિસ્તારમાં ત્રણ કલાકમાં જ 37 જેટલા દેશી દારૂના દરોડા પાડવામાં આવ્યા હતા.રાજ્ય પોલીસવડા દ્વારા દારૂની બદીને ડામવા માટે 30 સપ્ટેમ્બરથી સ્પેશ્યલ ડ્રાઇવ યોજના સૂચના અપાઈ છે જે અનુસંધાને આઈજી જે.આર.મોથલીયા અને એસપી સૌરભસિંઘ દ્વારા માર્ગદર્શન આપવામાં આવતા રવિવારે સવારે પાંચ વાગ્યાથી 8 વાગ્યા સુધી ત્રણ કલાકની સ્પેશ્યલ કોમ્બિંગ રખાઈ હતી.

જેમાં દેશી દારૂના માધાપરમાં 5, ભુજ એ ડિવિઝન,નખત્રાણા અને મુન્દ્રામાં 4-4,ભુજ બી ડિવિઝન અને કોઠારામાં 2 તથા નિરોણા પોલીસમાં 1 કેસ કરાયો હતો જ્યારે નારાયણ સરોવર પોલીસે દારૂ વેચાણ કરતા 1 ને ઝડપી લીધો હતો.આ તરફ દેશી દારૂ બનાવવાની ભઠ્ઠીના પધ્ધરમાં 3,મુન્દ્રા,નલિયા અને નખત્રાણામાં 2-2 જ્યારે માંડવી,ખાવડા અને કોઠારા પોલીસ સ્ટેશન વિસ્તારમાં 1 -1 કેસ કરવામાં આવ્યો હતો.ઉલ્લેખનીય છે કે,પશ્ચિમ કચ્છમાં અંગ્રેજી દારૂના વેચાણનું નેટવર્ક પણ વધી ગયું છે પોલીસ દ્વારા દેશી દારૂના અડ્ડાઓ પર તવાઇ બોલાવાઈ એ કાર્ય સરાહનીય પણ અંગ્રેજી દારૂની બદીને ડામવા પણ આવી સ્પેશ્યલ કાર્યવાહી કરી મોટા બુટલેગરોને સળિયા પાછળ ધકેલવામાં આવે એ જરૂરી છે.

ભુજના મોટાબંધ પાસેથી બ્રાન્ડેડ દારૂની 22 બોટલો સાથે યુવક ઝડપાયો
ભુજ એલસીબીને બાતમી મળી હતી કે,જયનગરથી દારૂનો જથ્થો લઈ ટીવીએસ જ્યૂપીટર વાહનમાં એક શખ્સ જ્યૂબીલી તરફ આવી રહ્યો છે.જેથી મોટા બંધ ત્રણ રસ્તાથી હોટલ ઇન આઉટ પાસે એલસીબીની ટીમ હાજર હતી અને બાતમીવાળી જયુપીટર આવતા તેને રોકી તપાસ કરતા શરાબનો જથ્થો મળી આવ્યો હતો.રૂ.5950 ની કિંમતની વોડકાની 17 બોટલો અને રૂ.1857ની કિંમતની વહીસ્કીની 5 બોટલો સાથે આરોપી બ્રિજેસ અશોકભાઈ ભટ્ટી (રહે.શિવશક્તિ કોલોની,ફોરેસ્ટ કોલોની પાસે,ભુજ)ની અટકાયત કરવામાં આવી હતી.આ સાથે 25 હજારની કિંમતની ટીવીએસ જયુપીટર નંબર જી.જે.12 ઇએફ 6353 અને 7 હજારનો મુદામાલ મળી કુલ રૂ.39,825 નો મુદામાલ કબ્જે કરવામાં આવ્યો હતો.

અન્ય સમાચારો પણ છે...