કાર્યવાહી:તોલમાપ વિભાગના કંડલા-ગાંધીધામમાં દરોડા : 9.18 લાખના તેલનો જથ્થો કબ્જે

ભુજ11 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • કચ્છ અને રાજકોટની સંયુકત ટીમે ખાદ્યતેલ ઉત્પાદક કંપની પર ચેકિંગ કર્યું
  • એ​​​​​ક લિટર તેલના પાઉચમાં 12.7 મીલી જથ્થો ઓછો જણાતા કાર્યવાહી કરાઇ

રાજકોટ ફલાઇટ સ્કવોડ અને કચ્છ તોલમાપ વિભાગની ટીમે ગાંધીધામ-કંડલા ખાતે ખાદ્ય તેલ ઉત્પાદક કંપની પર અાકસ્મિક દરોડા પાડયા હતા. ગાંધીધામની અેક કંપનીમાં અેક લીટર તેલના પાઉચમાં 12.7 મીલી જથ્થો અોછો જણાતા 9,18,000 કિંમતના 5405 નંગ પાઉચ કબજે કરી તેની સામે કાર્યવાહી હાથ ધરવામાં અાવી હતી, તો કંડલાની અેક પેઢીમાં ગેરરિતી જણાતા તેની સામે કેસ નોંધી અાગળની તપાસ હાથ ધરવામાં અાવી હતી.

સુત્રોમાંથી પ્રાપ્ત વિગતો મુજબ, ગત સપ્તાહે ગાંધીધામમાં અાવેલી રૂચિ-સોયા ઇન્ડસ્ટ્રીઝ લીમીટેડ ખાતે રાજકોટ ફલાઇટ સ્કવોડ અને કચ્છ તોલમાપ વિભાગની ટીમે અાકસ્મિક દરોડો પાડયો હતો. કંપની ખાતે ઉત્પાદીત થતા ખાદ્યતેલના અેક લીટરના રૂચિ-ગોલ્ડ પામોલીન અોઇલ કંપની દ્વારા પેક કરવામાં અાવતા તેલના જથ્થાની તપાસ કરવામાં અાવી હતી. કંપનીમાં તૈયાર થયેલા 125 નંગમાંથી અેક લીટરના પાઉચની તપાસ હાથ ધરવામાં અાવી હતી.

અેક લીટર પેકિંગ દર્શાવાયેલા પાઉચને 50 ડિગ્રી તાપમાનમાં રાખતા 4.12 મીલી જથ્થો અોછો હોવાનું જણાયું હતું, તો રૂમ ટેમ્પરેચરમાં 1 લીટરમાં 12.7 મિલી જથ્થો અોછો હોવાનું માલુમ પડયું હતું. અેક લીટરના પાઉચમાં જથ્થો અોછો માલુમ પડતા રૂચિ-સોયા ઇન્ડસ્ટ્રીઝ-ગાંધીધામ સામે કાયદેસરની કાર્યવાહી હાથ ધરી ગુનો નોંધી 9,18,000ના કુલ 5405 નંગની અટકાયત કરી અાગળની કાર્યવાહી હાથ ધરવામાં અાવી હતી. રાજકોટ ફલાઇટ સ્કવોડના અેમ. કે. અાગલોડીયા, તોલમાપ નાયબ નિયંત્રક અેન. અેમ. રાઠોડ, વી. કે. પટેલ તેમજ નિરિક્ષકો અાસ્કમિક દરોડામાં જોડાયા હતા.

કંડલાની તપાસમાં 13 મીલી જથ્થો અોછો
રાજકોટ ફલાઇટ સ્કવોડ અને કચ્છ તોલમાપ વિભાગની ટીમે કંડલા ખાતે ઇમાની અેગ્રોટેક લીમીટેડ ખાદ્યતેલ ઉત્પાદક કંપનીમાં દરોડો પાડયો હતો, જેમાં અેક લીટરના પાઉચમાં 13 મીલી તેલનો અોછો જથ્થો અપાતો હોવાનું માલુમ પડતા તેની સામે પણ કેસ દર્જ કરી અાગળની કાર્યવાહી હાથ ધરવામાં અાવી હતી.

અન્ય સમાચારો પણ છે...